ક્રાઇમબ્રાંચની કાર્યવાહી:પીપલોદમાં સ્પાની આડમાં MD ડ્રગ્સનો વેપલો કરતાં બે ઝડપાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1.17 લાખની કિંમતનું 11.740 ગ્રામ ડ્રગ્સ કબજે લેવાયું

પીપલોદમાં સ્પાની આડમાં એમડી ડ્રગ્સનો વેપલો ચાલતો હતો, જેમાં બે ડ્રગ્સ માફિયાઓને મંગલમ પાર્ક એપાર્ટમેન્ટમાં ભાડેના ફલેટમાંથી ક્રાઇમબ્રાંચે પકડી પાડ્યા છે. બંને પાસેથી 11.740 ગ્રામનું રૂ. 1.17 લાખનું ડ્રગ્સનો મળ્યું હતું. મંગલમ પાર્ક એપાર્ટમેન્ટમાં ભાડેના ફલેટમાં ડ્રગ્સના પેકેટો બનાવી ઓળખીતા કોલેજીયનોને સપ્લાય કરતા હતા. સારા ઘરના નબીરા સ્પામાં બેસીને પણ ડ્રગ્સનો નશો કરતા હતા.

પકડાયેલા માફીયાઓમાં એકનું નામ ઉમાશંકર ઉર્ફે સંજય વર્મા (40)(મૂળ યુપી) અને બીજાનું નામ રામચંદ્ન ઉર્ફે રામુ સ્વાઇ (38)(મૂળ ગંજામ ઓરિસ્સા) છે. બંને પીપલોદ મંગલમપાર્ક એપાર્ટમેન્ટમાં છેલ્લા 2 વર્ષથી ભાડે રહીને ડ્રગ્સનો વેપલો કરતા હતા. ડ્રગ્સ માફીયાઓ શહેરના પોશ વિસ્તાર જેવા કે સિટીલાઇટ, વેસુ, પીપલોદ અને વીઆઇપી રોડ પર રહેતા નબીરાઓને એમડી ડ્રગ્સ સપ્લાય કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે બન્ને એટલા ચાલાક હતા કે ઓળખીતા હોય અને તેમાં પણ પહેલા વેરીફાઇ કરી બાદમાં ડ્રગ્સની હોમડિલીવરી કરતા હતા. ઓળખાણ વગરના ગ્રાહકનો એમડી આપતા ન હતા. વધુમાં પોલીસે જણાવ્યું કે રામચંદ્ર ઉર્ફે રામુ મુખ્ય સૂત્રધાર છે. એક ગ્રામ ડ્રગ્સના 3 થી 4 હજારની રકમ લેતા હતા.

સૂત્રધાર રામચંદ્ર મુંબઈથી ડ્રગ્સ લાવતો હતો
એમડી ડ્રગ્સ સૂત્રધાર રામચંદ્ર સ્વાંઇ મુંબઈથી લાવતો હતો. મુંબઈમાં તેના છેડા લંબાયેલા છે. આ અંગે ડીસીબીના સ્ટાફને કેટલીક હકીકતો મળી છે. જેના આધારે પોલીસે મુંબઈના ડ્રગ્સ માફીયાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અગાઉ રામચંદ્ર બળાત્કારમાં પકડાયો હતો
અગાઉ ઉધના પોલીસમાં બળાત્કારના ગુનામાં રામચંદ્ર પકડાયો હતો. 2 વર્ષ પહેલા તે જામીન પર છુટયો હતો. રામચંદ્ર રાહુલરાજ મોલમાં સ્પા ચલાવતો હતો અને હાલમાં પણ તે સ્પા ચલાવતો હોવાની વાત સામે આવી રહી છે. જયારે ઉમાશંકર વર્મા એમડી ડ્રગ્સની ડિલિવરી આપવા જતો હતો.

અન્ય સમાચારો પણ છે...