સુરતમાં જાહેર રોડ પર પસાર થતા રાહદારીઓના હાથમાંથી તથા ચાલુ ટ્રેને મુસાફરોના મોબાઈલ સ્નેચીગ કરતા બે આરોપીઓને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી એક મોપેડ તથા મોંઘી કિંમતના 11 મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. તેમજ પોલીસ તપાસમાં સુરતના જુદા જુદા પોલીસ મથકના 7 જેટલા ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા છે. પોલીસે આરોપીની કડક પૂછપરછ હાથ ધરતા આરોપી પોલીસ સમક્ષ મગરના આંસૂ રડવા લાગ્યો હતો.
મોબાઈલ સ્નેચર ઝડપાયા
સુરત શહેરમાં રાહદારીઓના હાથમાંથી મોબાઈલ સ્નેચીંગની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી હતી. મોપેડ કે બાઈક પર આવી મોબાઈલ સ્નેચીંગ કરી સ્નેચરો ફરાર થઇ જતા હતા. ત્યારે કાપોદ્રા પોલીસે આવા જ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. કાપોદ્રા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન બાતમીના આધારે ડીંડોલી નવાગામ પાસે રહેતા ઓમ પ્રકાશ ઉર્ફે વિશાલ ઉર્ફે છપરી ગુરુપ્રસાદ મિશ્રા તથા રાજુ ઉર્ફે નાનુ લાલજી મારવાડીને ઝડપી પાડ્યા હતા.
રાહદારીઓ અને ચાલુ ટ્રેનમાં મુસાફરોના મોબાઈલ સ્નેચિંગ કરતા
પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ સ્નેચીગ કરવા માટે ઉપયોગમાં લીધેલી મોપેડ અને 11 મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓ મોટર સાયકલ પર આવી રોડ પર એકલ દોકલ જતા રાહદારીઓને ટાર્ગેટ કરતા હતા. બાદમાં તેના હાથમાંથી ખીસ્સામાંથી મોબાઈલ સ્નેચીગ કરી ફરાર થઈ જતા હતા. આ ઉપરાંત આરોપીઓ ઉધના રેલ્વે સ્ટેશનથી ચાલુ ટ્રેને પેસેન્જરોના મોબાઈલ ફોનની ચોરી કરી લેતા હતા.
પકડાયેલ બંને આરોપી રીઢા ગુનેગાર
ઝડપાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે. જેમાં ઝડપાયેલા આરોપી ઓમપ્રકાશ ઉર્ફે વિશાલ ઉર્ફે છપરી ગુરુપ્રસાદ મિશ્રા સામે ઉધના પોલીસ મથકમાં એક ગુનો નોંધાયો હતો જયારે અન્ય આરોપી રાજુ ઉર્ફે નાનુ લાલજી મારવાડી સામે નવસારી બીલીમોરા પોલીસ મથકમાં પોસ્કો એકટ હેઠળ વર્ષ ૨૦૧૮માં ગુનો નોંધાયો હતો. આ ઉપરંત વર્ષ ૨૦૨૧માં ખટોદરા પોલીસ મથકમાં બે અને ઉધના પોલીસ મથકમાં ૧ ગુનો નોંધાયો હતો.
પોલીસ સમક્ષ આરોપી રડવા લાગ્યો
કાપોદ્રા પોલીસે પકડાયેલા બંને આરોપી આમ તો જુદા જુદા અનેક ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂક્યા છે. ત્યારે આ વખતે મોબાઇલ ચોરીના ગુનામાં પકડાઈ જતા પોલીસે તેમની સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં બે પૈકી એક આરોપી પોલીસ સમગ્ર રીતસર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. પકડાયેલ બે આરોપી પૈકી એકની 8 તારીખે સગાઈ છે. તેમ કહી પોલીસ સમક્ષ આજીજી કરવા લાગ્યો હતો.
સુરતના જુદા જુદા છ પોલીસ મથકના ગુનાઓ ઉકેલાયા
પોલીસ તપાસમાં ઉધના, ખટોદરા, અલથાણ, વેસુ પાંડેસરા પોલીસ મથક મળી ૬ ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા જયારે અન્ય મોબાઈલ આરોપીઓએ રેલ્વેમાંથી સ્નેચીગ કરેલા હોવાનું બહાર આવ્યું હતું આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.