વરાછાના ICICI બેંકના ATMમાં 14 વર્ષનો કિશોર રૂપિયા ઉપાડવા જતા કાર્ડ મશીનમાં ફસાઇ જતા પુત્રએ વેપારી પિતાને બોલાવ્યા હતા. પિતા-પુત્રએ કાર્ડ કાઢવાની કોશિશ કરી તે સમયે એક મહિલા અને યુવકે આવી સિક્યુરિટી ગાર્ડ તરીકે ઓળખ આપી પાસવર્ડ જાણી લીધો હતો. કાર્ડ ન નીકળતા પિતા-પુત્ર વતન જતા રહ્યા હતા. આ અરસામાં કાપડ વેપારીના કાર્ડથી 1 લાખની રકમ ઉપડી ગઈ હતી. તેમણે આ અંગે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ATMના સીસી કેમેરા આધારે મહિલા સહિત બે જણાના ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.
સરથાણા બ્લ્યુ સિટી સોસાયટીમાં રહેતા અને બેગમપુરામાં કાપડનો વેપાર કરતા મેહુલ ભરતભાઈ પટેલે 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પર વતન જવાનું હોવાથી પુત્રને કાર્ડ આપી ATMમાં મોક્લ્યો હતો. સગીર પુત્ર નાના વરાછા પાસે આવેલા ATMમાં ગયો હતો. જ્યાં કાર્ડ મશીનમાં ફસાઇ ગયો હતો. આથી તેણએ પિતાને બોલાવ્યા હતા.
પિતા-પુત્રએ કાર્ડ કાઢવા પ્રયાસો કર્યા છતાં નીકળ્યો ન હતો. એટલામાં એક મહિલા અને યુવકે પોતે સિક્યુરિટી ગાર્ડ હોવાની ઓળખ આપી હતી. અજાણી મહિલાએ તેમને કહ્યું કે પાછો પીન નંબર મારો. આથી ફરી પીન મારતા મહિલાએ તેમનો પાસવર્ડ જાણી લીધો હતો. જો કે, પછી પણ કાર્ડ તો નીકળ્યો ન હતો. બાદમાં તેમને વતન જવાનું હોવાથી તેઓ જતા રહ્યા હતા. બાદમાં બંને ઠગે બેંકના ATMમાંથી અલગ અલગ સમયે રૂપિયા 1 લાખ ઉપાડી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.