આજે સામાન્ય સભા:પાલિકામાં વિપક્ષના હોબાળાની આશંકાને પગલે ચાંપતો બંદોબસ્ત

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત સભામાં વિપક્ષને બોલવા દેવાયો ન હતો
  • 30 એપ્રિલની સભા બાદ વિપક્ષે સભાગૃહમાં રાત વિતાવી હતી

સુરત મહાનગર પાલિકાની છેલ્લી કેટલીક સામાન્ય સભાઓ વિપક્ષને બોલવા ન દેવાના મુદ્દે ઉગ્ર બની હતી ત્યારે આજે સોમવારે સભામાં વિપક્ષને બોલવા માટે પૂરતો સમય અપાશે કે કેમ? તેના પર સૌ કોઇની મીટ મંડાઇ છે.

ગત ૩૦ એપ્રિલના રોજ મળેલી સામાન્ય સભામાં વિપક્ષના સભ્યોને બોલવા ન દેવાતા ધરણા પર બેસી ગયા હતા. પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર આખીરાત વિપક્ષે સામાન્ય સભા ગૃહમાં વિતાવી હતી. ત્યારબાદ બીજા દિવસે સભાગૃહમાંથી પોલીસ-પાલિકાના માર્શલોએ વિપક્ષના સભ્યોને ટીંગાટોળી કરી સભાગૃહમાંથી બહાર કાઢતા ભારે ધમાલ થઇ હતી.

વિપક્ષની મહિલા નગરસેવિકાના કપડા ફાડવા સાથે વિરોધપક્ષ એક નગરસેવકનું ગળુ દબાવવાની કોશિશ કરાતા ભારે હોબાળો થયો હતો. 30મી એપ્રિલની આ સભા બાદ આવતીકાલે સામાન્ય સભા મળવા જઇ રહી છે.

સોમવારે પાલિકામાં સામાન્ય સભા છે અને સાથે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઅરવિંદ કેજરીવાલ ગુજરાતમાં મહેસાણા ખાતે યોજાઇ રહેલી ત્રિરંગા યાત્રામાં જોડાવવા માટે આવી રહ્યા છે. આ સ્થિતિમાં સોમવારે મહાનગર પાલિકામાં યોજાનારી સામાન્ય સભાને લઇ વિપક્ષના સભ્યોમાં કચવાટનો માહોલ છે.

ચીફ સિક્યુરિટી ઓફિસરને નોટિસ અપાઇ હતી
ગત સામાન્ય સભામાં ધમાલ થતાં આ વખતે પાલિકામાં કડક પોલીસ બંદોબસ્ત સાથે એસઆરપી માર્શલોની સિક્યુિરીટી તૈનાત રખાશે. કારણ કે ગત સામાન્ય સભામાં હોબાળો થતા પાલિકાના ચીફ સિક્યુરીટી ઓફિસરને નોટીસ ફટકારી ખુલાસો પૂછવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...