તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા સભ્યો:સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં છત્તીસગઢથી લવાયેલી સિંહની જોડી આજથી પ્રવાસીઓને જોવા મળશે

સુરત10 મહિનો પહેલા
પાંચ વર્ષ બાદ પ્રવાસીઓ માટે સિંહના દર્શનનો લાભ પ્રાણી સંગ્રહાલયમાં મળી રહ્યો છે. - Divya Bhaskar
પાંચ વર્ષ બાદ પ્રવાસીઓ માટે સિંહના દર્શનનો લાભ પ્રાણી સંગ્રહાલયમાં મળી રહ્યો છે.
  • સિંહ આર્ય અને સિંહણ વસુંધાની જોડી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર

સરથાણા નેચર પાર્કમાં નવા સભ્યોનો ઉમેરો થયો છે. છત્તીસગઢના નયા રાયપુર જંગલ સફારીમાંથી સિંહની જોડી લાવવામાં આવી છે. આજથી નેચરપાર્કમાં લોકોને સિંહનો નજારો માણવા મળી રહ્યો છે. જેથી સિંહ જોડી આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. નેચરપાર્કમાં લવાયેલા 3 વર્ષના સિંહ(આર્ય) અને 6 વર્ષની સિંહણ(વસુંધા) છે. સુરતના નેચરપાર્કને 5 વર્ષ બાદ સિંહ-સિંહણની જોડી મળી છે. બંનેને સાથે નિહાળવા માટે લોકો દિવાળીની રજામાં ઉમટી રહ્યાં છે. આર્ય 3 વર્ષનો હોવાથી તેને પુખ્ત થતાં હજુ ચારથી છ મહિના જેટલો સમય થશે.પાલિકા દ્વારા જણાવાયું કે આગામી સમયમાં સફેદ ટાઈગર સહિતના પ્રાણીઓ પણ લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી નેચરપાર્ક પ્રાણીઓથી સમૃદ્ધ બનશે.

છતિસગઢથી સિંહની જોડીને લાવવામાં આવી છે.
છતિસગઢથી સિંહની જોડીને લાવવામાં આવી છે.

9 કિલોનો ખોરાક રોજનો છે
બંને જોડી વચ્ચે મનમેળ થયો છે. સિંહને દિવસમાં 9 કિલો મટનનો ખોરાક છે. આર્યનું વજન 125 કિલો અને વસુધાનું 145 કિલો વજન છે. હાલ ઓલટરનેટિવ રખાયા છે. એક જોડી જળબિલાડીની રાયપુર આપવા મંજૂરી મળી હતી. દેશમાં જળબિલાડીનું સુરતમાં બ્રિડિંગ સફળ થતું હોવાથી 4 રાજ્યોની માંગ પેન્ડિંગ છે.

સિંહની જોડી આવ્યા બાદ પ્રવાસીઓને આજથી તેને જોવા માટે મુકવામાં આવ્યાં છે.
સિંહની જોડી આવ્યા બાદ પ્રવાસીઓને આજથી તેને જોવા માટે મુકવામાં આવ્યાં છે.

વ્હાઈટ ટાઈગર પણ આવશે
સરથાણા નેચર પાર્કમાં 5વર્ષના વહાણા બાદ સિંહની જોડી આવતાં નેચર પાર્કની શોભામાં અભિવૃત્તિ થઈ છે, હવે આગમી વર્ષમાં પાલિકાના નેચર પાર્કમાં સફેદ વાઘના આકર્ષણનું નવું છોગું ઉમેરાઈ તેવી શક્યતા છે. જો તમામ પ્રક્રિયાઓ સુપેરે પાર પડશે તો ઉનાળા વેકેશન પહેલાં વ્હાઈટ ટાઇગર શહેરીજનોનું આકર્ષણનું કેન્દ્ર બને તેમ છે. મહત્ત્વની બાબત એ છે કે રાજકોટ ઝૂમાંથી જ વ્હાઈટ ટાઈગર મેળવવામાં આવશે. તે માટેની મૌખિક મંજુરીઓ પણ મળી ગઈ છે. આગામી દિવસોમાં પાલિકા આ મામલે પેપરવર્ક હાથ ધરશે.