ક્રાઇમ:કાપોદ્રામાં નજીવી બાબતે યુવક પર ચપ્પુ વડે હુમલો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઈંડા લેવા જતા યુવકને પરિચિતે થોભવા માટે કહ્યું, તે ઉભો ન રહેતા હુમલો કર્યો

કાપોદ્રામાં ઈંડા લેવા માટે ઘરેથી નીકળેલા એક યુવક પર નજીવી બાબતે થયેલી તકરારમાં પરિચિત યુવકે ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. હુમલો કરાતા ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની ફરિયાદના આધારે પોલીસે હુમલાખોર યુવક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કાપોદ્રામાં ચીકુવાડી પાણીની ટાંકી પાસે રહેતો ફૂલચંદ બરસાતી સરોજ (40) ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે રાત્રે ફૂલચંદ પોતાના ઘરેથી ઈંડા લેવા માટે નીકળ્યો હતો.

દરમિયાન પગપાળા જતી વખતે રસ્તામાં કાપોદ્રા રવિપાર્ક સોસાયટી ખાતે રહેતા સાહિલ ઉર્ફે લંબુએ ફૂલચંદને ઉભો રહેવા કહ્યું હતું. પરંતુ ફૂલચંદે કોઈ જવાબ ન આપતા તે ગાળો આપવા માંડ્યો હતો. જેના કારણે બન્ને વચ્ચે તકરાર થઈ હતી. દરમિયાન સાહિલે ફૂલચંદ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.

સાહિલે હાથ, પીઠ અને ખભાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા ફૂલચંદને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ પણ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને ઘાયલ યુવક પાસેથી માહિતી મેળવી તપાસ શરૂ કરી હતી. પોલીસે ફૂલચંદની ફરીયાદના આધારે સાહિલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...