મુશ્કેલી:આધાર અપડેટ ન થતા હજારો વિદ્યાર્થીઓ એકેડેમિક બેંક ક્રેડિટનાં ફોર્મ ભરી ન શક્યા

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આધારકાર્ડ અપડેટ કરીને પણ નવો મેળવવા મહિનો લાગી જતાં મુશ્કેલી

10 વર્ષ જૂના આધારકાર્ડને અપડેટ કરવા સરકાર કહી રહી છે તો બીજી તરફ આ પ્રક્રિયા એટલી ધીમી છે જેના કારણે હજારો વિદ્યાર્થીઓ એકેડેમિક બેંક ક્રેડિટ સિસ્ટમ હેઠળ ફોર્મ ભરી શકતા નથી. આધાર કાર્ડ અપડેટ કરાવવા જનારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી જગ્યાએ સર્વર કે અન્ય કારણોસર આધાર કાર્ડ અપડેટ કરવાની ઓનલાઇન પ્રક્રિયામાં પણ લાંબો સમય આપવો પડે છે. જો કે, ઓનલાઇન સુધારા બાદ પણ લોકોને નવા કાર્ડ માટે લાંબો સમય રાહ જોવી પડે છે. તંત્ર ટેકનિકલ કારણો બતાવીને હાથ ઊંચા કરી દે છે.

ત્યારે ઘણા વિદ્યાર્થીઓના કેરિયર સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. નવી પદ્ધતિ મુજબ યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ અપડેટ કરેલો હોવો ફરજિયાત છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓ કાર્ડ અપડેટ કરાવવા જાય છે તો અપડેટેડ આધાર કાર્ડ મળવામાં 20 મહિના સુધીનો સમય લાગી જાય તેવું કહેવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓ એકેડેમિક બેંક ક્રેડિટ સિસ્ટમ હેઠળ ફોર્મ ભરી શકતા નથી.

70થી વધુ કિટ હજી જમા જ કરાવાઈ નથી
10 વર્ષ જુના આધારકાર્ડ અપડેટ કરવા માટે તમામ ઝોનના સેન્ટરો પર કામગીરી ચાલી રહી છે તેમજ ઝડપી કામગીરી થાય માટે નવી 60 કીટ માટે પાલિકાએ 1.15 કરોડનું ટેન્ડર જારી કર્યું છે, પરંતુ જે જુની 70 કીટ હજુ સુધી જમા જ નથી કરાવાઈ. આ કીટ ક્યાં પગ કરી ગઈ તેનો કોઈ હિસાબ નથી, તેથી જુની હોય બગડેલી કે તૂટેલી કીટો પણ જમા કરાવવા માટે ઇલેકશન એન્ડ સેશન્સ અધિકારીએ તમામ ઝોનના સેન્ટરોને સૂચના આપી છે.

એક કલાક બેસવું પડ્યું
યુનિવર્સિટી આધારકાર્ડ અપડેટ કરવાનું કહે છે. અમે કાર્ડ અપડેટ કરાવવા ગયા તો સર્વર ધીમું હતું. ઓનલાઇન સુધારા માટે 1 કલાક સુધી બેસવું પડ્યું હતું. અનિલ ગામીત, વિદ્યાર્થી

આધાર આવતા વાર લાગશે
આધારકાર્ડ અપડેટ કરવાની કામગીરી ઓનલાઇન કરી છે. જોકે, આધારકાર્ડ અપડેટ થઇને આવતા હજુ 20થી 30 દિવસ લાગશે એવું કેન્દ્ર પરથી કહેવામાં આવ્યું છે. > રાજુ પટેલ, વિદ્યાર્થી

અન્ય સમાચારો પણ છે...