ગેરકાયદે ખાતરની હેરફેર ઝડપાઈ:મહુવાના અનાવલથી 250 ગુણીમાં શંકાસ્પદ નીમકોટેડ યુરિયાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેતવપરાશ માટેના જથ્થાને ઝડપી લેવામાં આવ્યો હતો. - Divya Bhaskar
ખેતવપરાશ માટેના જથ્થાને ઝડપી લેવામાં આવ્યો હતો.

સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ખાતે બિરસા મુંડા સર્કલ પાસેની ચેકપોસ્ટ પર મહુવા પોલીસના ચેકિંગ દરમિયાન ચીખલી તરફ જઈ રહેલા એક આઈશર ટેમ્પામાં 45 કિ.ગ્રા વાળી 250 બેગોમાંથી સબસિડીયુક્ત ખેતવપરાશ માટેના રૂ.66625ના મૂલ્યનો શંકાસ્પદ નીમકોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો હતો. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાંથી નીમકોટેડ યુરિયાનો જથ્થો બિલીમોરા લઈ જનાર ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત કરવામાં આવી છે. મહુવા પોલીસે બનાવ સંદર્ભે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને જાણ કરતા આ કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

250 ગુણી ખાતર ઝડપાયું
પ્રાપ્ત વિગતો અનુસાર તા.14/૦૩/2023ના રોજ મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના અનાર્મ પોલીસ હેડ કોન્સ.વિનોદભાઇ, મહિલા પોલીસ કોન્સ. મીતાબેન તથા જી.આર.ડી.ના જવાનો બિરસા મુંડા સર્કલ પાસે વાહનચેકીંગ કરી રહ્યા હતા, તે દરમિયાન સાંજે 5.30 વાગે અનાવલથી ચીખલી તરફ જતો એક ભુખરા રંગના આઈશર ટેમ્પા નં.MH-18-BZ-7831નું ચેકીંગ કરતા 250 જેટલી ગુણીમાં નીમકોટેડ યુરીયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પાચાલક વિજય ભગવાનભાઈ બાગુલ(પાટીલ) રહે. ડોંગારવાવ, તા.શાહદા, જિ.નંદુરબાર(મહારાષ્ટ્ર) અને ક્લીનર કિરણ સંતોષ પાટિલ, રહે.જખાની, તા.શિંદખેડા, જિ.ધુલિયા(મહારાષ્ટ્ર)ની સઘન પૂછપરછ કરતા તેઓ પાસે બિલ ન હોવાનું જણાયું હતું. આ જથ્થો બિલીમોરા ખાતે આપવાનો હોવાનું તથા આ જથ્થો મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લાના શાહદા તાલુકાના ડોંગારગાંવ ગામના યોગેશભાઈ બાગુલ(પાટીલ) પાસેથી લાવ્યાનું ખુલ્યું હતું. આ શંકાસ્પદ ખાતરનો જથ્થો જે ખેતીના ઉપયોગની જગ્યાએ અન્ય કે ઔદ્યોગિક વપરાશ કરવામાં આવતો પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું છે. જેથી બન્ને આરોપીઓની ધરપકડ કરી મહુવા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા.

ટેમ્પાને ઝડપી લેવામાં આવ્યો હતો.
ટેમ્પાને ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસે ગુનો નોધ્યો
આમ શંકાસ્પદ રાસાયણિક યુરીયા એક ગુણની રૂ.266.50(સબસિડીયુક્ત ભાવ) લેખે કુલ 250 ગુણની કિમત રૂ.66625 સાથે મુદ્દામાલ મહુવા પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ઈફ્કો યુરિયા 46% નીમ કોટેડ તેમજ નર્મદા બાયોકેમ લિ.-અમદાવાદ દ્વારા ઉત્પાદિત થયેલ યુરિયા 46% નીમકોટેડ ખેતીમાં વપરાતા ખાતરનો જથ્થો ઔદ્યોગિક હેતુસર વપરાશ કરતા હોવાનું જણાયું છે. ખાતરના ટેસ્ટીંગ માટેના નમુના લઈ બારડોલી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે મહુવા તાલુકાના ખેતી અધિકારી કોમલબેન ચૌધરીએ ગેરકાયદેસર રીતે રાસાયણિક યુરીયાની હેરફેર બદલ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...