સુરત:મગદલ્લા ONGC બ્રિજ પર બે ડમ્પરનો અકસ્માત, અન્ય એક ચાલકે નશામાં ડમ્પર પોલીસ પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં ડમ્પરની કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો - Divya Bhaskar
અકસ્માતમાં ડમ્પરની કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો
  • બે ડમ્પરનો અકસ્માત થતા ડમ્પર મૂકી મદદે આવેલા ડમ્પરમાં રીક્ષા ઘૂસી ગઈ
  • ડમ્પરનો અકસ્માત થતા કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને ફાયર વિભાગે બહાર કાઢ્યો

શહેરના મગદલ્લા ONGC બ્રિજ પર મોડી રાત્રે બે ડમ્પરનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બેને ઈજા પહોંચી હતી. દરમિયાન ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર અન્ય એક ડમ્પરના ચાલકે ડમ્પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરી ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો. જેમાં ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે.

ડમ્પરમાં રીક્ષા ઘૂસી જતા ચાલક ઈજાગ્રસ્ત થયો
ડમ્પરમાં રીક્ષા ઘૂસી જતા ચાલક ઈજાગ્રસ્ત થયો

કેબિન કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યો
મળતી માહિતી પ્રમાણે, સુરતના મગદલ્લા વિસ્તારમાં આવેલા ONGC બ્રિજ પર રાત્રે બે ડમ્પરનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. દરમિયાન રોંગ સાઈડમાં એક ડમ્પર ચાલક રોડ પર ડમ્પર મૂકી મદદે આવ્યો હતો. જેમાં રીક્ષા ઘૂસી જતા ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. દરમિયાન ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. જોકે, ડમ્પરની કેબિનમાં ડ્રાઈવર ફસાઈ જતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગે કેબિન કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ 108 મારફતે ઈજાગ્રસ્ત ડ્રાઈવર અને રીક્ષા ચાલકને હોસ્પિટલ ખસેડ્યા હતા.

કેબિન કાપી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો
કેબિન કાપી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો

પોલીસ કર્મીઓનો આબાદ બચાવ
બે ડમ્પરના અકસ્માતને લઈને ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી. દરમિયાન અન્ય એક ડમ્પર ચાલક દારૂના નશામાં પૂરપાટ ઝડપે આવ્યો હતો. ત્યારબાદ પોલીસ પર ડમ્પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ કર્મીઓનો આબાદ બચાવ થયો હતો અને પીછો કરી ડમ્પરના ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો.