કોરોનાકાળમાં દરેક ઉંમરના લોકોએ પોતપોતાના સ્તરે પડકારો અને નુકસાનનો સામનો કર્યો પણ સૌથી વધુ નુકસાન એ બાળકોને થયું કે જેમનો અભ્યાસ સંપૂર્ણપણે અટકી ગયો હતો. દેશના અંતરિયાળ ગામડાંમાં આવા બાળકોની સંખ્યા વધુ રહી. આ સમસ્યાને ગંભીરતાથી લેતા સુરતના બારડોલી સ્થિત દિવાળીબેન ઉકાભાઇ પટેલ ટ્રસ્ટે દક્ષિણ ગુજરાત માટે પ્રેરક પહેલ કરી.
ટ્રસ્ટે 476 સ્કૂલના ધો. 2થી ધો. 5ના 22,234 વિદ્યાર્થીનો સરવે કર્યો. પરિણામથી માલૂમ પડ્યું કે ધો. 2 અને ધો. 3ના બાળકોનો અભ્યાસ તો સંપૂર્ણપણે બરબાદ થઇ ચૂક્યો છે. ત્યાર બાદ આ બાળકોનું ભણતર સુધારવા ટ્રસ્ટે દીપ પ્રાગટ્ય કાર્યક્રમ શરૂ કર્યો. આ 22 હજારથી વધુ વિદ્યાર્થીઓને ભણાવવા 582 શિક્ષક અને 15 નિરીક્ષકની ભરતી કરી. 610 ગામના આ વિદ્યાર્થીઓને સવાર-સાંજ 2-2 કલાક ભણાવવાનું શરૂ કરાયું. શિક્ષકોને અપાતા કુલ 35 લાખ રૂ. વેતનનો ખર્ચ સંસ્થા જ ભોગવે છે. બાળકો માટે અંદાજે 35 લાખ પુસ્તકો તથા અન્ય સાહિત્ય પણ ખરીદવામાં આવ્યું.
600 ગામમાં હેલ્થ કિટ પહોંચાડી રહ્યા છે
ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નલીન જોશીએ જણાવ્યું કે અંતરિયાળ ગામડાંનું હોસ્પિટલથી અંતર કોરોનાકાળમાં મોટી સમસ્યા બન્યું. તેને ધ્યાનમાં રાખીને અમે સામાન્ય બીમારીઓ માટે હેલ્થ કિટ તૈયાર કરાવી 600થી વધુ ગામડાંમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. આ કિટમાં માથાના કે પેટના દુખાવાની, તાવની સહિત 36 દવાઓ અને ડ્રેસિંગનો સામાન પણ છે. ગામના યુવકોને આ દવાઓના ઉપયોગ અંગે માહિતી પણ અપાય છે. તેમને કહેવામાં આવે છે કે દર્દીને દવાથી એક દિવસમાં ફરક ન પડે તો તત્કાળ ડૉક્ટર પાસે લઇ જવા. તે પડકારજનક દિવસોમાં ઘણા લોકોને મહિનાઓ સુધી કામ ન મળ્યું. આવા લોકોને જમવાની તકલીફ ન પડે તે માટે અનાજની કિટ પણ તૈયાર કરાવી. 28 લાખ રૂ.ના ખર્ચે 400 ગામમાં 8 હજાર કિટ પહોંચાડવામાં આવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.