સુરત મ્યુનિ.ના કતારગામ ઝોનમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે આજે પાળાની બાજુના 10 મીટરના રોડ માટેની જગ્યા પરના વર્ષો જૂના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. પશુપાલકો દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી સામે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ પાલિકાએ બંદોબસ્તની મદદથી દબાણ દૂર કરી દીધા હતા. આ જગ્યા પર ફરીથી દબાણ ન થાય તે માટે પાલિકાએ રોડ બનાવવા માટેની કામગીરી શરૂ કરી દીધી હતી.
સુરતના કતારગામ ઝોનમાં ઘણા સમયથી દબાણને લઈને અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે. તાપી નદીના પાળાની બાજુમાં 10 મીટરના રોડ પર વર્ષોથી પશુપાલકોના દબાણ હતા. આ રોડ પર પશુપાલકો દ્વારા તબેલા બનાવવામાં આવ્યા હતા. કતારગામ ઝોનમાં આ વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ આ વિસ્તારમાં અમરોલી તરફ જતા રત્નમાળા વિસ્તારમાં વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
લોકોની ટ્રાફિકની સમસ્યા અંગે સ્થાયી સમિતિના સભ્ય દક્ષેશ માવાણીએ રજૂઆત કરતાં કહ્યું હતું કે, તાપી નદીના પાળાની બાજુમાંથી પાલિકાના રોડ માટેની જગ્યા છે તેના પર વર્ષો જુના દબાણ છે તે દબાણ જો હટાવવામાં આવે તો પાળાને પેરેલલ રોડ નીકળશે અને રત્નમાળા વિસ્તારમાં જે ટ્રાફિકની સમસ્યા છે તે મહદઅંશે ઉકેલ આવી શકે તેમ છે.
એકાદ માસ પહેલા કરવામાં આવેલી આ રજૂઆત બાદ આજે કતારગામ ઝોન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કતારગામ- અમરોલી વચ્ચે તાપી નદીના પાળાની બાજુમાં રોડ છે તેના પર દબાણ છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દબાણ દૂર કરવા માટેની કામગીરી શરૂ કરાતા પશુપાલકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ પાલિકાએ સિક્યુરીટી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ડિમોલિશન કરવા સાથે પાલિકાએ આ જગ્યાએ રોડ બનાવવા માટેની કામગીરી માટે અંદાજ બનાવવા માટે કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.