ચોમાસું આવે છે...:11થી 13 જૂન વચ્ચે દ.ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા, સુરતમાં બે કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકતાં પાણી ભરાયાં

સુરત6 મહિનો પહેલા
સુરતના પુણા વિસ્તારમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયાં.
  • ચાર દિવસ ગાજવીજ, વીજળી ત્રાટકવાના અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી

સાઉથ-વેસ્ટ મોન્સૂન મહારાષ્ટ્રના અલીબાગ પહોંચી ગયું છે અને બે દિવસમાં મુંબઇમાં પ્રવેશશે. ત્યાર બાદ 11થી13 જૂન વચ્ચે સુરત સહિત દ.ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતાઓ સેવવામાં આવી છે. આ સાથે 10મીએ બંગાળ ખાડીની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને આ બે વરસાદી સિસ્ટમથી ચોમાસું બેસવાની શક્યતા છે. દરમિયાન આજે વહેલી સવારે સુરત સિટીમાં બે કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદથી વરાછા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં.

મુંબઈ બાદ ચોમાસાની દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી થશે
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 11થી 13 જૂન દરમિયાન ચોમાસું વિધિવત્ બેસી જાય એવી સંભાવના વર્તાઇ રહી છે. હવામાનશાસ્ત્રી દેવચરણ દુબેએ જણાવ્યું હતું કે સાઉથ-વેસ્ટ મોન્સૂન હાલમાં મહારાષ્ટ્રના અલીબાગ ખાતે પહોંચી ગયું છે. આગામી બે દિવસમાં મુંબઇ તરફ ચોમાસું પહોંચશે અને ત્યાર બાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. 10 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમને કારણે છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ થઇ ગુજરાતમાં વરસાદ થશે. સાઉથ-વેસ્ટ મોન્સૂન અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમથી અરબી સમુદ્ર ઉપર 10 જૂન બાદ દક્ષિણ પશ્ચિમી પવનો વધુ સક્રિય થશે, જેથી 11થી 13 દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આ સમયગાળા દરમ્યાન ચોમાસું ઓનસેટ થવાની શક્યતા પ્રબળ છે.

સુરતમાં ધોધમાર વરસાદથી વરાછામાં પાણી ભરાતાં ટ્રાફિકજામ સર્જાયો હતો.
સુરતમાં ધોધમાર વરસાદથી વરાછામાં પાણી ભરાતાં ટ્રાફિકજામ સર્જાયો હતો.

સુરત શહેરમાં સતત ચોથા દિવસે વરસાદ
સુરત શહેરમાં સતત ચોથા દિવસે વરસાદ નોંધાયો છે. વહેલી સવારે બે કલાકમાં જ 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. 1 ઈંચ વરસાદમાં જ પાણી ભરાવાથી પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. વરસાદને પગલે વરાછાના પુણા અને ગાયત્રીનગરમાં પાણી ભરાઈ ગયાં હતાં. પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગોઠણ સુધીના પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

સુરતમાં પુણાના મેઈન રોડ પર ગોઠણ સુધીનાં પાણી ભરાવાને કારણે વાહનચાલકોને રોંગ સાઈડમાં જવાની ફરજ પડી હતી.
સુરતમાં પુણાના મેઈન રોડ પર ગોઠણ સુધીનાં પાણી ભરાવાને કારણે વાહનચાલકોને રોંગ સાઈડમાં જવાની ફરજ પડી હતી.

ચાર દિવસ વરસાદની આગાહી
ચાર દિવસ સુધી હવામાન વિભાગે ગાજવીજ, વીજળી ત્રાટકવાના અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી કરી છે. આજે સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા- નગરહવેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવ, બીજા દિવસે સુરત, ભરૂચ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગરહવેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દીવ, ત્રીજા દિવસે દમણ, દાદરા-નગરહવેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર દીવ અને ચોથા દિવસે દમણ, દાદરા-નગરહવેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, દીવમાં આ સ્થિતિ જોવા મળી શકે છે.

સુરતના વરાછામાં પાણી ભરાતાં પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી.
સુરતના વરાછામાં પાણી ભરાતાં પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી.

8 કિ.મીની ગતિએ પવનો ફૂંકાઇ રહ્યો છે
સુરતમાં કોઝવેનું લેવલ 5.01 મીટર અને ઉકાઇ ડેમની સપાટી 316 ફૂટ છે. કેનાલમાં 7030 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. શહેરનું મહત્તમ તાપમાન ગઇકાલની સરખામણીમાં 1 ડીગ્રી ઘટી 32 ડીગ્રી થયું છે. સાઉથ-વેસ્ટ દિશાથી 8 કિમીની ગતિએ પવનો ફૂંકાઇ રહ્યા છે. આગામી બે દિવસ છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.

છેલ્લા 24 કલાકમાં 22 તાલુકામાં વરસાદ

તાલુકોવરસાદ (મિમી)
જેસર39
કપરાડા27
તળાજા21
ચોર્યાસી13
ઓલપાડ12
સુરત11