પાલિકાનો ઇ-બસ પ્લાન ફેલ:હજારો યાત્રીઓને લટકતા મુસાફરી કરવી પડશે, ઓર્ડર 300નો મળી માત્ર 177 બસ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇ બસમાં વપરાતા સેમી કન્ડક્ટર-બેટરીની અછત, ચાઇનામાં કોરોના-લોકડાઉનને કારણે પૂરતી ઇ-બસ ન મળી
  • હવે શું : મહાનગર પાલિકા ડિઝલ બસ ખરીદતી નથી એટલે 2025 સુધી આ સંકટ રહેશે એટલે કે 3 વર્ષ લટકતા જવું પડશે

શહેરમાં ગ્લોબલ સંકટમાં BRTS ફસાઈ છે, 2022 સુધીમાં 300 ઇ-બસ દોડાવવાનો પ્લાન હતો, પણ હજુ સુધી માત્ર 177 બસ જ મળી છે. જેનાથી 10.76 લાખ મુસાફરો હેરાન થઈ રહ્યા છે. જેની પાછળનું કારણ જાણવા મળ્યું છે કે બધા શહેરોને ઇ બસ જોઇએ અને તેવા સમયે સેમી કન્ડક્ટર-બેટરીની અછત સર્જાઇ છે. જેનાથી લટકીને મુસાફરી કરવાની નોબત આવી છે.

સુરત પાલિકા દ્વારા વર્ષ 2025 સુધીમાં 4 ફેઝમાં કુલ 600 ઇલેકટ્રીક બસ દોડાવવાનું આયોજન છે. જો કે, 600 પૈકી બે ફેઝમાં 300 ઇ-બસના વર્ક ઓર્ડર અપાઇ ગયા છતાં ગ્લોબલ લેવલે બેટરીની અછત સર્જાતાં 3 વર્ષમાં માત્ર 144 ઇલેકટ્રીક બસ જ મળી શકી છે. નવી 600 ઇલેકટ્રીક બસો ક્રમશ: આવતા હજુ 3 વર્ષનો સમય નિકળી શકે છે. પ્રથમ ફેઝમાં વર્ષ 2019 ડિસેમ્બરમાં 150 ઇ-બસનો ઓર્ડર આપ્યો હતો. 12 મહિનામાં બસની ડિલિવરી કરવાની હતી. પરંતુ 36 મહિને પાલિકાને 150 પૈકી 119 જ બસ મળી છે. બીજા ફેઝમાં ડિસેમ્બર 2021માં 150 બસનો વર્ક ઓર્ડર આપ્યો હતો. જેમાં માત્ર 25 બસ આવી છે.

2026 સુધીમાં શહેરના રોડ પર તમામ ઇલેકટ્રીક બસ દોડશે
2025 સુધીમાં 600 ઇ-બસ દોડાવવાનું આયોજન છે. 10 વર્ષનો બસનો ઓપરેશન અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ કોન્ટ્રાક્ટ 2025 ડિસેમ્બરમાં પૂર્ણ થશે. હાલમાં સુરત સિટીલિંકનો દૈનિક 2.20 લાખ અને વર્ષે અંદાજે 70 લાખ જેટલા લોકો ઉપયોગ કરી રહ્યાં છે. શહેરમાં બીઆરટીએસ, સિટી બસ અને ઇ બસ મળી કુલ 830 બસ દોડી રહી છે. વર્ષે 15.48 લાખ મુસાફરો ઇ બસનો ઉપયોગ જ્યારે ઇ બસ પુરતી માત્રામાં દોડતી ન હોવાથી 10.76 લાખ મુસાફરો હેરાન થઈ રહ્યા છે.

બસની ડિલિવરી મોડું થવાનું શું છે કારણ?
ગ્લોબલ લેવલે ઇ બસમાં વપરાતી બેટરીની અછત સર્જાઇ છે. બસમાં વપરાતી બેટરીનું ઉત્પાદન ચાઈનામાં થાય છે.ચાઈનામાં કોરોના અને લોકડાઉનના લીધે બેટરી ઉત્પાદન તેમજ સપ્લાયને અસર થઇ હતી. ગ્લોબલ લેવલે ઇ બસની ડિલીવરીમાં લાંબો સમય નિકળી રહ્યો છે.

2019નો ઓર્ડર આ સપ્તાહે પૂર્ણ થઈ જશે
વર્ષ 2019માં 150 ઇ બસનો ઓર્ડર આ અઠવાડિયામાં પૂર્ણ થઇ જશે. હાલ સુધી 143 બસ આવી ચૂકી છે. 7 બસ એક-બે દિવસમાં આવી જશે અને અઠવાડિયામાં શહેરના માર્ગો પર દોડતી થશે. જ્યારે વર્ષ 2019માં બીજી 150 ઇ-બસના ઓર્ડર પૈકી 27 બસ આવી છે. બીજી 2 બસ આ મહિને મળવાની સંભાવના છે. > માનસંગ ચૌધરી, કાર્યપાલક ઇજનેર

અન્ય સમાચારો પણ છે...