• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Tramp On The Rights Of The Poor: 1 Crore Central AC Flat, Parents With Expensive TV cars Also Got Children Admitted In RTE By Giving False Evidence.

ભાસ્કર બ્રેકિંગ:ગરીબના હક પર તરાપ : 1 કરોડનો સેન્ટ્રલ AC ફ્લેટ, મોંઘા ટીવી-કારવાળા વાલીઓએ પણ ખોટા પુરાવા મુકીને બાળકોનો RTEમાં પ્રવેશ મેળવ્યો હતો

સુરત22 દિવસ પહેલાલેખક: મિલન માંજરાવાલા
  • કૉપી લિંક
  • પ્રવેશના પહેલા રાઉન્ડમાં વાલીઓની આવક પર શંકા જતાં સ્કૂલોએ કરેલા સરપ્રાઇઝ ચેકિંગમાં ભાંડો ફૂટ્યો
  • ડીઇઓ કાર્યવાહી ન કરે તો સ્કૂલો પોલીસ ફરિયાદ કરશે
  • ​​​​​​​જે નર્સરીમાં 75 હજાર ફી ભરી હતી ત્યાં જ 1.20 લાખ આવક બતાવી RTEમાં પ્રવેશ લીધો

આરટીઇના પહેલા રાઉન્ડમાં સ્કૂલોએ તપાસ હાથ ધરતાં ઓન પેપર ગરીબ બનેલા 45 વાલીઓનાં ફોર્મ રદ કર્યા છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ આનંદ જિંજાળા કહે છે કે, સ્કૂલોની તપાસમાં 30 ટકા વાલીઓ ઓન પેપર ગરીબ નીકળ્યા છે. એક માલેતુજાર વાલીના આઇટી રિર્ટનમાં રૂ. 4.51 લાખ છે જ્યારે આવકના દાખલામાં રૂ. 1.05 લાખ છે. બીજાએ એક વર્ષ પહેલા નર્સરીમાં વાર્ષિક રૂ. 56 હજાર ફી ભરી હતી અને આ વખતે એ જ સ્કૂલમાં આવક રૂ. 1.20 લાખ દેખાડી આરટીઇ હેઠળ ધો.1માં પ્રવેશ મેળવ્યો છે.

ત્રીજાએ 2 વર્ષ પહેલાં જ રૂ. 45 લાખનો ફ્લેટ ખરીદ્યો છે. સ્કૂલોની તપાસ કમિટીને ઘણા બાળકોના વાલીઓના પોતાના મોંઘા ફ્લેટ કે રો-હાઉસ કે પછી સોસાયટીમાં ઘર, બેડરૂમમાં એસી, મોંઘા એલઇડી ટીવી, મોંઘા ઓટોમેટિક ફ્રિજ-વોશિંગ મશિન, ગાડીઓ પણ મળી આવી હતી. સ્કૂલોના પ્રિન્સિપાલોએ કહ્યું કે હાલમાં અમે પ્રવેશ આપી તપાસ રિપોર્ટ ડીઇઓએ સોંપીશું. ડીઇઓ કાર્યવાહી નહીં કરશે તો અમે જાતે જ ફરિયાદી બની પોલીસ મથકમાં અરજી કરીશું.

કિસ્સો-1ઃ દાખલામાં 1.05 લાખ અને આઇટી રિર્ટનમાં 4.51 લાખ આવક
વાલી હાર્દિકે આવકના દાખલામાં વાર્ષિક આવક રૂ. 1.05 લાખ દેખાડી છે. જ્યારે છેલ્લા ત્રણ વર્ષના આઇટી રિર્ટનમાં રૂ. 4.07 લાખથી રૂ. 4.51 લાખની આવક દેખાડી છે. તે સાથે દર મહિને રૂ. 3 હજાર લાઇટ બીલ ભરી રહ્યા છે.

કિસ્સો-2ઃ ઘરમાં લાખો રૂપિયાનું ઇન્ટિરિયર કરાવેલું મળી આવ્યું
વાલી ચખલાસીયાએ આવકના દાખલામાં વાર્ષિક આવક રૂ. 1.20 લાખ દેખાડી છે. જ્યારે તેના ઘરે એલઇડી ટીવી, કિચનમાં હાઇડ્રોલિક ટ્રોલી, ફ્રિજ અને વોશિગ મશિન સહિતની ફેસેલિટી છે. ઉપરાંત ઘરમાં લાખો રૂપિયાનું ઇન્ટિરિયર ડિઝાઇન પણ કરવ્યું મળી આવ્યું હતું.

