સુરત કોર્પોરેશન દ્વારા શહેરની અંદર જર્જરિત ઈમારતમાં રહેતા લોકોને મકાન ખાલી કરી દેવા માટે સતત સૂચના આપવામાં આવી રહી છે. વર્ષોથી કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જર્જરિત મકાન અને ઇમારતોને નોટિસ આપવામાં આવી રહી છે. પરંતુ પોતાના જીવના જોખમે પણ રહીશો તેમાં રહીને રહી રહ્યા છે. ચોમાસા દરમિયાન ધરાશાયી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આજે માનદરવાજા ટેનામેન્ટ અને કતારગામમાં આદિનાથ એપાર્ટમેન્ટ જર્જરિત હોવાથી ઉતારવા ગયેલા અધિકારીઓનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રહિશો ઘર ખાલી કરીને અન્ય સ્થળ પર જવા માટે તૈયાર નથી.
નોટિસ આપી છતાં ઈમારત ખાલી ન કરી
કતારગામ વિસ્તારમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટની ઇમારત જર્જરિત અવસ્થામાં છે. કોર્પોરેશન દ્વારા 2010થી ઈમારતમાં રહેતા લોકોને નોટિસ આપવામાં આવી રહી છે. વારંવાર નોટિસ આપવા છતાં પણ મકાન ખાલી ન કરાતા કોર્પોરેશનના અધિકારીઓ આજે મકાન ખાલી કરાવવા માટે પહોંચ્યા હતા. આદિનાથ એપાર્ટમેન્ટમાં ઘણા લોકો પોતાના મકાન માલિકો છે તો ઘણા ભાડુઆત પણ ત્યાં રહી રહ્યા છે.
પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા પહોંચી
મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે માનદરવાજા ટેનામેન્ટ ખાલી કરવા પહોંચી હતી. જેથી ટેનામેન્ટના રહિશો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક સુવિધા નહીં હોવાથી સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. જ્યારે ટેનામેન્ટ જર્જરિત હોવાથી પાલિકા દ્વારા ટેનામેન્ટ ખાલી કરવામાં આવી રહ્યું છે. પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે કેટલાક મકાનોને સીલ પણ મારી દીધું હતું.
સ્થાનિક લોકોએ હોબાળો મચાવી દીધો
ચોમાસા દરમિયાન ઈમારત ધરાશાયી થવાના ડરે પાલિકા દ્વારા મકાન ખાલી કરાવવા જતાં સ્થાનિક લોકોએ હોબાળો મચાવી દીધો હતો. કોર્પોરેશનના અધિકારીઓ સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અધિકારીઓએ વારંવાર કહેવા છતાં પણ તેમણે પોતાનું મકાન ખાલી ન કર્યું હતું. રહેવાસીઓના કહેવા પ્રમાણે હાલ તેમની પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી તેઓ અન્ય સ્થળો પર જઈ શકે તેમ નથી.
રહિશો ઘર ખાલી કરીને અન્ય સ્થળ પર જવા માટે તૈયાર નથી
રહિશોએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં તેમની પાસે જે રોજગારી હતી તે પણ છીનવાઈ ગઈ છે અને આવકના કોઈ સાધન ન હોવાથી તેઓ ભાડેથી પણ અન્ય કોઈ સ્થળ ઉપર ઘર રાખી શકે તેવી સ્થિતિમાં નથી. હાલ ભલે જીવનું જોખમ હોય પરંતુ તેઓ પોતાનું ઘર ખાલી કરીને અન્ય સ્થળ પર જવા માટે તૈયાર નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.