પર્યાવરણ દિવસની ઉજવણી:સુરત મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા એક મહિનામાં બે લાખ તુલસીના રોપાઓનું વિતરણ કરાશે

સુરતએક વર્ષ પહેલા
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
  • વનમંત્રીના હસ્તે વૃક્ષારોપણ તથા કોરોના વોરિયર્સોને સન્માનિત કરાયા

સુરત મહાનરગપાલિકા અને વનવિભાગના સંયુકત ઉપક્રમે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવા તથા વન, આદિજાતિ રાજયમંત્રી રમણભાઈ પાટકરે નવી સિવિલ ખાતે વૃક્ષારોપણ કરીને કરી હતી. આ વેળાએ મંત્રીઓ તથા અન્ય પદાધિકારીઓ, અધિકારીઓએ કોરોના વોરિયર્સ સમા ડોકટરઓ, નર્સીગ સ્ટાફને તુલસીના રોપા આપીને સન્માનિત કર્યા હતા. સાથે જ આજથી એક મહિનામાં બે લાખ તુલસીના રોપાઓ લોકોને વિતરીત કરવામાં આવશે તેમ ગણપત વસાવાએ જણાવ્યું હતું.

કોરોના વોરિયર્સનું મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું.
કોરોના વોરિયર્સનું મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું.

વનક્ષેત્રમાં વધારો કરવા સરકારના પ્રયાસ
મંત્રી વસાવાએ જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં વૃક્ષોનું અનેરૂ મહત્વ રહેલું છે. ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવા માટે જળ, જમીન અને વાયુ પ્રદુષણ ઘટાડીને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને ભાવિપેઢી માટે સ્વસ્થ પ્રાકૃતિક વારસાનું નિર્માણ કરવાની હિમાયત તેમણે કરી હતી. મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી એક મહીના દરમિયાન બે લાખ તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવશે. તાઉ-તે વાવાઝોડાના કારણે જે વૃક્ષો ધરાશાયી થયા છે તેના સ્થાને નવા વૃક્ષો વાવેતર કરવાનો નિર્ધાર વ્યકત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, 2003ના વર્ષમાં વનો બહારના વિસ્તારમાં 25 કરોડ વૃક્ષો હતાં. જે 2017માં વધીને 34 કરોડે પહોચ્યા છે. રાજય સરકારના અવિરત પ્રયાસોના કારણે ભારત સરકારના 2017ના સર્વે અનુસાર રાજયના વનક્ષેત્ર વિસ્તારમાં 100 ચો.કિ.મી.ના જંગલ વિસ્તારમાં વધારો થયો હોવાનું મંત્રીએ કહ્યું હતું.

વૃક્ષો વધુ વાવવા માટે મંત્રીએ હાંકલ કરી હતી.
વૃક્ષો વધુ વાવવા માટે મંત્રીએ હાંકલ કરી હતી.

33 ટકા વન વિસ્તાર કરવા સરકાર પ્રયત્નશીલ
આ અવસરે વન રાજયમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના સમયે આપણને ઓકિસજનની કિંમત સમજાય છે, ત્યારે આવનારા સમયમાં વધુમાં વધું વૃક્ષોનું જતન અને સવર્ધન થાય તેવા પ્રયાસો કરવા પડશે. સમતોલ વાતાવરણ માટે 33 ટકા વન વિસ્તાર જરૂરી છે. જેની સામે ગુજરાતમાં 11 ટકા વિસ્તાર છે જેની પૂર્તતા કરવા માટે સૌને વૃક્ષોનું વાવેતર કરવાનો અનુરોધ મંત્રીએ કર્યો હતો.

પાલિકા દ્વારા વૃક્ષા રોપણને લઈને થતી કામગીરીની વાત મેયરે કરી હતી.
પાલિકા દ્વારા વૃક્ષા રોપણને લઈને થતી કામગીરીની વાત મેયરે કરી હતી.

