સુરતના લોકોની માંગણીઓને સંતોષતા હવે એસટી વિભાગ દ્વારા સૌપ્રથમ સુરતથી પાલિતાણા અને શ્રીનાથદ્વારાની એસી સ્લીપર બસ શરૂ કરવામાં આવી છે. જેમાં પાલિતાણાની ટિકિટ 739 રૂપિયા અને નાથદ્વારાની 1036 રૂપિયા રાખવામાં આવી છે.
સુરતથી શરૂ થયેલી આ બસને રાજ્યના ગૃહ અને વાહન-વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આજે લીલીઝંડી આપી હતી. આજે બપોરે ત્રણ વાગ્યે પહેલી બસને રવાના કરવામાં આવી હતી. જે રાત્રે 2.20 વાગ્યે શ્રીનાથદ્વારા પહોંચશે. બીજી તરફ રાત્રે 8.00 વાગ્યે શ્રીનાથદ્વારાથી એસી બસ ઉપડશે જે સુરતમાં વહેલી સવારે 7.20 વાગ્યે પહોંચશે. આવી જ રીતે સુરતથી પાલિતાણા વચ્ચે શરૂ થયેલી બસ સુરતથી પોણા 06.45 વાગ્યે ઉપડશે અને રાત્રે 3.45 વાગ્યે પાલિતાણા પહોંચશે. જ્યારે પાલિતાણાથી સાંજે 7.00 વાગ્યે ઉપડશે અને સુરતમાં વહેલી સવારે 4.00 વાગ્યે પહોંચશે.
અત્રે ઉલ્લેખનીય છે પાલિતાણામાં અનેક જૈનતિર્થો અને મંદિરો આવ્યા છે, સુરતથી પાલિતાણા તરફ જતી બાંદ્રા-ભાવનગર ટ્રેનમાં પણ વેઇટીંગ લીસ્ટ ચાલતુ હોય છે તેવા સમયે સુરતથી પાલિતાણા વચ્ચે શરૂ થયેલી આ એસીબસથી હજ્જારો લોકોને ફાયદો થશે. આ ઉપરાંત શ્રીનાથદ્વારાની પણ નવી બસથી લોકોને ફાયદો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.