હિંમતભેર સામનો:સુરતમાં ચેઈન સ્નેચિંગ કરતા ત્રણ ઈસમોને મહિલાએ પરચો બતાવ્યો, એકને ઝડપી પાડ્યો, બે ફરાર, ઘટના CCTVમાં કેદ

સુરત8 મહિનો પહેલા
મહિલાની એકલતાનો લાભ લઈ સ્નેચરોએ ચેઈન ઝૂંટવવા પ્રયાસ કર્યો હતો.
  • મહિલાએ બાઈક પર ભાગતા સ્નેચરોને ધક્કો મારી નીચે પાડી દીધા હતા

સુરતના વેસુ વિસ્તારમાં પોદાર રેસીડેન્સી પાસેથી એક મહિલા પસાર થઇ રહી હતી. એકલી પસાર થતી મહિલાને જોઈને ૩ ચેઈન સ્નેચિંગ કરનારા ઈસમો તેના ઉપર નજર રાખીને બેઠાં હતા. મહિલા રસ્તામાંથી પસાર થતી વખતે આસપાસ અન્ય કોઇ રાહદારી કે વ્યક્તિ ઊભો ન દેખાતા લાભ લેવાનો પ્રયાસ કર્યો હતો. પસાર થતી મહિલાની આગળ ઊભા રહીને ગળામાં ચેઈન ઝૂંટવી લેવાનો પ્રયાસ કરતાં મહિલાએ હિંમતભેર સામનો કર્યો હતો. જેથી એક ઈસમ ઝડપાઈ ગયો હતો. જ્યારે અન્ય બે ભાગી જવામાં સફળ થયા હતા.ચેઈન સ્નેચિંગની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

મહિલાએ હિંમત કરી એક સ્નેચરને ઝડપી પાડ્યો.
મહિલાએ હિંમત કરી એક સ્નેચરને ઝડપી પાડ્યો.

મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસની લોકો દોડી આવ્યા
૩ ચેઈન સ્નેચિંગ કરનારા ઈસમો બાઈક ઉપર આવીને મહિલાના ગળામાંથી ચેન ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ કરતાં મહિલાએ બાઈક પર ભાગતા ઇસમોને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને બૂમાબૂમ કરી નાખી હતી.મહિલાનો અવાજ સાંભળતાં આસપાસની રેસિડેન્સીના સિક્યુરિટી ગાર્ડ દોડી આવીને સ્થિતિ જોઈને ચેઈન સ્નેચિંગ કરવા આવેલા ઈસમોને પકડવા દોટ મૂકી હતી. ત્રણ ઈસમો પૈકી પોતાનો બચાવ કરવા માટે તેમણે મહિલાને ચપ્પુ બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાએ હિંમત ભેર ત્રણેય ચેઈન સ્નેચરનો સામનો કર્યો હતો.

એક સ્નેચરને ઝડપી પાડ્યો હતો.
એક સ્નેચરને ઝડપી પાડ્યો હતો.

ઝડપાયેલા એક સ્નેચરને પોલીસને હવાલે કરાયો
ચેઈન સ્નેચિંગની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મહિલાએ સ્નેચરને નીચે પાડી દીધા બાદ તેમણે જુસ્સો બતાવ્યો હતો. આજુબાજુના સિક્યુરિટી ગાર્ડ પણ દોડી આવતા આખરે બે ચેઈન સ્નેચર ભાગવામાં સફળ થયા હતા અને એક ચેન સ્નેચર લોકોના હાથે ઝડપાઇ ગયો હતો. જેને તેમણે પોલીસના હવાલે કર્યો હતો.

ઘટના જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા.
ઘટના જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા.

ચેઈન સ્નેચિંગ થતા મહિલાએ અટકાવી
સુરતમાં પોશ વિસ્તાર ગણાતા વેસુમાં આ પ્રકારની ઘટનાને લઇને લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વિશેષ કારણે સ્નેચરો મહિલાઓને ટાર્ગેટ કરતા હોય છે જેથી કરીને તેઓ સરળતાથી ચેઈન ઝૂંટવીને ભાગી શકે પરંતુ આ મહિલાએ તેમનો હિંમતભેર સામનો કરીને ચેઈન સ્નેચિંગ થતા અટકાવી છે. પરંતુ પોલીસ દ્વારા સતત પોશ વિસ્તારમાં પેટ્રોલિંગ કરાવવું જરૂરી છે. જેથી શહેરમાં અન્ય મહિલાઓ આ પ્રકારે ચેન સ્નેચિંગનો ભોગ ન બને.