કોરોના સુરત LIVE:સુરતમાં 24 કલાકમાં 1800થી વધુ નવા કેસ, એક્ટિવ કેસ 8 હજારને પાર, એક દર્દીનું કોરોનાથી મોત

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
રસ્તામાં પાલિકા દ્વારા જનજાગૃતિ માટેના બેનર લગાવ્યાં છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
રસ્તામાં પાલિકા દ્વારા જનજાગૃતિ માટેના બેનર લગાવ્યાં છે.(ફાઈલ તસવીર)
  • સુરત શહેર અને જિલ્લામાં મળીને હાલ 8268 એક્ટિવ કેસ

ઓમિક્રોનના કેસની સાથે કોરોના પોઝિટિવ કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે છેલ્લા 24 કલાકમાં શહેરમાં 1778 કેસ નોધાયા જ્યારે જિલ્લામાં 114 એમ કુલ 1892 કેસ આવ્યા છે. જેથી સુરત શહેર અને જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં 8 હજારને પાર કરી 8268 પર પહોંચી ગઈ છે. આ સાથે 372 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. જોકે સુરત જિલ્લામાં આજે 1 દર્દીનું મોત થયું છે. સિટીનો અઠવા ઝોન કોરોના એપી સેન્ટર બન્યું હોવાનું સામે આવ્યું છે. 40 ટકાથી વધુ કેસ અઠવા ઝોનમાં નોંધાઈ રહ્યા છે. આ સાથે રાંદેર અને વરાછા-એ ઝોનમાં પણ કેસનો વધારો થઈ રહ્યો છે.

બુસ્ટર ડોઝની કામગીરી
બીજો ડોઝ લીધાને 39 અઠવાડિયા પૂર્ણ થયા હોય તેવા 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો (કોમોબીડીટી), તમામ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને આ ડોઝ અપાશે. જો કે, તેમણે પ્રથમ અને બીજા ડોઝ લીધા હોવા જરૂરી છે. લોકોએ કોવિન પોર્ટલ પર નવું રજીસ્ટ્રેશન કરવું નહિં પડે. માત્ર કેન્દ્ર પર જઇને પોર્ટલથી એપોઇમેન્ટ લઇ રસીકરણ કરાવી શકશે. પાલિકાના 39 રસીકરણ કેન્દ્રો (30 કોવીશીલ્ડ, 9 કોવેક્સિન) પર આ કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઝોન વાઇઝ કેસ
રવિવારે રાંદેર ઝોનમાં કોરોનાના સૌથી વધુ 527 કેસ સામે આવ્યા છે. જ્યારે અઠવા ઝોનમાં 420 કેસ સામે આવ્યા હતા.સેન્ટ્રલ ઝોનમાં 103, વરાછા એ ઝોનમાં 213,વરાછા બી ઝોનમાં 95, કતારગામમાં 199, લીંબાયતમાં 183 જ્યારે ઉધના ઝોનમાં 56 કેસ સામે આવ્યા હતા.

70 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા
સુરત : રવિવારે શહેરમાં સંક્રમિત થેયલા 70 વિદ્યાર્થીઓ પૈકી સ્વામિનારાયણ સ્કૂલમાં 9 અને એસપીબી ફિજિઓથેરાપી કોલેજમાં 7 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. આ ઉપરાંત જીડી ગોઇન્કા, લાન્સર આર્મી સ્કૂલ, જેએચ અંબાણી સ્કૂલ, એલએચ બોઘરાવાલા, મહેશ્વરી વિદ્યાલય, રાયન ઇન્ટરનેશનલ, દીપ દર્શન, શારદા યતન, વનિતા વિશ્રામ, આશાદીપ, અગ્રવાલ વિદ્યાવિહાર, સંસ્કારદીપ, ડીઆરબી કોલેજ તથા અન્ય સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

તંત્રએ વધુ એકવાર માહિતી છૂપાવી
બારડોલીના સરભોણ ખાતે લુહાર ફળિયામાં રહેતા જયશ્રીબેન અરવિંદભાઈ પારેખ (58)ને સંક્રમણ બાદ ગંભીર હાલતમાં 7મીએ સ્મીમેરમાં દાખલ કરાયા હતા. જેમનું શનિવારે રાત્રે મોત નીપજ્યું હતું. જોકે જિલ્લાના આરોગ્ય વિભાગે રવિવારે સાંજે જાહેર કરેલી યાદીમાં તેનો કોઈ ઉલ્લેખ કરાયો ન હતો. અગાઉ પણ આ જ રીતે દર્દીનું મોત નીપજ્યું હોવાનું જાહેર કરાયું ન હતું. આ વાત જાહેર થઈ ગયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા તેમને પાલિકા દ્વારા મોડે સુધી જાણકારી અપાઈ ન હોવાને કારણે આવું થયું હોવાનો લૂલો બચાવ કર્યો હતો. સરભોણની આધેડ મહિલાના મોત સાથે જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 490 થઈ ગયો છે.