ભાઈબીજના દિવસે કરુણાંતિકા સર્જાઈ:બારડોલી ફરવા ગયેલા સુરતના બે પિતરાઈ ભાઈઓ તાપી નદીમાં ડૂબ્યા, સ્થાનિક તરવૈયાઓએ એક યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાબેથી વિકાસ મિશ્રા અને સુનિલ મિશ્રાની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ડાબેથી વિકાસ મિશ્રા અને સુનિલ મિશ્રાની ફાઈલ તસવીર.
  • તાપી નદીમાં પડેલા બીજા યુવકની બીજા દિવસે પણ શોધખોળ ચાલુ
  • સુરતના ગોડાદરામાં રહેતા પરિવારના બે પિતરાઈ ભાઈઓ રજામાં ફરવા નીકળ્યા હતા

બારડોલીના વાઘેચામાં ભાઈબીજના દિવસે જ નદીમાં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈઓ ડૂબી જવાથી કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. તાપી નદીના પાણીમાં ગરકાવ બંને ભાઈઓ સુરત ગોડાદરા વિસ્તારના હોવાનું અને ભાઈ-બીજનો તહેવાર મનાવી વાઘેચા તાપી નદીના કિનારે મહાદેવના મંદિરે દર્શને આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોએ ગણતરીના કલાકોમાં બે પૈકી એક યુવાનના મૃતદેહને નદીના પેટાળમાંથી શોધી કાઢ્યો હતો. જ્યારે બીજા યુવાનનો મૃતદેહ ન મળતા આજે સવારથી શોધખોળ શરૂ કરી હતી.

મંદિર દર્શન કરવા માટે બારડોલી ગયા હતા ભાઈઓ
બારડોલી ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઘટના બપોરની હતી અને ફાયરને જાણ સાંજે કરાઈ હતી. 6 જેટલા યુવાનો મંદિરે દર્શન કરવા માટે વાઘેચા આવ્યા હતા. દર્શન કર્યા બાદ તાપી નદીમાં તેઓ નહાવા પડ્યા હતા. 6 યુવાનો પૈકી એક ને ડૂબતો જોઈ બીજો ભાઈ બચાવવા ગયો હતો. તાપીના 15-20 ફૂટ ઊંડા પાણીના વહેણમાં બંને ભાઈઓ તણાઈ ગયા હતા. વધુમાં ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ પોલીસ દ્વારા બારડોલી ફાયરને કરાઇ હતી. તણાઈ ગયેલા બે ભાઈઓ પૈકી એકનો મૃતદેહ સ્થાનિક તરવૈયાઓએ શોધી નદીમાંથી બહાર કાઢી લીધો હતો. ત્યારબાદ નદીના પેટાળમાં ગુમ બીજા યુવાનની શોધવાની કાર્યવાહી ફાયરના જવાનો દ્વારા શરૂ કરાઇ હતી.

તાપી નદીમાં બે ભાઈઓ ડૂબ્યા તે જગ્યાની તસવીર.
તાપી નદીમાં બે ભાઈઓ ડૂબ્યા તે જગ્યાની તસવીર.

કાપડ માર્કેટમાં કામ શીખી રહ્યા હતા
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, કાળનો કોળિયો બનેલા બન્ને યુવાનો પૈકી વિકાસ સુબેદાર મિશ્રા જેનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે સુનિલ ઉર્ફે છોટુ અમરનાથ મિશ્રા ગોડાદરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક સુનિલના પિતા અમરનાથ મિશ્રાએ જણાવ્યું હતું કે, વાઘેચા મંદિર પાસેની નદીમાં બંને પિતરાઈ ભાઈઓ ડૂબી ગયા છે. દર્શન માટે ગયેલા 6 પિતરાઈ ભાઈઓમાં ત્રણ નાના બાળકો પણ હતા. જેમણે ઘટના બન્યા બાદ ઘરે જાણ કરી હતી. સુનિલ, વિકાસ અને યશ આ ત્રણ 18-19 વર્ષના હતા. નદીના પ્રવાહમાં ગુમ બન્ને ભાઈઓ કાપડ માર્કેટમાં ભાઈઓ સાથે કામ શીખી રહ્યા હતા.

મૂળ યુપીનો રહેવાસી છે પરિવાર
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ પોતે ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારી છે અને 5 સંતાનોના પિતા છે, સુનિલ ચોથા નંબરનો દીકરો હતો. મૂળ યુપીના રહેવાસી છે. જ્યારે વિકાસને ત્રણ ભાઈઓ છે, પિતા કાપડ માર્કેટમાં પાર્સલ કોન્ટ્રાકટર છે. ભાઈ-બીજના તહેવારની માર્કેટમાં રજા હોવાથી ફરવા જવાનું કહી વાઘેચા મંદિરે દર્શન કરવા નિકળ્યા હતા. જ્યાંથી નદીમાં નહાવા પડતા દુર્ઘટના બની હતી. સુનિલનો મૃતદેહ મળ્યો નથી. આજે ફરી ફાયરના જવાનો પાણીમાં શોધખોળ કરશે.

સ્થાનિક તરવૈયાઓએ એક ભાઈનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો
સ્થાનિક તરવૈયાઓએ એક ભાઈનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો

બીજા દિવસે પણ અન્ય યુવકની શોધખોળ ચાલુ
બારડોલીના ફાયર ઓફિસર PB ગઢવી એ જણાવ્યું હતું કે, શનિવારની દુઃખદ ઘટનાની જાણ બાદ ફાયરના જવાનોએ નદીના પાણીમાં ગરકાવ સુનિલ નામના યુવકને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. મોડી સાંજ સુધી કોઈ પતો ન લાગતા આખરે આજે સવારથી જ ફાયરના જવાનોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીના પેટાળમાં ગુમ યુવક સુનીલને શોધી કાઢવાની કામગીરી હાથ ધરી છે.