સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી નકલી શેમ્પૂની ફેક્ટરી ઝડપાઈ હતી. હેર એન્ડ શોલ્ડર્સ નામનો ઉપયોગ કરી ડુપ્લીકેટ શેમ્પુ બનાવી વેચાણ કરતા ત્રણ ઈસમોને ઉતરાણ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 7 લાખથી વધુના નકલી શેમ્પૂ અને ખાલી બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડુપ્લીકેટ શેમ્પૂનો વેપાર ઝડપાયો
સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી અસલી શેમ્પૂની બોટલમાં ડુપ્લીકેટ શેમ્પૂ ભરીને વેચાણ કરાતો હોવાનો વેપલો સામે આવ્યો છે. સુરતના અમરોલી ઉત્રાણ વિસ્તારમાં વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં શેમ્પૂની ફેક્ટરી ચાલી રહી હતી. આ ફેક્ટરીમાં અસલી શેમ્પૂની બોટલમાં નકલી શેમ્પૂ ભરવાનો ખેલ ચાલી રહ્યો હતો. વેપારીઓ દ્વારા વધુ નફાની લાલચમાં બ્રાન્ડેડ કંપની હેડ એન્ડ શોલ્ડર્સના ડુપ્લીકેટ શેમ્પૂ વેચવામાં આવતા હતા. હેડ એન્ડ શોલ્ડર્સ નામના સ્ટીકરો લગાવી શેમ્પૂનું વેચાણ શરૂ કર્યું હતું.
હેર એન્ડ શોલ્ડર્સ કંપનીએ ફરિયાદ કરતા પોલીસે રેડ કરી
સુરતમાં શેમ્પૂની ત્રણ જેટલા વેપારીઓ સાથે મળી અમરોલીમાં નકલી હેર એન્ડ શોલ્ડર્સ શેમ્પૂ તૈયાર કરી ઉત્રાણ વી આઈ પી સર્કલ પાસે આવેલા શ્રી નાથજી આઇકોનમાં આવેલી જી 6 નંબરની દુકાનમાં વેચાણ શરૂ કર્યું હતું. જે અંગેની હેર એન્ડ શોલ્ડર્સ કંપનીને જાણ થઈ હતી. જેને લઇ કંપનીના કર્મચારી દ્વારા તપાસ કરી આ અંગે પોલીસને જાણ કરી હતી. જેથી ઉત્રાણ પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જગ્યા પર જઈ રેડ કરવામાં આવી હતી.
પોલીસે 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે રેડ કરતા હેર એન્ડ શોલ્ડર્સ કંપનીની મોટી માત્રામાં ડુપ્લીકેટ શેમ્પૂની બોટલ મળી આવી હતી. પોલીસને શેમ્પૂની ભરેલી અને ખાલી બોટલો,શેમ્પૂ ભરેલા બેરલ તેમજ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
પોલીસે ત્રણ વેપારીની કરી ધરપકડ
પોલીસે રેડ કરતા આખી ડુપ્લીકેટ શેમ્પૂની ફેક્ટરી મળી આવી હતી. જેને આધારે પોલીસે ડુપ્લીકેટ શેમ્પૂનો વેપાર કરનાર ત્રણ આરોપી જેમિલ ભરોળિયા, હાર્દિક ભરોળિયા અને નિકુંજ નામના ત્રણ વેપારીની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી કુલ 7 લાખ 35 હજારની મત્તા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.