સેવા યજ્ઞ:સુરત સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા સંચાલિત ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટે વાવાઝોડાગ્રસ્ત ઉના માટે 2000 અનાજની કીટો મોકલી

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંતો વાવાઝોડાગ્રસ્ત લોકોની વ્હારે આવ્યા. - Divya Bhaskar
સંતો વાવાઝોડાગ્રસ્ત લોકોની વ્હારે આવ્યા.
  • ઉના આનંદગઢ સ્વામિનારાયણ ગુરુકુલથી સંતો દ્વારા વિતરણ થશે

પડતા ઉપર પાટુ મારી રહેલ કુદરતની કળાને કળવી કઠણ છે. કોરોનાએ લોકોની આર્થિક કેડ ભાંગી નાખી ત્યાં તાઉ- તે વાવાઝોડાએ કેટલોએ વિનાશ વેર્યો છે. ખેડૂતો અને ગરીબ પરિવારોને આ વાવાઝોડાએ પોતાનો શિકાર બનાવ્યા છે. ખંત અને ખુમારીથી જીવનારી સૌરાષ્ટ્રની પ્રજાને સુરત શહેર તન,મન અને ધનથી સહાય કરી રહ્યું છે. સુરત સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા સંચાલિત ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટે ઉના વાવાઝોડાગ્રસ્ત માટે 2000 અનાજની કીટો મોકલી છે.

સંતોની યુવાનોની ટીમ સાથે લોકસેવા
પ્રભુ સ્વામીના જણાવ્યાં અનુસાર સુરત સ્વામિનારાયણ ગુરુકુળની મુખ્ય રાજકોટ સંસ્થાનથી કોરોનાગ્રસ્તોની સેવા ચાલુ છે. ઉપરાંત ગુરુકુળના અધ્યક્ષ સદગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી રાજકોટ તથા અમરેલી જિલ્લાના તરવડા ગુરુકુલથી પણ વાવાઝોડા ગ્રસ્સ્તોની સેવા શરૂ કરવામાં આવી છે. ઉના આનંદગઢ ખાતે આવેલ રાજકોટ ગુરુકુળની શાખા સ્વામિનારાયણ ગુરુકુળને વાવાઝોડાએ સારું એવું નુકશાન પહોંચાડેલ છે. છતાં પણ ત્યાં રહેલા સંતો હરિવદનદાસજી સ્વામી, કેશવપ્રિય દાસજી સ્વામી તથા સર્વજ્ઞ સ્વામી લોકોને સહાયરૂપ થઈ રહ્યા છે. નીલકંઠ ધામ પોઇચાથી સંતો હરિકૃષ્ણદાસજી સ્વામી, કલ્યાણદાસજી સ્વામી, યુવાનોની ટીમ સાથે તારીખ 20ના રોજ ઉના પહોંચી લોકસેવા કરી રહ્યા છે.

સંતો અને યુવાનોએ સાથે મળી કીટ તૈયાર કરી
સંતો અને યુવાનોએ સાથે મળી કીટ તૈયાર કરી

40 ઉપરાંત સ્વયંસેવકો-સંતોએ કીટ તૈયાર કરી હતી
સુરત સ્વામિનારાયણ ગુરુકુળને સમર્પિત યુવાનો દ્વારા સંચાલિત ધર્મ જીવન લોકસેવા ટ્રસ્ટે જીવનજરૂરી સામાન ઘઉંનો લોટ, તેલ, ખાંડ, દાળ, તુવેર દાળ, મગ દાળ વગેરે સાથેની કીટો લઈને એક ટીમ આજે રવાના થઈ છે. આ પ્રસંગે સદગુરુ પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ લાલજીભાઈ પટેલ ઉગામેડી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ રાખોલીયા, પ્રકાશભાઈ રાખોલીયા, હિતેશભાઈ હપાણી શૈલેષભાઈ ગોટી, ઇશ્વરભાઇ ધોળકિયા, મેહુલભાઈ સુતરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ સુરતના કાર્યકર્તાઓ લાલજીભાઈ તોરી, ભગવાનજીભાઈ કાકડીયા તથા કમલેશભાઈ કુંભાણીના માર્ગદર્શન અનુસાર 40 ઉપરાંત સ્વયંસેવકો તથા સંતો દ્વારા અનાજ વગેરે જીવન જરૂરીયાત ચીજોની 2000 કીટો તૈયાર કરવામાં આવી હતી.