ગ્રાઉન્ડ રિપોર્ટ:સુરતમાં ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ, પણ પ્રથમ દિવસે ક્લાસરૂમ ખાલીખમ, ત્રણ-ચાર દિવસ બાદ રાબેતા મુજબ થવાની શક્યતા

સુરત16 દિવસ પહેલા
  • રાજ્ય સરકારે જાહેરાત કરી પરંતુ આજે શાળામાં બાળકો ન દેખાયા
  • વિદ્યાર્થીઓને પહેલા દિવસે ઓનલાઈન શિક્ષણ અપાયું

કોરોના સંક્રમણ દરમિયાન સૌથી પહેલા પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લીધો હતો. 20 મહિના બાદ આજથી ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. શાળાના સંચાલકો દ્વારા શાળા શરૂ થવાના નિર્ણયની સાથે વાલીઓનો સંપર્ક કરી સંમતિપત્રક મંગાવવાના શરૂ કર્યા છે. જોકે, આજે વર્ગખંડો ખાલીખમ દેખાયા હતા. ત્રણ-ચાર દિવસ બાદ ધોરણ 1થી 5ના વર્ગો રાબેતા મુજબ શરૂ થશે તેવી શક્યતા છે.

એકાએક ધોરણ 1થી 5ના વર્ગખંડો શરૂ કરવા માટેની જાહેરાત
શિક્ષણમંત્રી દ્વારા એકાએક જ ગઇકાલે વર્ગખંડો શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. મંત્રી દ્વારા ભલે કાલે જાહેરાત કરવામાં આવી પરંતુ ત્રણથી ચાર દિવસના સમય બાદ રાબેતા મુજબ શાળા શરૂ કરવા માટેની તારીખની જાહેરાત કરવી જોઈતી હોવાનું શાળા સંચાલકોએ જણાવ્યું હતું. પ્રાથમિક શાળાના સંચાલકોને પણ શાળા શરૂ થવાની જાહેરાત થશે તેને લઈને કોઈ અંદાજ ન હતો. તેને કારણે આજે જાહેરાત થઇ ગયા બાદ પણ વિદ્યાર્થીઓ શાળામાં હાજર રહી શક્યા ન હતા.

ધોરણ 1થી 5ના ક્લાસરૂમ ખાલી જોવા મળ્યા.
ધોરણ 1થી 5ના ક્લાસરૂમ ખાલી જોવા મળ્યા.

એક સપ્તાહની પછીની તારીખ આપવી જોઈતી હતી
પ્રેસિડેન્સી શાળાના આચાર્ય દિપ્તીબેન એ જણાવ્યું કે સરકારે જાહેરાત કરી ત્યારે તેમણે એક સપ્તાહની પછીની તારીખ આપવી જોઈતી હતી અથવા તો એક સપ્તાહ પહેલાં તેમણે જાહેરાત કરીને આજથી શાળા શરૂ થઈ જશે એ પ્રકારની વાત કરવાની હતી. એકાએક જાહેરાત થયા બાદ અમે લોકો પણ મૂંઝવણમાં છીએ. બાળકોના વાલીઓ સાથે સંપર્ક કરીને શાળા શરૂ થવાને લઈને તેમને માહિતી આપવામાં આવી છે. બાળકો શાળામાં આવે ત્યારે વાલીઓએ અચૂક રીતે સંમતિપત્રક પણ અમને આપે એ પ્રકારની અમે એમને માહિતી આપી છે. વર્ગખંડોની સફાઈથી લઈને શાળાના શિક્ષકોને પણ માનસિક રીતે તૈયાર કરવા માટે અમને થોડો સમય જોઈશે. અમારા મતે ત્રણથી ચાર દિવસ બાદ શાળા રાબેતા મુજબ શરૂ થઈ શકશે.

સ્કૂલ શરૂ પણ વિદ્યાર્થીઓ ન આવ્યા.
સ્કૂલ શરૂ પણ વિદ્યાર્થીઓ ન આવ્યા.

તાત્કાલિક શાળા શરૂ કરવી થોડી મુશ્કેલ
એલ.પી.સવાણી શાળાના આચાર્ય પ્રભાકરે નાગોલાએ જણાવ્યું કે સરકારે ધોરણ 1થી 5ના વર્ગો શરૂઆત કરવાનો જે નિર્ણય લીધો છે તેને અમે સૌ કોઈ શાળા સંચાલકો આવકાર્ય છે. ગઈકાલે જ હજી જાહેરાતો થઇ હોવાથી તાત્કાલિક શાળા શરૂ કરવી અમારા માટે પણ થોડું મુશ્કેલ છે. શાળાના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ માનસિક રીતે શાળામાં આવવા તૈયાર થાય તેના માટે બેથી ત્રણ દિવસ લાગશે. શાળા દ્વારા પણ વિદ્યાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે થોડો સમય જોઈશે. બેથી ત્રણ દિવસમાં જ તમામ વ્યવસ્થા થઈ ગયા બાદ અમને આશા છે કે બાળકો શાળામાં આવવાના શરૂ થશે.

સ્કૂલ શરૂ થયાના પહેલાં દિવસે ઓનલાઈન અભ્યાસ કરાવવા પડ્યો.
સ્કૂલ શરૂ થયાના પહેલાં દિવસે ઓનલાઈન અભ્યાસ કરાવવા પડ્યો.

શિક્ષકોને બે દિવસ સુધી ટ્રેનિંગ આપવાની રહેશે
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રવક્તા દિપક રાજ્યગુરુએ જણાવ્યું કે ભલે શાળા શરૂ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ અમારા માટે થોડો સમય જરૂરી બનશે. શાળાના શિક્ષકોને ઓફલાઈન શિક્ષણ આપવા માટે બે દિવસ સુધી ટ્રેનિંગ આપવાની રહેશે કારણ કે તેઓ ઘણા લાંબા સમયથી ઓનલાઈન એજ્યુકેશન આપતા હતા. બાળકોને જૂની એસઓપી પ્રમાણે જ શાળામાં પ્રવેશ આપવાની સરકારે વાત કરી છે. બાળકોને કયા સમયે બોલાવવા તેમનો ટાઈમ ટેબલ કેવી રીતે સેટ કરવું કે જેથી કોરોના સંક્રમણ ન થાય તેના માટે તકેદારીના તમામ પગલા લેવાના રહેશે. તેના માટે જેતે શાળા સંચાલકો તૈયારી કરશે. આટલા લાંબા વિરામ બાદ શાળા શરૂ થવા જઈ રહી છે અને સરકારે જે નિર્ણય કર્યો છે તે આવકાર્ય છે.