દિવાળીને લઈને બાળકોમાં ઉત્સાહ ખૂબ જ જોવા મળતો હોય છે, પરંતુ ફટાકડા ફોડવાની મોજમસ્તીમાં ક્યારેક જીવનું જોખમ બાળકો ઊભું કરી બેસતાં હોય છે. સુરતના યોગીચોક વિસ્તારની તુલસી દર્શન સોસાયટી બહાર ચોંકાવનારી ઘટના સામે આવતાં માત્ર બાળકોએ નહીં, પરંતુ માતા-પિતાએ પણ સતર્ક થઇ જવાની જરૂર છે. બાળકો ગટરના ઢાંકણ પાસે ફટાકડા ફોડવા માટે ટોળામાં એકત્રિત થયાં હતાં. ત્યાં ફટાકડા ફોડવા જતાંની સાથે જ એકાએક આગ ભભૂકી ઊઠી હતી, જેને કારણે પાંચ બાળક આગની જ્વાળામાં દાઝી ગયાં હતાં. આ આગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોસાયટીની આસપાસ ખોદકામ ચાલુ હતું એ દરમિયાન ગુજરાત ગેસની લાઈન લીક થઈ હતી. એ ગેસ ગટરલાઇનમાં પ્રસરી ગયો હતો, જેને કારણે આ ઘટના બની છે
સોસાયટીના ગેટ પર ફટાકડા ફોડવા જતાં ઘટના બની
યોગીચોક વિસ્તારની તુલસી દર્શન સોસાયટીના ગેટ પાસે બે દિવસ પહેલાં ફટાકડા ફોડવા માટે પાંચ બાળક એકત્રિત થયાં હતાં. સોસાયટીની અંદર બાળકો ટોળું કરીને બેસ્યાં હતાં. ત્યાર બાદ તેમની સોસાયટીની બહારથી પસાર થતી ડ્રેનેજલાઇનનાં ઢાંકણ ઉપર તેઓ એકત્રિત થયાં હતાં. બાળકોએ ફટાકડા ફોડવાનો પ્રયાસ કરતાં આગની જ્વાળાઓ નીકળી હતી અને તેઓ દાઝી ગયાં હતાં.
સીસીટીવી જોઈ લોકો ચોંકી ગયા
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા જોનાર તમામ લોકો ચોંકી ગયા હતા. વિશેષ કરીને જ્યારે પણ બાળકો ફટાકડા ફોડવા માટે જતા હોય છે ત્યારે વડીલો એ તેમની સાથે હાજર રહેવું જોઈએ. જેથી કરીને આ પ્રકારના બનાવો ન બને. બાળકો ઘણી વખત ફટાકડાની મોજ માણવામાં મોટી ભૂલો કરતા હોય છે અને તેના કારણે તેઓ હિંસાનો ભોગ બની જતા હોય છે. માતા-પિતાએ ખાસ કાળજી લેવી જોઈએ કે બાળકો જ્યારે પણ ફટાકડા ફોડે ત્યારે તેની આસપાસ હાજર રહેવું જોઈએ.
ગેસ લાઈન લીકેજ થઈ ગટરમાં પ્રવેશ્યો
યોગીચોક તુલસી દર્શન સોસાયટી વિભાગ-2માં જીયો ટેલિકોમના અંદર ગ્રાઉન્ડ પાઈપલાઈન નાખવાનું કામ ચાલતું હોય કોન્ટ્રાક્ટર ક્રિષ્ના ટેલિકોમ કંપની દ્વારા કામ ચાલતું હતું. તુલસી દર્શન સોસાયટીના શેરી નંબર 7ના ગેટ પાસે મશીન ગુજરાત ગેસ કંપનીના પાઈપમાંથી લાગી જતા ગેસ વરસાદી ગટરના ઢાંકણમાંથી લીકેજ થતા બાજુમાં નાના બાળકો ફટાકડા ફોડતા આગ લાગી હતી. જેમાં પાંચ બાળકો મોઢાના ભાગે સામાન્ય દાઝી ગયેલ જેમને ફાયરની ફાયર એન્જિન પહોંચતા પહેલા નજીકના દવાખાને તેમના સગા સારવાર માટે લઇ ગયા હતા. ફાયર એન્જિન પહોંચતા પહેલા ત્યાંના રહીશોએ આગ બુઝાવી દીધી હતી.
બાળકને વધુ ઈજા નહોતી થઈ
ફાયર ઓફિસર જગદીશ પટેલે જણાવ્યું કે યોગીચોક વિસ્તારની તુલસી દર્શન સોસાયટીની આસપાસ ખોદકામનું કામ ચાલતું હતું. તે દરમિયાન ગેસ લીકેજ જ થયો હતો અને તે ગેસ વરસાદી પાણીનીલાઈનની અંદર પ્રવેશી ગયો હતો. બાળકો ત્યાં ફટાકડા ફોડવા માટે એકઠા થયા હતા પરંતુ તેમને ગેસ લીકેજને ગંધ આવી નહોતી અને તેમણે જેવું સળગાવવાનો પ્રયત્ન કર્યો ફટાકડા અને એકાએક જ ફાયર થઈ ગઈ હતી. સદનસીબે કોઇ પણ બાળકને વધુ ઈજા નહોતી થઈ અમે ગયા તે પહેલાં તો લગભગ ફાયર કાબૂમાં આવી જવા પામી હતી.
થોડા દિવસ પહેલા દિવાળી સફાઈ કરતી મહિલા ત્રીજા માળેથી પટકાઈ હતી
તાજેતરમાં જ દિવાળીની સાફસફાઇ ઘરમાં કરતી મહિલા ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. તહેવારો દરમિયાન ઉજવણી કરતી વખતે અથવા તો કોઈ પણ પ્રકારની કામગીરી કરતી વખતે સાવધાન રહેવાની જરૂર છે. જેથી કરીને આવા કિસ્સાઓ ન બને. દિવાળી દરમિયાન ફટાકડાની મોજ મસ્તીમાં અનેક આગ લાગવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. જે તહેવાર દરમિયાન ઉજવણીમાં થોડી રાખેલી કાળજીથી ટાળી શકાય છે.
દાઝી ગયેલા બાળકોના નામ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.