કિસ્સો-3ઃ એક કરોડનો ફ્લેટ છતા વાર્ષિક આવક 1.20 લાખ જ બતાવી
વાલી સાગરે આવક દાખલામાં રૂ. 1.20 લાખ દેખાડી છે. તપાસમાં તો ફ્લેટ જ 1 કરોડનો હતો અને આખું ઘર સેન્ટ્રલ એસીવાળું હતું. સ્કૂલે વાલી પાસે પાન કાર્ડ માંગ્યો તો તેણે નહીં બનાવ્યો અને કહ્યું હતું કે પોતાની રોજગારી હજીરામાં કન્ટ્રક્ટશન દેખાડી છે.

કિસ્સો-4ઃ 2 વર્ષ પહેલાં જ 45 લાખનો ફ્લેટ ખરીદેલો મળ્યો
વાલી નિતિને વાર્ષિક આવક રૂ. 1.20 લાખની આવકના દાખલામાં દેખાડી છે. જો કે, આ વાલીએ ડાયમંડ કંપનીમાં કામ કરી રહ્યા છે અને 2 વર્ષ પહેલા જ રૂ. 45 લાખનો પોતાનો ફ્લેટ ખરીદયો છે.

કિસ્સો-5ઃ પોલીસ ફરિયાદની ચીમકી અપાતાં પ્રવેશ રદ કરાવ્યો
​​​​​​​વાલી માહ્યાવંશીએ બાળકની નર્સરીમાં રૂ. 75 હજાર વાર્ષિક ફી ભરી હતી અને દાખલમાં આવક રૂ. 1.20 લાખ દેખાડીને આરટીઇ અંતર્ગત ધો. 1માં પ્રવેશ લીધો હતો. પોલીસ ફરિયાદની ચીમકી અપાતાં પ્રવેશ રદ કરાવ્યો હતો.
(બોગસ પુરાવા રજૂ કરનારા તમામ વાલીઓની વિગતો હોવા છતાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વાલીની ઓળખ છતી કરાઈ નથી.)

ધો.1માંથી ઉઠાડી RTEમાં પ્રવેશ લેનારા 45 બાળકનાં ફોર્મ ડીઇઓએ રદ કર્યા
​​​​​​​આરટીઇમાં 30,224 બાળકોના ફોર્મ ભરાયા હતા, જેમાંથી 26,094 ફોર્મ મંજૂર કરાયા હતા. માહિતી અને દસ્તાવેજોના અભાવે 4,130 ફોર્મ કેન્સલ થયા હતા. પહેલા રાઉન્ડમાં 8,737 બાળકોને પ્રવેશ ફાળવાયા હતા અને 6 મેને શુક્રવારે સાંજે 5ઃ00 વાગ્યા સુધીમાં 8,085 વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થઇ ગયા છે. જ્યારે 45 પ્રવેશ રદ કરાયા છે. ડીઇઓ કચેરીના અધિકારી કહે છે કે, ધો.1માં બાળક સ્કૂલમાં ભણતું હોય અને ત્યાંથી ઉઠાવીને આરટીઇ હેઠળ ધો.1માં પ્રવેશ મેળવ્યો હોવાથી આવા ફોર્મ રદ થયા છે.

પ્રવેશ કન્ફર્મ કરાવવાનો આજે છેલ્લો દિવસ
ડીઇઓ કચેરીથી જણાવાયું હતું કે આરટીઇ અંતર્ગત ધો. 1માં 612 બાળકોના પ્રવેશ સ્કૂલોમાં કન્ફર્મ થયા નથી. જેથી પ્રવેશ કન્ફર્મ કરાવી શકે તે માટે મુદત વધારી છે. જે મુજબ શનિવાર સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવી શકાશે.

મોટાભાગની સ્કૂલો સોમવારથી તપાસ કરશે
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ આનંદ જિંજાળા કહે છે કે, 30 ટકા વાલીઓ ઓન પેપર ગરીબ છે. પાનકાર્ડ, રિર્ટન અને બેંક સ્ટેટમેન્ટ વગેરે તપાસવા જરૂરી છે. મોટાભાગનાએ વાર્ષિક આવક રૂ. 1.20 લાખ જ બતાવી છે. ​​​​​​

અન્ય સમાચારો પણ છે...