તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર સ્ટિંગ:સુરતમાં 40 હજારનું ટોસિલિઝુમેબ 2.70 લાખમાં વેચવા જતા ટ્રાઇસ્ટાર હોસ્પિટલની નર્સના પિતા સહિત 2 પકડાયા

સુરત3 મહિનો પહેલાલેખક: રિતેશ પટેલ
  • કૉપી લિંક
  • દિવ્ય ભાસ્કરે પોલીસને સાથે રાખી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કાળાબજારનો પર્દાફાશ કર્યો
  • ટ્રાઇસ્ટાર હોસ્પિટલની નર્સ ગ્રાહકો શોધી સોદો કરતી, તેના પિતા રત્નદીપ કેન્સર હોસ્પિટલના કર્મચારી પાસેથી ઇન્જેક્શન લેતા હોવાનો ઘટસ્ફોટ
  • ઉમરા પોલીસમાં નર્સ સહિત 3 સામે ગુનો, કાળાબજારી કરનારા કોઇને પણ છોડાશે નહીં : કમિશનર અજય તોમર
  • પિતા કહે છે, ‘ઇન્જેક્શન દુબઇથી આવે છે’, નર્સે કહ્યું, ‘ભાવ 3 લાખ છે પણ માનવતા ખાતર 2.70 લાખમાં મળશે’
  • નર્સ હેતલ, પિતા રસીક કથિરિયા અને ઇન્જેક્શન લાવનાર વ્રજેશ મહેતા સામે ગુનો નોંધાયો

કોરોનાના અંતિમ સ્ટેજ પર પહોંચેલા દર્દીને બચાવવા વપરાતા ટોસિલિઝુમેબ ઈન્જેકશનનાં કાળાબજારનો ‘દિવ્ય ભાસ્કરે’ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સાથે રાખીને પર્દાફાશ કર્યો હતો. સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સ હેતલ કથિરિયાએ બજારમાં રૂા.35 થી 40 હજારની કિંમતે મળતા ટોસિલિઝુમેબનો સોદો રૂા.3 લાખમાં કર્યો હતો. રકઝકના અંતે 2.70 લાખમાં સોદો ફાઈનલ કર્યો હતો.

લેતીદેતી વખતે જ પોલીસે ઝડપી પાડ્યા
શનિવારે બપોરે નર્સે ઉધના-મગદલ્લા રોડ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલની નીચે ઈન્જેકશનની ડિલીવરી માટે તેના પિતા રસિક કથિરિયાને મોકલ્યાં હતા. રોકડા 2.70 લાખ રૂપિયા ‘દિવ્ય ભાસ્કર’ના રિપોર્ટરે આપતાં એક ટોસિલિઝુમેબ અપાયું હતું. આ લેતીદેતી વખતે જ પોલીસે પિતાની ધરપકડ કરી હતી. અને સાગરિત વ્રજેશ મહેતાની પણ અટકાયત કરી છે. જ્યારે નર્સની શોધખોળ ચાલુ છે. આ ઈન્જેકશન નકલી હોવાની આશંકાએ પોલીસે ડ્રગ વિભાગની મદદ લીધી છે.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
મોડી રાત્રે ઉમરા પોલીસે આઈપીસીની કલમ 420, 114 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3,7,11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ 53 તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એકટની કલમ 27 મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું કે કાળા બજારી કરનારા કોઇનેપણ છોડાશે નહીં.

