ભાસ્કર બ્રેકિંગ:બે ભાઈઓે 50 હજાર વૃક્ષ વાવશે, 100 લોકોને નોકરીએ રાખ્યા, 3 વર્ષમાં 22 ફૂટની ઊંચાઈ થાય ત્યાં સુધી સાચવશે

સુરતએક મહિનો પહેલાલેખક: જલ્પેશ કાળેણા
  • કૉપી લિંક
  • 1 વૃક્ષ 10 પુત્ર સમાન : મત્સ્ય પુરાણમાંથી પ્રેરણા મળી, 25 ટેન્કર-25 ટ્રેક્ટરની વ્યવસ્થા
  • છોડ ખરાબ થશે તો તરત જ નવો રોપાશે, 18 હજાર રોપા લાગી ગયા

શહેરને હરિયાળુ બનાવવા સુરતના હીરા ઉદ્યોગપતિ બંધુઓ માતબર ખર્ચ કરી રહ્યા છે. મૂળ ગારીયાધારના નવાગામના વતની અને હીરાકંપની જે.કે સ્ટારના ઓનર શૈલેષ લુખી અને નંદેશ લુખીએ શહેરમાં 10 ફૂટ ઊંચા 50 હજારથી વધુ વૃક્ષ ઉગાડવાની શરૂઆત કરી છે. પ્રતિ વૃક્ષ 2500નો ખર્ચ કરાશે. આ માટે રાજકોટના ‘સદભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ’ને જવાબદારી સોંપાઈ છે. જેમાં 100નો પગારદાર સ્ટાફ રખાયો છે. હાલમાં 18 હજાર વૃક્ષોનું પ્લાન્ટેશન થઈ ચૂક્યું છે. માર્ગો હરીયાળા બનાવવા જાપાનીઝ મિયાવાકી પધ્ધતિથી વૃક્ષારોપણ કરાશે. વૃક્ષોની માવજત અઘરી હોવાથી 10 ફુટના રોપાના વાવેતરને 8 ફુટના પિંજરાથી રક્ષણ અપાશે.

ઉદ્યોગપતિ ભાઈઓનું સપનું ‘સુરત બાદ આખા રાજ્યને ગ્રીન સ્ટેટ બનાવવા પ્રયાસ કરાશે’ જે.કે સ્ટારના ઓનર શૈલેષ લુખીએ કહ્યું કે, ‘મારો જન્મ ગુજરાતમાં થયો છે અને ઓફિસ-ઘર મુંબઈમાં છે, પરંતુ આ ધરતીનું ઋણ ચૂકવવા પ્રકૃતિ માતા, સજીવ સૃષ્ટિની સેવા કરવા અમે આ કાર્ય કરી રહ્યા છીએ, જેનાથી સુરતની એક અલગ જ “ગ્રીન સિટી’ની છાપ ઊભી થશે. પ્લેનમાં જ્યારે નિકળીએ ત્યારે બિલ્ડિંગો જ દેખાય છે, પરંતુ પ્લેનમાંથી વૃક્ષ જ વૃક્ષ દેખાય તે માટે અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ, જે માટે સખત અને સાચા અર્થની મહેનત કરાશે.

આગામી 3 વર્ષમાં સુરતની શકલ બદલાઈ જશે જે.કે. સ્ટાર કંપનીના ડિરેક્ટર નંદેશ લુખીએ કહ્યું કે, ‘મત્સ્યપુરાણના શ્લોક નંબર 512માં લખ્યું છે કે, ‘1 વાવ, 10 કૂવા સમાન હોય છે. 1 તળાવ, 10 વાવ સમાન હોય છે અને 1 પુત્ર, 10 તળાવ સમાન ગણાય છે. જ્યારે 1 વૃક્ષ, 10 પુત્ર સમાન હોય છે. આ શ્લોકને સાર્થક કરી સમાજે અને પૃથ્વીએ જે આપ્યું છે તે તેમને પરત કરવા આટલી મોટી માત્રામાં વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લીધો છે. આગામી 3 વર્ષમાં સુરતની શકલ બદલાયેલી દેખાશે.’

તમામ વૃક્ષોનું સતત જતન થતું રહે તેવું આયોજન કરાયું તમામ વૃક્ષોનું જતન થાય તે માટે 25 ટ્રેક્ટર, 25 ટેન્કર અને 100 માણસોનો સ્ટાફ રખાયો છે. જે 3 વર્ષ સુધી રોકાઇને વૃક્ષોનું જતન કરશે.

કોઈ રોપાને નુકસાન થાય તો નવો રોપો મૂકી દેવાશે કોઈ કારણોસર રોપાને નુકસાન થાય તો નવા રોપાનું વાવેતર કરાશે. એક વૃક્ષના ઉછેર પાછળ અંદાજીત 2500 રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...