સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્મનંદન ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી છે. SAFU (સ્ટેટ એન્ટી ફ્રોડ યુનીટ) અને OICL (ઓરીએન્ટલ ઇન્સયોરન્સ કંપની લીમીટેડ)ની ટીમ દ્વારા હોસ્પિટલોની મુલાકાતમાં ખૂબ જ ગંભીર ગેરરીતિઓ જણાઈ આવી હતી.યોજના અંતર્ગત હાલ પાંચ લાખ સુધીની સારવાર સંપૂર્ણપણે નિ:શુલ્ક મળવાપાત્ર છે છતાં દર્દીઓ પાસે ખુલ્લેઆમ પૈસા ઉઘરાવવામાં આવી રહ્યાં હતા.
ગંભીર ગેરરીતિ સામે આવી
આયુષ્માન ભારત “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના સરકારની ફ્લેગશિપ સ્કીમ હોઈ યોજના અંતર્ગત લાભાર્થીઓ માત્ર સરકારી જ નહિ પરંતુ સંલગ્ન ખાનગી હોસ્પિટલોમાં પણ લાભ મેળવી શકે છે.આયુષ્માન કાર્ડ હેઠળ પાંચ લાખ સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે. 09.01.2023ના રોજ “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU) અને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ OICLની ટીમ દ્વારા સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્મ નંદન ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં હોસ્પિટલોમાં ખૂબ જ ગંભીર ગેરરીતિઓ જણાતા હોસ્પિટલોને કારણદર્શક નોટીસ આપી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવી.
મફત સારવારનો ઈન્કાર કરાયો હતો
PMJAY –MA યોજના હેઠળ પાંચ લાખ સુધીની નિયત કરેલ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે તેમ છતા નિલકંઠ હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડ ધરાવતાં અકસ્માત અને ફ્રેકચર થયેલ દર્દીઓને યોજનામાં મફત સારવાર આપવાનો ઇન્કાર કરી રોકડા ભરી સારવાર કરાવવાની ફરજ પાડવામાં આવી હતી. ધર્મ નંદન ઓર્થોપેડિક હોસ્પિટલમાં દર્દીઓ માટેની અલાયદી લિફ્ટનો અભાવ હોઇ કોમ્પ્લેક્સની કોમન લિફ્ટ વપરાતી , નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ યોજનાના ધારા-ધોરણ મુજબ ન હતો તથા SAFU (સ્ટેટ એન્ટી ફ્રોડ યુનીટ) અને OICL (ઓરીએન્ટલ ઇન્સયોરન્સ કંપની લીમીટેડ)ની વિજિલન્સ ટીમની રૂબરૂમાં હોસ્પિટલ દ્વારા યોજનામાં મફત સારવાર આપવાનો ઇન્કાર કરી રોકડા આપી સારવાર કરાવવાની ફરજ પાડી હતી.
રોકડા રૂપિયા લેવાતા હતા
પરમ હોસ્પિટલમાં દર્દીઓ પાસે ઘૂંટણના રિપ્લેસમેન્ટની રિવિઝન સારવાર માટે પણ યોજનામાં અંતર્ગત મફત સારવાર મળવાપાત્ર હોવા છતાં રોકડા નાણાં લેવામાં આવી રહ્યા હતા. તથા આયુષ્માન મિત્રને માત્ર ઘૂંટણના રિપ્લેસમેન્ટ અને થાપાના રિપ્લેસમેન્ટ વિષે જ માહિતી હતી અને અન્ય તમામ ઓર્થોપેડિક (હાડકાંને લગત) સારવાર વિષે કોઈપણ જાણકારી જ ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.