સુરતના વરાછા ખાતે હીરાની ઓફિસ ધરાવતા હીરા વેપારીએ મહિના પહેલા યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ ઘટનામાં હીરા વેપારીની ઓફિસમાં કામ કરતા કર્મચારી અને અન્ય એક વેપારીની ધરપકડ કરી છે. જ્યારે દુષ્કર્મ આચરનાર વસંત પટેલ અને તેનો ડ્રાઈવર હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
મિત્રની સાથે નોકરીની વાત કરવા ગઈ અને ભોગ બની
જામનગરના ખંભાળીયાની વતની 22 વર્ષિય નિલોફર ( નામ બદલ્યું છે) હાલ સુરત રહે છે. નિલોફરની બહેનપણી પ્રિયંકા( નામ બદલ્યું છે)વેલંજા ગામ વિસ્તારમાં રહે છે.1 નવેમ્બરના રોજ ખંભાળીયાથી નિલોફર પ્રિયંકાના ઘરે રહેવા આવી હતી. 7 નવેમ્બરના રોજ પ્રિયંકાએ નિલોફરને કહ્યું કે, હીરા વેપારી વસંત પટેલ (રહે.કે બિલ્ડિંગ,13 મો માળ, રીવર વ્યુ હાઈરાઇઝ,મોટા વરાછા) સાથે નોકરી માટે વાત કરવા જવાની છે. પ્રિયંકાએ મોટા વરાછાથી વેપારી વસંતને ફોન કરતા વસંત તેના ડ્રાઈવર સાથે તેમની મર્સિડિઝ કાર લઈને પ્રિયંકા અને નિલોફરને લેવા માટે આવ્યો હતો. બંનેને વરાછા મીની બજાર ખાતે ડાયમંડ વર્લ્ડમાં આવેલી ઓફિસે લઈ ગયો હતો.
બે વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી
વસંતે ડ્રાઈવર જયેશને કોલ્ડડ્રિંક્સ લાવવા કહ્યું હતું. નિલોફર અને પ્રિયંકાએ કોલ્ડ ડ્રિંક્સ પીધું ત્યાર બાદ બંને જણા બેભાન થઈ ગયા હતા. નિલોફરને ભાન આવ્યું ત્યારે તે સોફા પર સુતેલી હતી. વસંત અને પ્રિયંકા બંને ઝગડો કરતા હતા. ત્યારબાદ વસંતે પ્રિયંકાને શાંત કરીને પોતાની કારમાં મોટા વરાછા સુધી મુકી આવ્યો હતો. નિલોફરને શંકા હતી કે, તેની સાથે દુષ્કર્મ થયું હતું. તેના કપડા પર ડાઘ પણ હતા. જેથી પહેલા પરિવારજનો સાથે વાત કરીને વસંત પટેલ અને તેના ડ્રાયવર જયેશ વિરુદ્ધ 29 નવેમ્બરના રોજ વરાછા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
આરોપી વસંત અને ડ્રાઈવર જયેશ હજુ પણ નાસતા ફરી રહ્યા છે
વરાછા પોલીસે આ ઘટનામાં વસંત પટેલની ઓફિસમાં કામ કરતા અંકિત કમલેશકુમાર કાથરોટીયા(ઉ.વ.29) અને હીરા વેપારી યોગેશ ધનશ્યામ સાકરીયાની ધરપકડ કરી છે. બંનેએ ઘટના સમયના ઓફિસના સીસીટીવી અને ડીવીઆર સહિતનો નાશ કર્યો હતો. જ્યારે મુખ્ય આરોપી વસંત અને ડ્રાઈવર જયેશ હજુ પણ નાસતા ફરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.