અકસ્માત:સુરતમાં BRTS રૂટમાં બસે મહિલાને અડફેટે લેતા મોત, 9 વર્ષના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી

સુરતએક મહિનો પહેલા
મૃતક મહિલા (ફાઈલ તસવીર) ને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ હતી.
  • 108ની EMTએ CPR આપી મહિલાને બચાવવા પ્રયાસ કર્યો હતો

સુરતમાં પાંડેસરા ડી-માર્ટ નજીક BRTS રૂટમાં બસે રાહદારી મહિલાને અડફેટે લેતા કરુણ મોત નીપજ્યું હતું. મૃતક રેખાબેન ઈન્સ્યોરન્સની ખાનગી ઓફિસમાં કામ કરતા હોવાનું બહાર આવ્યું હતું. ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલ બાદ 108ની મદદથી વેન્ટિલેટર ઉપર સિવિલ લવાયા હતા. જ્યાં ટ્રોમાં સેન્ટર બહાર રેખાબેન માટે ઓક્સિજનવાળું સ્ટ્રેચર ન મળતા 5-7 મિનિટ સુધી 108ની EMTએ CPR આપી રેખાબેનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

નોકરીએ જવા નીકળેલી મહિલાને અકસ્માત નડ્યો
રામ ધીરજ શિવ સરણ શુકલા (મૃતક રેખાબેનના સસરા) એ જણાવ્યું હતું કે તેઓ મૂળ યુપીના રહેવાસી છે અને સુરતમાં 10-15 વર્ષથી રહે છે. પુત્ર વિવેકના લગ્ન 11 વર્ષ પહેલાં રેખા નામની યુવતી સાથે થયા હતા. તેમને એક 9 વર્ષનો દીકરો પણ છે. રેખા ઘર નજીક એક ઈન્સ્યોરન્સની ઓફિસમાં કામ કરતી હતી. આજે સવારે નોકરી પર જવા નીકળેલી રેખાને BRTS રૂટમાં બસે અડફેટે લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે રેખાને 108ની મદદથી વેન્ટિલેટર પર સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાય હતી.

સિવિલ હોસ્પિટલમાં મહિલાને મૃત જાહેર કરાઈ
વધુમાં જણાવ્યું હતું કે રેખાને સિવિલ લવાયા બાદ 108નો પાયલોટ ટ્રોમા સેન્ટરમાં ઓક્સિજનવાળું સ્ટ્રેચર લેવા ગયો હતો. ત્યાં સુધી એટલે કે 5-7 મિનિટ સુધી રેખાને 108ની EMTએ CPR આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટ્રેચર ન મળતા પાયલોટ દોડીને બહાર આવ્યો હતો ત્યારબાદ રેખાને 108ના સ્ટ્રેચર પર જ ઓક્સિજન કે વેન્ટિલેટર વગર ટ્રોમાના ICUમાં લઇ જવાય હતી. જ્યાં થોડી જ સેકન્ડમાં ડોક્ટરોએ રેખાને મૃત જાહેર કરી દીધી હતી.

સિવિલ હોસ્પિટલની બેદરકારી પણ સામે આવી.
સિવિલ હોસ્પિટલની બેદરકારી પણ સામે આવી.

પરિવારમાં શોકનો માહોલ છવાયો
વધુમા જણાવ્યું ઓક્સિજનવાળા સ્ટ્રેચરને શોધવામાં સમય નીકળી ગયો અને સ્ટ્રેચર પણ ન મળ્યું ને રેખાને પણ ન બચાવી શક્યા, આ બાબતે વતન જઇ રહેલા માતા-પિતા અને પતિને જાણ કરતા તેઓ અધવચ્ચેથી જ સુરત પરત ફરી રહ્યા છે. દીકરી રેખાની નજીક રહેતા માતા-પિતા એક દિવસ પહેલા જ એટલે કે શુક્રવારે જ વતન મહારાષ્ટ્ર શિફ્ટ થવા માટે ઘરનો બધો જ સામાન લઈ નીકળ્યા હતા. વિવેક છૂટક કામ કાજ સાથે સંકળાયેલો હોવાથી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો.

ખાનગીમાંથી સિવિલ હોસ્પિટલમાં મહિલાને ગંભીર હાલતમાં ખસેડાયા બાદ મોત.
ખાનગીમાંથી સિવિલ હોસ્પિટલમાં મહિલાને ગંભીર હાલતમાં ખસેડાયા બાદ મોત.

સિવિલમાં ઓક્સિજનવાળું સ્ટ્રેચર શોધવામાં વિલંબ થયો
વધુમા જણાવ્યું કે, ટ્રોમા સેન્ટરની પરિચારિકાઓ ઉઘતી ઝડપાય હોવાનું કહી શકાય છે. સિસ્ટરો કહેતી હતી ઇન્ચાર્જ સિસ્ટર સમય પહેલા જ નીકળી ગયા હતા. ઓક્સિજન બોટલ હતા પણ ગેજ મીટર ન હતા. આ બાબતે RMO ડો. કેતન નાયકને જાણ કરાતા તેઓ સચિન હોવા છતાં સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દોડી આવ્યા હતા. આખી ઘટનાની રૂપરેખા જાણી તપાસ કરાશે અને યોગ્ય પગલાં ભરવા રિપોર્ટ કરાશે એવી ખાત્રી આપી હતી.

ગંભીર ઘટના મામલે તપાસ કરવામાં આવશે
સિવિલના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરે કહ્યું, આ ગંભીર મામલે આરએમઓ સાથે વાત કરી તપાસ કરાશે. કસુરવાર સામે પગલા ભરાશે.