DB ઈન્ટરવ્યુ:ત્રીજી લહેરમાં બાળકો ઝપેટમાં આવ્યા, તાવ અને ગળાના દુખાવાની તકલીફો સાથે આવતા 50 ટકા બાળકો કોરોના સંક્રમિત

સુરતએક વર્ષ પહેલાલેખક: દેવેન ચિત્તે
  • કૉપી લિંક
  • સ્કૂલમાં એક બાળક વર્ગખંડના અન્ય બાળકોને ખૂબ જ ઝડપથી સંક્રમિત કરી શકે
  • બાળકો ઘરમાં રહેતો સંક્રમિત ઓછા થાય અને અન્ય લોકોને પણ સંક્રમિત ઓછા કરી શકે

કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધુ નાના બાળકો સંક્રમિત થતા હોવાનું સામે આવ્યું છે. સુરતના બાળરોગ નિષ્ણાત ડૉ. આશિષ ગોટીએ કહ્યું કે, હાલ તાવ અને ગળાના દુખાવા સહિતની તકલીફો સાથે આવતા બાળકો પૈકીના 50% બાળકો સંક્રમિત હોવાનું તારણ છે. કોરોનાની અંદર જે રીતે બાળકોના પોઝિટિવની સંખ્યા વધી રહી છે તેને જોતા હવે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. આ બાબતે સુરતના જાણીતા બાળરોગ નિષ્ણાત ડોક્ટર આશિષ ગોટી સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી.

હાલની સ્થિતિ જોતા બાળકોની પોઝિટિવની સંખ્યામાં કેટલો વધારો થયો છે અને કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે?
ડૉ. આશિષ ગોટી:
છેલ્લા દસ-બાર દિવસથી બાળકો ખૂબ જ મોટા પ્રમાણમાં સંક્રમિત થતાં હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વ્યક્તિગત રીતે મારું એવું માનવું છે કે હું જે રીતે બાળકોને તપાસી રહ્યો છું તે જોતાં 50 ટકા જેટલા બાળકો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળી રહ્યું છે. રોજના પહેલાં 30થી 40 જેટલા બાળકો અલગ-અલગ ફરિયાદ લઈને આવતા હતા. અત્યારે લગભગ 70 જેટલા બાળકો રોજ આવી રહ્યા છે. જે પૈકી નાક અને ગળાના ઇન્ફેક્શનના કેસો વધુ આવી રહ્યા છે જે કોરોનાના લક્ષણ પૈકીના છે.

બાળકોમાં અત્યારે સૌથી વધુ કયા લક્ષણો જોવા મળી રહ્યા છે?
ડૉ. આશિષ ગોટી:
સામાન્ય રીતે અત્યારે પણ બાળકોની અંદર તાવ, શરીર દુખવું, શરદી, ખાંસી, નાકમાંથી પાણી ગળવું, થોડા મોટા બાળકોની અંદર માથાનો દુખાવો તેમજ તાવ સહિતના લક્ષણો જોવા મળી રહ્યા છે. જોકે આ વખતે બાળકોમાં ફેફસાંનું ઇન્ફેક્શન ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે. જેથી કરીને કોઈ પણ બાળક વધુ પડતું સિરિયસ થતું નથી અને વેન્ટિલેટર કે ઓક્સિજનની જરૂરિયાત પણ અત્યાર સુધી ખૂબ જ ઓછી પડી રહી છે.

બાળકો સૌથી વધારે કેવી રીતે સંક્રમિત થઈ રહ્યા છે અને તેઓ કેવી રીતે વધુ સંક્રમણ ફેલાવી શકે છે?
ડૉ. આશિષ ગોટી:
કોરોના સંક્રમણના બીજા તબક્કા વખતે જ અમે કહ્યું હતું કે ત્રીજા તબક્કામાં સૌથી વધુ બાળકો કોરોના સંક્રમિત થઈ શકે છે અને એ જ પ્રકારની સ્થિતિ અત્યારે ઉભી થઇ. સ્કૂલ ખુલતાની સાથે જ બાળકોના કોરોના પોઝિટિવ આવવાના કેસો વધી ગયા છે. એક બાળક વર્ગખંડના અન્ય બાળકોને ખૂબ જ ઝડપથી સંક્રમિત કરી શકે છે. જો બાળકો ઘરમાં રહેતો તેઓ સંક્રમિત પણ ઓછા થાય અને અન્ય લોકોને પણ સંક્રમિત ઓછા કરી શકે છે.

