તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિપોર્ટ:સુરતમાં ત્રણ દિવસ બાદ વેક્સિનેશન શરૂ થતાં લોકોની ટોકન લેવા પડાપડી,સિનિયર સિટીઝનોને હાલાકી ભોગવવી પડી​​​​​​​

સુરતએક મહિનો પહેલા
બે દિવસ બાદ વેક્સિનેશન શરૂ થતાં લાંબા લાઈનો સેન્ટર પર લાગી ગઈ હતી.
  • પાલ, અડાજણ વિસ્તારના વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લેતા લોકોએ કહ્યું, આજે પણ વેક્સિન ન મળતા હેરાનગતિ વધી

સુરતમાં આજે ત્રણ દિવસ બાદ વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો રસી લેવા માટે વિવિધ વેક્સિન સેન્ટરો ઉપર ઉમટી પડ્યાં હતાં.મોટાભાગના વેક્સિન સેન્ટરો પર લોકો ધક્કામુક્કી કરતાં જોવા મળ્યાં હતાં.સાથે જ સિનિયર સિટીઝનોને પણ ટોકન મેળવવામાં હાલાકી પડી હતી. છતાં પણ ઘણા કિસ્સાઓમાં લોકોને ટોકન ન મળતા તેઓ વિલા મોઢે પરત ફર્યા હતાં. સવારે 7 વાગ્યાંમાં વેક્સિનેશન સેન્ટર ઉપર લોકો ઊભા રહ્યાં હતાં.આજે વેક્સિનના ડોઝ અંદાજે 13 હજાર સુધી લોકોને મળે તેવી શક્યતા છે.

લાઈનમાં લોકોને રાખ્યા બાદ ટોકન આપ્યા બાદ પણ સમયસર વેક્સિન ન અપાતી હોવાની રાવ ઉઠી છે.
લાઈનમાં લોકોને રાખ્યા બાદ ટોકન આપ્યા બાદ પણ સમયસર વેક્સિન ન અપાતી હોવાની રાવ ઉઠી છે.

બે દિવસ બાદ રસી આપવાનું શરૂ
સુરત શહેરમાં કુલ 105 રસી કેન્દ્ર ઉપર રસી મૂકવાની કામગીરી કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કે રાજ્ય સરકાર દ્વારા સરેરાશ 35 હજારથી 45 હજાર જેટલી રસીઓ મોકલવામાં આવતી હતી. પરંતુ એકાએક હવે તેમાં નોંધનીય રીતે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી વેક્સિનની પ્રક્રિયા બંધ રહ્યા બાદ આજે ફરી એકવાર સવારમાં વેક્સિન લેવા માટે લોકો પહોંચ્યાં હતાં.

વેક્સિન ન મળતી હોવાથી લોકો અને આરોગ્યકર્મીઓ વચ્ચે ચકમકના દ્રશ્યો પણ સર્જાય છે.
વેક્સિન ન મળતી હોવાથી લોકો અને આરોગ્યકર્મીઓ વચ્ચે ચકમકના દ્રશ્યો પણ સર્જાય છે.

વેક્સિનના ડોઝમાં ઘટાડો
એક તરફ સરકાર વેક્સિન લેવા માટે અભિયાન શરૂ કરે છે, તો બીજી તરફ શહેરમાં રસીકરણ કેન્દ્રમાં પણ ઘટાડો થયો છે, અને જે વેક્સિનના ડોઝ મળતા હતા, તેમાં પણ નોંધનીય રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે.તેના કારણે રસીકરણ કેન્દ્રો ઉપર 7:00 થી 8:00 સુધીમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે. ઘણી વખત તો સ્થિતિ બેકાબુ થતી જોવા મળી રહી છે. તેના કારણે રસીકરણ કેન્દ્ર સ્ટાફ અને લોકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ સામે આવે છે. ટોકન આપ્યા બાદ પણ રસી આપવામાં આવતી નથી.

નોકરી ધંધે જનારા યુવકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે.
નોકરી ધંધે જનારા યુવકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે.

સિનિયર સિટીઝનોને ટોકન મળતા નથી
વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા આવેલા કિરણ વર્માએ જણાવ્યું કે, હું જ્યારે રસી મુકવા આવ્યો ત્યારે સવારમાં મારા કરતા પહેલા 50થી વધુ લોકો અહીં ઉભા હતાં. ત્યારબાદ સતત ધસારો વધતો ગયો હતો. અમને ટોકન લેતી વખતે પણ ખૂબ મુશ્કેલી પડે વિશેષ કરીને સિનિયર સિટીઝનોને ટોકન મળી શકતું નથી. કારણ કે, ધક્કામુક્કી બહુ થાય છે અને જેના હાથમાં ટોકન આવે તે છીનવી લેતાં હોય છે. મને લગભગ ત્રણ કલાક બાદ વેક્સિન મળી છે.

ટોકન પ્રમાણે રસી ન અપાતી હોવાની પણ ફરિયાદો લોકો કરી રહ્યાં છે.
ટોકન પ્રમાણે રસી ન અપાતી હોવાની પણ ફરિયાદો લોકો કરી રહ્યાં છે.

ટોકન પ્રમાણે વેક્સિન અપાતી નથી
જીતુ શાહુએ જણાવ્યું કે, હું કંપનીમાં કામ કરૂં છું અને ત્યાં વેક્સિન લઈને આવવા માટે કહેવામાં આવ્યું છે. આજે સવારે સાત વાગ્યે હું આવી ગયો હતો અને ટોકન ઝડપી લીધું હતું. અહિં સ્થિતિ એટલી ખરાબ થાય છે કે, વહેલું ટોકન પણ હાથમાં આવતું નથી. ત્યારબાદ ટોકનમાં જે નંબર આપવામાં આવતા હોય છે. તે નંબર પ્રમાણે પણ વેક્સિન અપાતી નથી. મારી પાસે જ ટોકન હતું તે 100 નંબરનું હતું પરંતુ મારા કરતા પહેલા અન્ય લોકો વેક્સિન મૂકાવીને જતા રહ્યાં હતાં.