પાલિકાએ હરિયાળી વધારવા પ્રયત્નો કર્યા મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોધાવાલાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાએ છેલ્લા પાંચ વર્ષમાં બી.આર.ટી.એસ.ના ડિવાઈડર, તળાવો, બાગ બગીચાઓમાં 10 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. આગામી દિવસોમાં પણ પાલિકા વિસ્તારોમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને ધરતીને હરિયાળી બનાવવાનો સૌ કોઈને અનુરોધ કર્યો હતો. મ્યુ.કમિશનર બંછાનિધિપાનીએ જણાવ્યું કે, કોરોનાની પહેલી અને બીજી લહેરના કારણે આપણને સમજાયુ છે કે, પ્રકૃતિ સાથે ખભે ખભા મિલાવીને નહી ચાલીશું તો માઠા પરિણામો આવશે. આજે અન્ય શહેરો કરતા સુરત મહાનગરપાલિકા 18 ટકા વૃક્ષો ધરાવે છે.જેમાં સૌથી વધુ કતારગામ અને અઠવા ઝોન વિસ્તારોમાં વધુ વૃક્ષો છે. પાલિકાએ બાયોડાયવર્ટસીટી પાર્ક, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઘનકચરાનો સુયોગ્ય નિકાલ જેવા અનેક પગલાઓથી પર્યાવરણનું જતન થાય તે માટેના પગલાઓ લીધા છે.

સિવિલ હોસ્પિટલના ખરાબ રસ્તા અંગે મંત્રી આવતા બીબોએ ગણગણાટ કર્યો હતો.
સિવિલ હોસ્પિટલના ખરાબ રસ્તા અંગે મંત્રી આવતા બીબોએ ગણગણાટ કર્યો હતો.

સિવિલના રસ્તા બિમાર
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી સિવિલ કેમ્પસમાં વૃક્ષારોપણ માટે આવેલા મંત્રીઓ, ધારાસભ્યો, પાલિકા કમિશનર, કલેકટર મેયર, ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ 600 મીટર ના સ્ટાફ કવાટર્સના જર્જરિત રસ્તાઓને જોઈ ચોકી ગયા હતા. કોરોના માહામારીમાં રાત-દિવસ ફરજ બજાવી દર્દીઓને બચાવનાર ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, વર્ગ-4 ના કર્મચારીઓના અવર-જવરના ખખડઘજ બિસ્માર રસ્તાઓને અનેક પ્રશ્નો ઉભા થયા હતા.મેડિકલ કોલેજ કેમ્પસના રસ્તાઓ છેલ્લા 15 વર્ષથી રી-કાર્પેટ ન થયા હોવાનું નામ ન લખવાની શરતે ડોક્ટરો કહી રહ્યા છે. એટલું જ નહીં પણ PIU ને અનેક વાર લેખિતમાં જાણ કર્યા બાદ પણ રસ્તાઓને થિંગડા પર મરાયા ન હોવાનું કહી રહ્યા છે.

મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આભવા ખાતે સુરત નેચર ક્લબ દ્વારા નવનિર્મિત 'એનિમલ કેર સેન્ટર'નું લોકાર્પણ.
મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આભવા ખાતે સુરત નેચર ક્લબ દ્વારા નવનિર્મિત 'એનિમલ કેર સેન્ટર'નું લોકાર્પણ.

નવનિર્મિત 'એનિમલ કેર સેન્ટર'નું લોકાર્પણ
વન અને આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આભવા ખાતે સુરત નેચર ક્લબ દ્વારા નવનિર્મિત 'એનિમલ કેર સેન્ટર'નું લોકાર્પણ કરાયું હતું. 'એનિમલ કેર સેન્ટર' અંતર્ગત વીર-પ્રીતિ ભગવાન મહાવીર એનિમલ હોસ્પિટલ અને રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. એનિમલ કેર સેન્ટર' પરિસરની મુલાકાત લઈ પ્રાણી-પક્ષીઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ અંગે મંત્રી માહિતગાર થયાં હતાં.