સુરતમાં જાહેરમાં જન્મદિવસ ઊજવવા પર પ્રતિબંધ છે. એમ છતાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને ટ્રાફિક એસીપીના જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેથી ભારે ટીકાઓ થતાં ટ્રાફિક એસીપીએ પોતાની ભૂલ સુધારવા કે સ્વીકારવાની જગ્યાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને મળેલા લોકોથી ભંગ થયેલા સોશિયલ ડિસ્ટન્સનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની સાથે સાથે લખ્યું હતું કે 'ભડના દીકરા હો તો આ વાઈરલ કરો.' જોકે ફોટો વાઈરલ કરવા અંગે એસીપીનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે ફોટો વાઈરલ કરવા અંગે કોઈ જ પ્રત્યુત્તર આપ્યા વગર ફોન કટ કરી નાખ્યો હતો.
સોશિયલ મીડિયા ગ્રુપમાં પાટીલના ફોટો મૂક્યાં
પોતાના જન્મદિવસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિફરેલા એસીપી અશોકસિંહ ચૌહાણે આજે સી આર પાટીલની ઓફિસના ફોટા વાઈરલ કર્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની કાર્યાલયમાં શુભેચ્છા મુલાકાત લેવા ગયેલા લોકો અને સી.આર.પાટિલ એ પોતે પણ માસ્ક પહેર્યુ ન હોવાનું તેમણે આડકતરી રીતે ઈશારો કર્યો હતો. એસીપી ચૌહાણે 'કેમ છો ગુજરાત'નામના સોશિયલ મીડિયાના ગ્રુપમાં ના ફોટા વાયરલ કર્યા હતા.
શહેરમાં નવી ચર્ચા જાગી
એસીપી પોલીસ અધિકારી હોવા છતાં પણ પોતાના જ પોલીસ કમિશનરના જાહેરનામાના ઉલ્લંઘન કરતા અનેક ટીકા ટિપ્પણીનો સામનો સોશિયલ મીડિયા ઉપર તેમણે કરવો પડ્યો હતો. જેથી વિફરેલા એસીપી ચૌહાણ પોતાના નિશાના ઉપર સી.આર.પાટીલ ને લેતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
એસીપીએ મગનું નામ મરી ન પાડ્યું
સોશિયલ મીડિયામાં સી આર પાટીલની કાર્યાલયના ફોટા વાયરલ કરવા બાબતે ટ્રાફિક વિભાગના એસીપી અશોક સિંહ ચૌહાણ સાથે ટેલિફોનિક વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, એસીપી ચૌહાણે ફોન રિસીવ કર્યા બાદ જ્યારે દિવ્યભાસ્કર દ્વારા પૂછાયું કે,' કયા કારણસર તેમણે આ ફોટા વાયરલ કર્યા છે?' તો તેનો કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યા વગર એસીપી ચોહાણે ફોન કટ કરી દીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.