રિપોર્ટરે નાણાં આપ્યા ત્યારે પિતાએ દીકરીને ફોન કરી પૂછ્યું, ‘2.90 લાખ લેવાના છે કે 2.70 લાખ?’ રિપોર્ટર: મેડમ, એક દર્દી માટે ટોસિલિઝુમેબની જરૂર છે, મળશે? નર્સ: ઇટોલિઝુમેબ છે, 2 લાખ કિંમત છે. રિપોર્ટર: ટોસિલિઝુમેબ જ જોઈએ છે. નર્સ: તપાસ કરીને કહું છું. નર્સ: ટોસિલિઝુમેબના 2.90 લાખ થશે. જોઇએ? રિપોર્ટર: હું થોડીવારમાં પૂછીને કહું. રિપોર્ટર: 12 વાગ્યે રૂપિયા આપીએ તો ચાલે? નર્સ: હા, વાંધો નહીં. કાલે સવારે જવાબ આપું. દર્દીનું આધારકાર્ડ અને પ્રિસ્ક્રિપ્શન વોટસએપ કરો. પછી પ્રોસેસ ચાલુ થશે. રિપોર્ટર: ફાઇનલ કહો તો નાણાની વ્યવસ્થા કરું નર્સ: ટોસિલિઝુમેબ મળી જશે. પણ વાયલ પાછી આપવાની રહેશે. રિપોર્ટર: હા વાંધો નહીં પાછી આપી દઇશું. . નર્સ: એકના2.70 લાખ થશે. હું નંબર આપું તેની સાથે તમે વાત કરી લો. રિપોર્ટર: ટ્રાઇસ્ટારવાળા હેતલબેને તમારો નં. આપ્યો છે, ટોસિલિઝુમેબ લેવા ક્યાં આવીઅે? રસીક: 3 કલાકમાં ઇન્જેક્શન આપી જઇશ. દર્દીનું આધારકાર્ડ-પ્રિસ્ક્રિપ્શન લેતા આવજો. રસીક: ઇન્જેક્શન આપવા ક્યા આવું? રિપોર્ટર: ઉધના-મગદલ્લા રોડ પર યુનિવર્સિટી પાસે મૈત્રી હોસ્પિટલ પાસે આવી જાવ. રસીક: હું આવી ગયો છું, તમે ક્યા છો? રિપોર્ટર: હોસ્પિટલની બાજુમાં પેટ્રોલ પંપ પર આવો. ક્યાં છો? હું વ્હાઇટ ગાડીમાં બેઠો છું. રસીક: હું ચાલીને આવું જ છું. (રસીક કારમાં આવીને પાછળની સીટ પર બેઠો. પહેલા ઇન્જેક્શન આપ્યું. પછી તેમણે રૂ. 2.70 લાખ જોઇ કહ્યું રૂ.2.90 લાખ થશે. એટલે રિપોર્ટરે કહ્યું કે, રૂ. 2.70 લાખમાં સોદો થયો છે. આ સાંભળી રસીકે તેની પુત્રી નર્સ હેતલને ફોન કર્યો અને સામેથી હેતલે રૂ. 2.70 લાખ લેવાની વાત કરી હતી. ત્યારબાદ તરત જ SOGની ટીમ ત્રાટકી અને રસીકને ઝડપી પાડ્યો હતો.)

નર્સે 28 એપ્રિલે દર્દીના સગાને 2.30 લાખમાં ઇન્જેક્શન અપાવ્યું હતું
પાલિકામાં નોકરી કરતા એક કર્મચારીને થોડા દિવસો પહેલા ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 26 એપ્રિલે તેમને ઇટોલિઝુમેબ ઇન્જેક્શન લખી આપ્યું હતું. સ્વજનોએ તપાસ કર્યા પછીપણ ન મળ્યું હતું. દરમિયાનમાં આ હોસ્પિટલમાં કામ કરતી હેતલ નામની નર્સ દર્દીના પરિવારના એક સભ્યને મળી હતી અને ઇન્જેક્શન મળ્યું કે નહીં તે અંગે પૃચ્છા કરી હતી. ત્યારબાદ હેતલે પોતે વ્યવસ્થા કરી આપશું તેવું આશ્વાસન આપ્યુંહતું. બે દિવસની ચર્ચાના અંતે હેતલે દર્દી દર્દીનું આધારકાર્ડ વોટ્સએપ પર મંગાવ્યા બાદ એક વચેટિયાનો મોબાઇલ નંબર આપ્યો હતો અને પોતાના રેફરન્સથી વાત કરવા કહ્યું હતું. આ સમયે ઇન્જેક્શનની કિંમત 2.30 લાખ કહી હતી. દર્દીનો જીવ બચાવવા આ કિંમત આપવા તૈયાર થયો હતો. 28 એપ્રિલની રાત્રે આ ઇન્જેક્શનના નાણા ચૂકવ્યા હતા અને રિંગ રોડ ખાતેના રઘુવીર માર્કેટથી નજીક એક લેબ ખાતે બે ગ્લાસમાં બરફ મુકી ઇન્જેક્શન આપ્યું હતું. દર્દીના પરિવારે ઇન્જેક્શન લઇને ડોક્ટરને આપ્યું હતું. ત્યારબાદ દર્દીને આઇસીયુમાં ફરજ બજાવતા ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું હતું. જોકે આ ઇન્જેક્શન આપ્યા પછી પણ દર્દીનું ઓક્સિજન લેવલ નીચું જતું હતું અને 4થી મેએ તેનું મૃત્યુ થયું હતું.