ઇલેક્શનને લઇ સુરત પોલીસ દ્વારા રોકડ રૂપિયાની હેરાફેરી ન થાય તેને લઈને ખાસ તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન સારોલી પોલીસે નિયોલ ચેક પોસ્ટ પાસેથી રોકડા રૂ. 68.88 લાખ અને સોનાનાં 15 નંગ બિસ્કિટ મળી કુલ રૂ. 1,16,99,700 નો મુદ્દામાલ સાથે લઈને જઈ રહેલા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે કબજે કરેલ રોકડ અને સોનાનાં બિસ્કિટ ક્યાંથી લાવ્યા અને ક્યાં ડિલિવરી આપવાની હતા તે અંગે પૂછપરછ હાથ ધરી છે. આ સાથે પોલીસે ચૂંટણી પંચ અને ઇન્કમટેક્સ અધિકારીને પણ જાણ કરી આગળની તપાસ આપી છે.
ચૂંટણીને લઇ પોલીસની શહેરમાં ચાંપતી નજર
હાલ સમગ્ર રાજ્યમાં વિધાનસભા ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે. ઇલેક્શનની તારીખ જાહેર થઈ જતા આચારસંહિતા અને ચુસ્તપણે અમલ કરવામાં પોલીસ કામગીરી કરી રહી છે. શહેરમાં ચૂંટણી પંચના નિયમ મુજબ મોટી સંખ્યામાં રોકડની હેરાફેરી પર પણ ખાસ પોલીસ નજર રાખી રહી છે. શહેરમાં આવતાં તમામ વાહનો અને લોકોને તપાસવામાં આવી રહ્યા છે.કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા મોટી માત્રામાં રોકડની હેરફેર પકડાઈ આવે તો તેના વિરોધમાં કાર્યવાહી કરાવી રહી છે. આ જ પ્રકારની તપાસ દરમિયાન સુરતની સારોલી પોલીસને બે ઈસમોને મોટી માત્રામાં રૂપિયા અને સોનાનાં બિસ્કિટ સાથે ઝડપી પાડ્યા છે.
પગપાળા નીકળ્યા હતા
ગુજરાત વિધાનસભા ઇલેક્શનને ધ્યાને રાખી પોલીસ સતત તપાસમાં જોતરાઈ છે ત્યારે સારોલી પોલીસ નિયોલ ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ રહી હતી. દરમિયાન પોલીસને કડોદરા રોડ તરફથી સુરત શહેર તરફ ચાર કોલેજિયન બેગ સાથે પગપાળા બે યુવાન આવી રહ્યા હતા. ત્યારે તેમને જોઈ પોલીસને તેમની પર શંકા ગઈ હતી. જેથી પોલીસે તેમને અટકાવી પૂછપરછ કરી બેગની તપાસ કરી હતી. દરમિયાન પોલીસને બેગમાંથી લાખો રૂપિયા અને લાખોની કિંમતનાં સોનાનાં બિસ્કિટ મળી આવ્યાં હતાં.આટલી મોટી માત્રામાં રૂપિયા અને સોનાનાં બિસ્કિટ મળી આવતા બંને યુવાનોની અટક કરી કાયદેસરની કાયવાહી હાથ ધરી હતી.
નિયોલ ચેકપોસ્ટ પાસેથી રોકડા અને સોનાનાં બિસ્કિટ ઝડપાયાં
સુરતની સારોલી પોલીસે પંચની સાથે રાખીને બંને યુવાનોની સઘન પૂછપરછ અને તપાસ શરૂ કરી હતી.દરમિયાન બંને યુવાનો મધ્યપ્રદેશના હોવાનું જાણવા મળ્યું હતું. પકડાયેલ બંને યુવાનોનાં નામ સુધીરસીંગ શ્રીરામલખનસીંગ સેંગર અને રજનેશપૌલ ઉત્તમકુમાર વાર્ડ હોવાનું જાણવા મળ્યું હતું. પંચને સાથે રાખીને પોલીસ તેમના બેગની તપાસ કરી રહી હતી ત્યારે તેમની બેગમાંથી રોકડા રૂ. 63.88 લાખ અને સોનાનાં 15 નંગ બિસ્કિટ કિંમત રૂ. 52.50 લાખ, બે લેપટોપ અને 4 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1,16,99,700 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.પગપાળા ચાલતા આવતા બંને યુવાનો પાસેથી આટલી મોટી માત્રામાં રોકડા રૂપિયા અને સોનાનાં બિસ્કિટ મળી આવતા પોલીસે બંને યુવાનોની ધરપકડ કરી હતી અને આગળની તપાસ હાથ હતી.
રૂપિયા ક્યાંથી લાવ્યા અને કોને ડિલિવરી કરવાના હતા તેની અંગે તપાસ
પકડાયેલ બંને આરોપી પાસેથી મળી આવેલી આટલી મોટી રકમ અને સોનાનાં બિસ્કિટ તેઓ ક્યાંથી લાવ્યા હતા કોને ડિલિવરી કરવાનાં હતાં તેની પાછળનો શું ઈરાદો હતો, તે તમામ બાબતે પોલીસે પૂછપરછ હાથ ધરી છે. જોકે પકડાયેલ બંને આરોપીએ રૂપિયા અને સોનાનાં બિસ્કિટ અંગે યોગ્ય પુરાવા આપી શક્યા નથી.આ ઉપરાંત ચૂંટણીને લઈને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે આ રૂપિયા ઉપયોગ કરવાના હતા કે કેમ તે દિશામાં પણ તપાસ કરતા તેવી કોઈ ગતિવિધિ પોલીસને જાણવા મળી ન હતી.
ઇન્કમટેક્સ અને ચૂંટણી પંચને ધ્યાન દોરાયું
કરોડોના રોકડા અને સોનાનાં બિસ્કિટ સાથે પકડાયેલા બંને યુવકો સામેની કાર્યવાહી અંગે પોલીસને પૂછતા પોલીસે જણાવ્યું હતું કે ઇલેક્શનને લઈ રૂટિન ચેકિંગ દરમિયાન બંને યુવકો રૂપિયા અને સોનાનાં બિસ્કિટ સાથે પકડાયા છે. મોટી માત્રામાં રૂપિયા અને સોનાનાં બિસ્કિટની હેરફેર કરતા હોવાથી તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. બંનેની પૂછપરછમાં ઇલેક્શનને લઈ કોઈ ખોટી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આ રૂપિયા અને સોનાનાં બિસ્કિટનો ઉપયોગ કરવામાં આવવાનો હોય તેવી કોઈ માહિતી સામે આવી નથી.પરંતુ આટલી મોટી માત્રામાં રૂપિયા અને સોનાનાં બિસ્કિટ બંને યુવાનો પાસેથી મળી આવતાં આ અંગેની જાણ ચૂંટણી પંચ અને ઇન્કમટેક્સ વિભાગને કરી છે. આટલી મોટી રકમ બાબતે હવે આગળની તપાસ ઇન્કમટેક્સ વિભાગ કરશે.
પૂછપરછ શરૂ
ઉલ્લેખનીય છે કે બે પૈકી સુધીરસીંગ રેલવેમાં નોકરી કરે છે અને રોકડ તથા સોનાનાં બિસ્કિટ કયાંથી લાવ્યાં અને કોને ડિલિવરી આપવાનાં હતાં તે અંગે હાલમાં પોલીસ દ્વારા બંનેની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. ચૂંટણીના માહોલ વચ્ચે લાખ્ખોની રોકડ પકડાતા ચૂંટણી અધિકારીઓએ પણ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.