સુરતના મિનિબજારમાં સેફ ડીપોઝીટ વોલેટમાં ગયેલા હીરા વેપારીનું 7 લાખની કિમતનું હીરાનું પેકેટ પડી ગયું હતું. જે બે લોકોને મળતા તેને સાચવીને રાખ્યું હતું અને બાદમાં સમગ્ર હીરા માર્કેટમાં તેની જાણ કરી મૂળ માલિકને પરત કર્યું છે. આ મામલે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા પ્રમાણિકતા અને ઈમાનદારીનું ઉતમ ઉદાહરણ પૂરું પાડનારા બંને લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
ઈમાનદારીથી લાખોનું હીરા પેકેટ પરત આપ્યું
સુરતના કાપોદ્રા ખાતે રહેતા કલ્પેશભાઈ લાભુભાઈ જેતાણી હીરા મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે. ગત 17 ડીસેમ્બરના રોજ 7 લાખના હીરાનું પેકેટ લઈને મિનિબજાર પ્રિન્સેસ પ્લાઝામાં ગયા હતા. આ દરમ્યાન તેઓનું 7 લાખનું હીરાનું પેકેટ પડી ગયું હતું. હીરાનું પેકેટ પડી ગયું છે. તેનો તેમનો ખ્યાલ પણ ન હતો. તેઓને એવું જ હતું કે, હીરાનું પેકેટ સેફમાં જ છે. 26 ડિસેમ્બરના દિવસે જ્યારે તેઓ સેફ વોલેટમાં જોવા ગયા હતા. ત્યારે તેમને જાણ થઈ કે, હીરાનો પેકેટ અંદર નથી અને ત્યારબાદ તેમણે શોધખોળ શરૂ કરી હતી.
ડાયમંડ એસોસિએશનની ઓફિસે સન્માન થયું
આ દરમ્યાન 17 ડિસેમ્બરના રોજ પુણા ગામ સ્થિત તિરુપતિ સોસાયટીમાં રહેતા અને ટેક્સટાઈલ માર્કેટમાં સાડીની દુકાન ધરાવતા ધર્મેશભાઈ સખીયા તેના ફોઈના દીકરા જગદીશ સુખડીયા સાથે પ્રિસેંસ પ્લાઝા સેફમાં ગયા હતા. તેઓને આ હીરાનું પેકેટ મળ્યું હતું. બંને ભાઈઓએ આ હીરાનું પેકેટ મૂળ માલિકને પરત આપવા માટે જે તે સમયે શોધખોળ કરીને મહેનત કરી હતી. ત્યારબાદ સમગ્ર માર્કેટની નોટિસ બોર્ડ પર જાહેરાત પણ લગાવી હતી. બીજી તરફ હીરાનું પેકેટ શોધી રહેલા હીરા વેપારીને આ જાહેરાત જોઈ હતી. તેઓએ બંને ભાઈઓનો સંર્પક કર્યો હતો. અને ત્યારબાદ બંને ભાઈઓએ તમામ પુરાવા ચકાસી સુરત ડાયમંડ એસોસિએશનની ઓફીસ ખાતે પ્રમુખ નાનુભાઈ વેકરીયા, સહિતની ટીમની હાજરીમાં હીરાનું પેકેટ મૂળ માલિકને પરત કર્યું હતું ઈમાનદારી અને પ્રમાણિકતા બતાવનાર બંને ભાઈઓનું સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.