આવકવેરા રિટર્નની તારીખ હજી લંબાઈ ન હોવાથી હવે કરદાતાઓ પાસે રિટર્ન ભરવા એક દિવસનો સમય બચ્યો છે. 31મી જુલાઇ રવિવારના રોજ પણ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા રિટર્ન ભરવા માટે ખુલ્લો રાખ્યો છે અને આ દિવસે પણ કચેરી ચાલુ રહેશે. દરમિયાન સુરતમાં હજી 30 ટકા રિટર્ન ભરાવવાના બાકી હોવાથી સી.એ.ની ઓફિસમાં હાલ ભારે દોડાદોડીનો માહોલ છે. નોંધનીય છે કે જો રિટર્ન નહીં ભરાય તો પાંચ હજાર રૂપિયાની પેનલ્ટી લાગે છે.
એક્સપર્ટ: હાલ બે દિવસથી આઇટીનું સર્વર બરાબર, દેશમાં અત્યાર સુધી ચાર કરોડથી વધુ રિટર્ન ભરાયા
અગાઉ સર્વરની સમસ્યા હતી, હાલ એકાદ બે દિવસથી તે રહી નથી. આપણે ત્યાં રિટર્ન ભરનારાઓ પૈકી મોટાભાગના છેલ્લી ઘડીએ આવતા હોય છે દેશમાં અત્યાર સુધી ચાર કરોડથી વધુ રિટર્ન ભરાયા છે. બેન્કો ખુલ્લી રહેશે કે કેમ અંગે હજી કોઈ આદેશ કરાયો હોય એવુ ધ્યાન પર આવ્યુ નથી. હવે ઓડિટની લીમીટ દસ કરોડ થઈ ગઈ છે એટલે સાદા રિટર્નની સંખ્યા પણ વધી છે. > રાજેશ ભૂવાલા, સી.એ.
આઇટી કચેરી બહાર કાઉન્ટર લાવવાનું કહેવાયું
સીબીડીટીના સરક્યુલરમાં આઇટી કચેરીની બહાર કાઉન્ટર લાવવાનું પણ કહેવાયું છે. પરંતુ મોટા શહેરોમાં હવે ઓનલાઇન જ રિટર્ન ભરાતા હોય કાઉન્ટર આમ પણ લાગતા નથી. અગાઉ સુરતમાં પણ કાઉન્ટર લાગતા હતા, પરંતુ ત્યારે ઓનલાઇન રિટર્નુ ચલણ આવ્યુ નહતુ. નોંધનીય છે કે સમગ્ર સાઉથ ગુજરાતમાં 12 લાખ કરદાતા છે એક અંદાજ મુજબ હજી 30 ટકા જેટલાં કરદાતાએ રિટર્ન ભર્યા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.