રક્ષાબંધનની ઉજવણી પૂર્વેથી જ દેશની તમામ બહેનો દેશની સરહદોની રક્ષા કરતા સૈનિકોનો પ્રથમ વિચાર કરતી હોય છે. દર વખતે અલગ અલગ સંસ્થાઓ દ્વારા સૈનિકોને પોસ્ટ મારફતે રાખડીઓ મોકલવામાં આવે છે. પરંતુ આ વખતે એક એનજીઓ સાથે સુરતની 16 બહેનો બોર્ડર ઉપર પહોંચી હતી. સરહદના જવાનોને રક્ષાસૂત્ર બાંધ્યા હતા.
બહાદુર સૈનિકો પ્રત્યેની પોતાની લાગણી દર્શાવી
યુનિવર્સલ ફાઉન્ડેશન તથા અમે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેશની સરહદો ઉપર તહેનાત રહીને સુરક્ષા આપનાર બહાદુર સૈનિકો પ્રત્યેની પોતાની લાગણી દર્શાવવા હેતુથી બોર્ડર ઉપર પહોંચી હતી. ખૂબ ઓછા કિસ્સામાં આ પ્રકારે જોવા મળતું હોય છે. સામાન્ય રીતે પોસ્ટ દ્વારા જ સૈનિકોને રાખડી મોકલી દેવામાં આવતી હોય છે.
સરહદના જવાનોની દીર્ઘ આયુષ્યની કામના કરી
ભારત-પાકિસ્તાન બોર્ડર, સૂઈ ગામ, બનાસકાંઠાની સરહદ ઉપર 230 જેટલા જવાનોને 16 રાષ્ટ્ર સેવિકા બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. રાખડી બાંધતી બહેનોએ પરંપરા મુજબ તમામ સરહદના જવાનોની દીર્ઘ આયુષ્યની કામના કરી હતી. ભારત માતાની રક્ષા કાજે જેટલા પણ જવાનો સરહદ ઉપર ખડે પગે રહીને આપણી સુરક્ષા કરી રહ્યા છે તેમને ઈશ્વર ખૂબ સૌર્ય અને બળ આપે તેવી પ્રાર્થના કરી હતી.
થોડી ક્ષણો માટે સૌ કોઈ ભાવુક થઇ ગયા હતા
પ્રકાશ વેકેરીયા જણાવ્યું કે આ વખતે અમે નક્કી કર્યું હતું કે આપણે છેક સરહદ પર જઈને આપણા સૈનિક ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરીશું. અમે અમારો સંકલ્પ પૂરો કર્યો અને તમામ જવાનોને રાખડી બાંધી મીઠાઇ ખવડાવી એકબીજાને ગળે મળીને શુભેચ્છાઓ આપી હતી. થોડી ક્ષણો માટે અમે સૌ કોઈ ભાવુક થઇ ગયા હતા પરંતુ હિંમતભેર "ભારત માતાકી જય ", "વંદે માતરમ "ના નારા બોલીને તમામ સૈનિકોનો ઉત્સાહ વધારી દીધો હતો. બોર્ડર ઉપરના સિનિયર અધિકારીઓ તેમજ અન્ય વીર જવાનોએ ખૂબ જ સારી રીતે સહકાર આપ્યો હતો અને એમણે પણ પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.