કમિશનરનું બ્રિફિંગ:કુલ 54 ક્લસ્ટર: રાંદેર અને ગોરાટને ક્લસ્ટરમાંથી છૂટછાટની સંભાવના, 1477 કેસમાંથી 1029 દર્દી સાજા થયા

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભીડને કારણે ગલ્લા-સલૂન મળી 183 દુકાનો બંધ કરાવાઈ

શહેરમાં 54 ક્લસ્ટર એરિયા જાહેર કરાયા છે.  જે ક્લસ્ટર એરિયામાં 28 દિવસ સુધી એક પણ કેસ નહીં આવશે  તો તેને ક્લસ્ટરમાંથી મુક્તિ અપાશે. આ 54માંથી ક્યાં એરિયામાં પાછલા 28 દિવસમાં કેસ નથી આવ્યા તેની યાદી તૈયાર કરાઇ રહી છે. જેથી રાંદેર-ગોરાટ રોડ, સેન્ટ્રલ ઝોન સહિતના અમુક વિસ્તારને ક્લસ્ટરમાંથી છૂટછાટ મળે એવી શક્યતા જણાઇ રહી છે. તેવું પાલિકા કમિશનરે જણાવ્યુ હતું. વધુ જણાવતા તેમણે કહ્યું હતું કે ‘સુરત અને જિલ્લામાં 1029 દર્દીઓ સાજા થયા છે.

સુરત શહેરનો સૌથી શ્રેષ્ઠ 70 ટકા રિકવરી રેટ થયો છે. સુરત શહેરના 1380 અને જિલ્લાના 97 મળીને કુલ 1477 કેસો નોંધાયા છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગની કડક અમલવારી કરવામા આવી રહી છે. પાનના ગલ્લા તથા હેર સલૂનની દુકાનોમાં આજે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 2124 દુકાનોમાં સર્વે કરતાં 183 દુકાનોમાં માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ જણાતા આ દુકાનો બંધ કરાવીને રૂા.20,950 દંડ કરાયો હતો. જ્યારે શહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનાર 93 અને માસ્ક ન પહેરનાર 123 જણાને પેનલ્ટી કરવામાં આવી છે. મ્યુ. કમિશનરે વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ 6523 લોકો હોમ ક્વોરોન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરોન્ટાઇન સેન્ટરમાં 545 લોકો છે. 1697 જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કામ કરી રહી છે. સ્લમ વિસ્તારોમાં કુલ 42 ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે.

મોબાઈલ ફિવર ક્લિનીકમાં સૌથી વધુ લોકો નિદાન તપાસ માટે જતાં હોય છે, તેથી તેની સંખ્યા વધારવામાં આવશે. 60 જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે. તમામ દુકાનો તથા અન્ય સંસ્થાઓના માલિકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની ફરજિયાત છે. તમામ કોમ્પલેક્ષોએ કોરોના સંક્રમણ ન પ્રસરે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે, અન્યથા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને પાનના ગલ્લા તથા હેર સલુનના માલિકો ખુબ જ ધ્યાન રાખે એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...