મુદત લંબાવવા CMને પત્ર:સુરતમાં વેપારીઓ માટે વેક્સિનનો આજે છેલ્લો દિવસ, રસીથી વંચિત દોઢ લાખથી વધુ વેપારીઓમાં રોષ

સુરત6 મહિનો પહેલા
શહેરના વેક્સિનેશન સેન્ટરો ખાતે કતારો જોવા મળી રહી છે. સિટીલાઇટ ખાતેના માહેશ્વરી ભવનમાં વહેલી સવારથી વેક્સિન માટે આવેલા લોકોએ લાઇનમાં જ ચાની ચૂસ્કી મારી હતી.
  • 31 જુલાઈ સુધીમાં તમામ વેપારીઓને ફરજિયાત રસી લેવા આદેશ પણ સ્ટોક પૂરતો નહીં હોવાથી 30 ઓગસ્ટ સુધી મુદત લંબાવવા માંગ
  • શુક્રવારે 23 હજાર લોકોને વેક્સિનેશન થયું, શહેરમાં રોજના 50થી 70 હજાર ડોઝની જરૂર સામે પુરવઠો અડધો
  • અગત્યનાં કામો કોરાણે મૂકીને શહેરનાં વેક્સિનેશન સેન્ટરો પર વહેલી સવારથી જ લોકોની કતાર

શહેરના વેપારીઓ માટેના રસીકરણનો શનિવારે છેલ્લો દિવસ છે. હજુ દોઢ લાખથી વધુ વેપારીઓનું રસીકરણ બાકી હોવાથી રસીકરણની મુદત 30 ઓગસ્ટ સુધી લંબાવવા માટે કોન્ફડરેશન ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (કૈટ) મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.

શહેરમાં અલગ અલગ વેપાર ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ મળીને અંદાજે દોઢ લાખથી વધારે વેપારીઓનું વેક્સિનેશન બાકી છે ત્યારે બીજી તરફ શહેરમાં વેક્સિનેશન મંદ ગતીએ થઈ રહ્યું છે, જેથી વેપારીઓ અને તેમની સાથે સંકળાયેલા કર્મચારીઓને વેક્સિન મળી રહી નથી.

સરકારે વેપારીઓને વેક્સિનેશન 31 જૂલાઈ સુધી ફરજિયાત કરવા માટે આદેશ કર્યો હતો પરંતુ રસી ન મળતી હોવાથી વેક્સિનેશન 31 ઓગસ્ટ સુધી લંબાવવા માટે કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે.

સરકાર દબાણ કરે છે અને રસીનો પુરતો જથ્થો જ નથી
કૈટના પ્રમુખ પ્રમોદ ભગતના જણાવ્યા પ્રમાણે, ‘શહેરમાં દોઢ લાખ વેપારીઓનું વેક્સિનેશન છે. સરકાર એક તરફ ફરજિયાત વેક્સિનેશન માટે દબાણ કરે છે અને બીજી તરફ રસીનો પુરતો જથ્થો હોતો નથી.

આજે 107 સેન્ટરો પર વેક્સિનેશન
શુક્રવારે 22,668એ રસી લીધી હતી. આ સાથે વેપારીઓને ગ્રીન કાર્ડ આપવાની કામગીરી પણ ઝડપી બનાવાશે. શનિવારે કુલ 107 સેન્ટરો પરથી વૅક્સિનેશન કરવામાં આવશે અને સગર્ભા બહેનો માટે 8 સેન્ટરો પર સુવિધા હશે.

પૂરતા ડોઝ ન અપાયા
રંગનાથ શારદા (ડિરેક્ટર ફોસ્ટા)એ જણાવ્યું હતું કે, 150 જેટલી માર્કેટોમાં 60 હજાર જેટલી દુકાનમાં કામ કરતા કારીગર અને વેપારીઓ માટે સરકારે 31મી જુલાઈ સુધીનો સમય નક્કી કરી વેપારીઓને વેક્સિન લઈ લેવાની સૂચના આપી છે. જેને લઈ સુરતના કાપડ બજારમાં વેપારીઓમાં રોષ ઊઠયો છે. સરકારે માર્કેટમાં પૂરતા વેકસીન ડોઝ આપ્યા નથી. પૂરતા સેન્ટરો પણ ફાળવ્યા નથી.જેને લઇ હજુ 40 ટકા વેપારીઓ અને 50 ટકા કારીગરોને વેક્સિનન આપી શકાઈ નથી. 60 હજાર જેટલી દુકાનો અને અંદાજે 4 લાખ કારીગરો વચ્ચે માત્ર માર્કેટમાં 4 જ વેકસીન સેન્ટરો ફાળવ્યા છે.

વેપારીઓ લડી લેવાના મૂડમાં
બે મહિનાથી ટેક્ષટાઇલ માર્કેટમાં ચાલતા વેકસિનેશન સેન્ટરો 25 દિવસ વેક્સિનના અભાવે બંધ રહ્યા હતા. તો ક્યારેક 100 અને ક્યારેક 200 જેટલા જ ડોઝ આપવામાં આવી રહ્યા છે. 31 જુલાઈ સુધીમાં માર્કેટમાં સંપૂર્ણ વેક્સિનનો કાર્યક્રમ પૂર્ણ થાય તેવા કોઈ જ અણસાર દેખાતા નથી. તેની સામે તંત્રની ગાઈડ લાઈન મુજબ 31 જુલાઈ બાદ માર્કેટમાં જેણે વેક્સિન લીધી ન હોય તેમની સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સુરત ટેક્ષટાઇલ માર્કેટોમાં 31 જુલાઈ સુધી વેપારીઓએ અને તેના કારીગરોએ વેક્સિન લીધી નહિ હોય તેવા વેપારીઓની દુકાનો સીલ કરવાની સરકારે ચીમકી આપી છે. જેની સામે વેપારીઓ લડી લેવાનો મૂડ બનાવી રહ્યા છે.