રોષ:સુરતના વરાછામાં વેપારીઓએ અઘોષિત લોકડાઉનથી આજીવિકા બંધ થયાના પ્લેકાર્ડ હાથમાં લઈને વિરોધ નોંધાવ્યો

સુરત8 મહિનો પહેલા
વેપારીઓએ દુકાન બહાર સુત્રો લખેલા પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કર્યો હતો.
  • સંપૂર્ણપણે લોકડાઉન અથવા બજારો ખુલ્લા કરી દેવા વેપારીઓની માગ

સુરતના વરાછા વિસ્તારમાં નાના વેપારીઓ સરકારના નિર્ણયની સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. વરાછા વિસ્તારના 80 જેટલા વેપારીઓ પોતાની દુકાનની આગળ પ્લેકાર્ડ રાખીને ઊભા રહી વિરોધ નોંધાવ્યો હતો.પ્લેકાર્ડ પર તેમણે સરકાર કાં તો સંપૂર્ણ પણે લોકડાઉન રાખે અથવા તો બજારો ખુલ્લા કરી દે તેવી માગણી કરી હતી.

આવક પર મોટી અસર
છેલ્લા 15 દિવસથી નાની દુકાનો બંધ કરી દેવાતા લોકોની આવક ઉપર મોટી અસર થઈ રહી છે. પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે હવે લોકો માટે પડકારરૂપ સ્થિતિ બની રહી છે. વરાછા વિસ્તારમાં હજારોની સંખ્યામાં કામ કરતી ફેકટરીઓ શરૂ છે. તો બીજી તરફ નાના દુકાનદારોને બંધ રાખવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. નાની દુકાનમાં લોકો વધુ સંખ્યામાં એકત્રિત થતા નથી દુકાનમાં માંડ બે કે ત્રણ લોકો હોય છે. સરકારે આપેલા તમામ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યો હતો છતાં પણ સરકારે દુકાનો બંધ કરાવી રાખે છે.

નાના વેપારીઓને જીવવા દે તેવી અમારી માગણી છે
નાના વેપારીઓને જીવવા દે તેવી અમારી માગણી છે

સરકારની બેવડી નીતિનો વિરોધ
ભરત ચોવટીયા નામના દુકાનદારે પોતાની વેદના રજૂ કરતા જણાવ્યું કે, દુકાનો બંધ છે. આવકના સ્રોત બંધ થઈ ગયા છે. બીજી તરફ કોર્પોરેશનના ચૂકવવાના તમામ વેરા ચૂકવવા પડી રહ્યા છે. લાઈટ બિલ ચૂકવવું પડી રહ્યું છે ,બાળકો શાળામાં નથી જતા છતાં પણ બાળકોની શાળાની ફી ભરવી પડે છે. આવી સ્થિતિમાં જ્યારે આવક નથી ત્યારે અમે કેવી રીતે આ તમામ રૂપિયાની ચૂકવણી કરીએ. અમારા પરિવારનું ભરણપોષણ અને આવી સ્થિતિમાં કરી શકે તેમ નથી તેથી સરકાર પોતાની બેવડી નીતિને બાજુ પર રાખીને ગરીબ અને નાના વેપારીઓને જીવવા દે તેવી અમારી માગણી છે.

લાખોની સંખ્યામાં નાના મોટા વેપારીઓની સ્થિતિ કફોડી બની રહી છે
લાખોની સંખ્યામાં નાના મોટા વેપારીઓની સ્થિતિ કફોડી બની રહી છે

નાના વેપારીઓની હાલત કફોડી
હાલની સ્થિતિમાં નાના વેપારીઓ પોતાનો પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવે તે ખરેખર કફોડી સ્થિતીમાં આવી ગયા હોય તેવું લાગે છે. વરાછા વિસ્તારમાં નાના વેપારીઓ પ્લેકાર્ડ ઉપર પોતાની વેદના ચાલતા જોવા મળ્યા હતા. સરકારને વિનંતી કરી હતી કે, હવે દુકાનો શરૂ કરવાની છૂટ આપો નહીં તો કોરોનાથી મોત તો પછી થશે પરંતુ બેરોજગારી અને આવક વગર અમે મોતના મુખમાં ધકેલાઇ જઇશું. ઝડપથી નાની નાની દુકાનો શરૂ કરાવી લોકોની રોજગારીનો પ્રશ્નો ઉકેલવા માટે કરી પગલા લેવા જરૂરી છે. સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં નાના-મોટા વેપાર-ધંધા કરીને પરિવારનું ભરણપોષણ કરતા લાખોની સંખ્યામાં નાના મોટા વેપારીઓની સ્થિતિ કફોડી બની રહી છે.