અવધ યુટોપિયા ક્લબે શનિવારે માત્ર મેમ્બરો માટે સિંગર અરિજીત સિંઘનો કાર્યક્રમ યોજ્યો હતો. જો કે, અવ્યવસ્થાને કારણે 8 લાખ સુધીની મેમ્બરશિપ ખરીદનારાએ સ્થાપકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. VVIP માટે 600 સોફા હતા, જ્યારે મેમ્બરોને પાછળ ખુરશીમાં બેસાડાયા હતા. ક્લબના અંદાજે 7 હજાર મેમ્બરો સામે 40 હજારથી વધારે એન્ટ્રી હતી.
અમુકને તો એન્ટ્રી જ ન મળતા સપરિવાર પરત થયા હતા. 1 હજારથી વધુ સભ્યોએ વોટ્સએપમાં અવધ પ્રોટેસ્ટ ક્લબ ગ્રુપ બનાવ્યું છે. આવા વિવધ ગ્રુપ મળીને અંદાજે 3 હજાર સભ્યો ક્લબની સામે પડ્યા છે. આગામી સમયમાં હવે ક્લબ સામે લડવા સભ્યો રણનીતિ બનાવશે.
મેમ્બરોએ કહ્યું... શો માત્ર અમારા માટે જ હતો છતાં એન્ટ્રી ન મળી, VVIPઓ માટે સોફા ને અમારા માટે પ્લાસ્ટિકની ખુરશી હતી
સભ્યો કહે છે કે, ‘મેમ્બરશિપ વેચતી વખતે વચન અપાયું હતું કે, શેર સર્ટિફિકેટ અપાશે. જે હજી સુધી અપાયા નથી. હાલ કમિટી બનાવી છે. જો અમારી ડિમાન્ડ પુરી ન થાય તો અમે લીગલ રીતે લડવાનું વિચારી રહ્યા છીએ. મેમ્બરો સાથે મિટિંગ કર્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.’
વડિલો અને બાળકોને થઈ મુશ્કેલી
કાર્યક્રમમાં 40 હજારથી વધારે લોકોએ એન્ટ્રી મેળવી હતી. રોડ 2 કલાક જામ રહ્યો હતો. ક્લબના મેમ્બરો માટે જ કાર્યક્રમ હોવાથી લોકો બાળકો અને વડિલોને લઈને પણ આવ્યા હતાં. પરંતુ સ્થળ પર અફરાતફરી હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક મેમ્બરે કહ્યું કે, એક બાળકના હાથમાં ફ્રેક્ચર પણ થઈ ગયું હતું.
શો મેમ્બરો માટે જ હતો તો એન્ટ્રી શા માટે ન મળી શકી?
ફેમિલી સાથે કાર્યક્રમમાં ગયો હતો, પરંતુ મને જગ્યા મળી ન હતી એટલા માટે અમે ઘરે પરત જતા રહ્યા હતાં. જો કાર્યક્રમ માત્ર ક્લબ મેમ્બરો માટે જ હતો તો શા માટે મેમ્બરોને એન્ટ્રી કેમ ન મળી. > ડો. પ્રશાંત કારિયા, ક્લબના સભ્ય
ઘણા મેમ્બરોએ તો નીચે બેસી જોવાનો વારો આવ્યો હતો
શા માટે મેમ્બરોને પાછળ બેસાડાયા. અવ્યવસ્થા એટલી હતી કે, અમુક મેમ્બરોને તો નીચે બેસવાનો વારો આવ્યો હતો. આગળની લાઈનમાં સોફા પર અન્ય લોકોને બેસાડાયા હતા. > દિપાન્કર દત્તા, ક્લબના સભ્ય
ધંધો જ કરવો હતો તો સભ્યો માટે જ છે એવું કેમ કહ્યું હતું
8 લાખ ચૂકવીને મેમ્બરશિપ લીધી છે. કાર્યક્રમમાં 40 હજાર લોકો હતા. મેમ્બર તો 7 હજાર જ છે તો આટલા લોકો આવ્યા ક્યાંથી? ધંધો કરવો હતો તો માત્ર ક્લબ મેમ્બર માટે જ છે એવું કેમ કહ્યું? > એડમિન, પ્રોટેસ્ટ ક્લબ
આટલી મોટી ઈવેન્ટ હોય ત્યારે થોડી મુશ્કેલીની સંભાવના રહેતી જ હોય છે, પરંતુ મેમ્બરોનો જ ખુબ ઉત્સાહ હતો. જે વાતો થઈ રહી છે તે ખોટી છે.’ > ભરત ઉંધાડ, ઓનર, અવધ યુટોપિયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.