સુરતના ડુમસ એરપોર્ટ નજીકના એક ફાર્મમાં લોખંડની સીડી વીજળીની હાઇટેન્શન લાઈનને અડી જતા ચાર પૈકી બે મજૂરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં બે લોકોનો બચાવ થયો છે. ચારેય મજૂરો કોન્ટ્રાક્ટના મજૂરો હોવાનું અને રાકેશભાઈ ગજ્જરના ફાર્મ પર લોખંડની ગ્રીલ બનાવવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. લોખંડની સીડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી વેળાએ દુર્ઘટના સર્જાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘટનામાં મૃતકોનું નામ તોસીફ સફીઉલ્લા ખાન અને રમીઝ શિરાજખાન પઠાણ હોવાનું બહાર આવ્યું છે.
ઘટના અંગે મૃતક રમીઝ શિરાજખાન પઠાણના કાકા મહમદ શરીફે જણાવ્યું હતું કે ત્રણ ભાઈઓમાં રમીઝ નાનો દિકરો હતો અને ધોરણ-11 માં અભ્યાસ કરતો હતો. પિતા પાઉભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આજે વિક્ટોરિયા ફાર્મ પર કામ કરતા મિત્રને મળવા ગયો અને કાળનો કોળિયો બનતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે GEB ની હાઇટેન્શન લાઈન નિયત કરતા વધુ નીચે એટલે કે 12 ફૂટની ઉંચાઈ એ જ હતી જેને કારણે દુર્ઘટના સર્જાઇ છે. એટલું જ નહીં પણ સાંજે 5:30 વાગે બનેલી ઘટના બાદ GEB ના અધિકારીઓ રાત્રે 7:15 વાગ્યાની આજુબાજુના સમયે ઘટના સ્થળે પહોંચ્યા પછી ચાલુ વીજ લાઈન બંધ કરાઈ હતી. બંને મૃતદેહ ત્યાં સુધી ઘટના સ્થળે જ પડી રહ્યા હતા. ક્યાંયને ક્યાંય GEBની લાપરવાહી થઈ હોય લાગી રહ્યું છે. અમે દિકરો ગુમાવ્યો છે. ન્યાય મળવો જોઈએ.
GEBના એક્ઝિક્યુટીવ ઈજનેર એસ. આર. શાહે જણાવ્યું હતું કે, ઘટનાની ખબર પડતાં જ અમે દોડી આવ્યા હતા. એલ્યુમિનિયમની સીડીને ખેંચતી વખતે હાઇટેન્શન લાઈન સાથે સીડી અડી જતા ઘટના બની છે. બે યુવકોના મોત થયા છે. તપાસ ચાલી રહી છે.
ડુમસના પોલીસ ઇન્સપેક્ટર અંકિત સોમૈયાએ જણાવ્યું હતું ઘટના ગુરુવારે સાંજના સમયની છે. મજૂરો વિક્ટોરિયા ફાર્મમાં વેલ્ડિંગનું કામ કરવા આવ્યા હતા. દરમિયાન હાઈટ નાની પડતા લોખંડની સીડી ખેંચી રહ્યા હતા એ દરમિયાન સીડી હાઇટેન્શન લાઈનને અડી જતા બંનેનું ઘટના સ્થળે જ કરંટ લાગતા મોત નિપજ્યું હતું. મૃતક બે પૈકી એકના પિતા લાલગેટ નજીક પાઉભાજીની લારી ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસ ચાલુ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.