તમામ શહેરોની અંદર પીડિયાટ્રિક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે તે કેવી રીતે કામ કરે છે?
ડૉ. આશિષ ગોટી:
પીડિયાટ્રિક ટાસ્ક ફોર્સ સુરત મહાનગરપાલિકાની હોસ્પિટલો તેમજ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર કયા પ્રકારની સુવિધાઓ કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે તેની માહિતી એકત્રિત કરે છે. કોરોના સંક્રમણના વધતા કેસને જોઈને શહેરની અંદર કેટલા આઈસીયુની જરૂર પડી શકે છે તેટલી મેડીશનની જરૂરિયાત છે ઓક્સિજન કેટલા પ્રમાણમાં બાળકો માટે ઉપલબ્ધ કરાવવું જોઈએ અને સરકાર પાસે જે પણ જરૂરિયાત હોય તે અંગેનો ડેટા એકત્રિત કરીને સરકારને આપવામાં આવતો હોય છે. બાળકો માટે બેડ સહિતની જેટલી સુવિધાઓ અવેલેબલ હોય છે તેની તમામ માહિતી સરકાર સુધી પહોંચાડી દેવામાં આવી છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને નવી પોલિસી બનાવી અથવા તો સરકારે જે પોલિસી જાહેર કરી છે તેનું અમલ કરવાનું રહે છે.

પીડિયાટ્રિક એસોસિએશન દ્વારા અન્ય શું કામગીરી કરવામાં આવી રહી છે?
ડૉ. આશિષ ગોટી:
પીડિયાટ્રિક એસોસિએશન દ્વારા સતત જાગૃતિ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગામડાંઓમાં પહોંચી ન શકે તેવી સ્થિતિમાં આશા વર્કરો અને આંગણવાડીના કાર્યકરો પાસેથી કામ લેવાનું શરૂ કરાયું છે. તેમને કોરોના લક્ષણો અંગેની તમામ માહિતી આપવામાં આવી છે અને ત્યારબાદ તેમના વિસ્તારમાં જો આવા લક્ષણોવાળા બાળકો કે અન્ય લોકો દેખાય તો તેમને તાત્કાલિક અસરથી ડોક્ટરનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. ડોક્ટરો દ્વારા વિવિધ વીડિયો બનાવીને જનજાગૃતિ માટેનો પ્રયાસ કરવામાં આવે છે.

વેક્સિનેશનને લઇને માતાપિતા શું વિચારી રહ્યા છે અને કયા પ્રકારના પ્રશ્નો તેમના મનમાં ઉદભવે છે?
ડૉ. આશિષ ગોટી:
કોરોના સંક્રમણની શરૂઆતના તબક્કામાં જે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી તેવું જ અત્યારે પણ લોકોની માનસિકતા દેખાય છે. વેક્સિન લેવા માટે લોકો પહેલાં તૈયાર થતા ન હતા પરંતુ હવે જાગૃતિ આવી છે અને લોકો વેક્સિન લેતા થયા છે. એ જ પ્રકારે અત્યારે પણ બાળકોને વેક્સિન આપવી કે કેમ તેને લઈને વાલીઓમાં મૂંઝવણ છે. અમે સતત વાલીઓને કહી રહ્યા છે કે ઝડપથી વેક્સિનેટ કરાવી દો, કારણ કે તે ખૂબ જ સુરક્ષિત છે તેમાં કોઇપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. જો બાળકે વેક્સિન લીધી હશે તો તે સુરક્ષિત થશે તેને કોઈ ના કારણે જે જોખમ ઊભું થાય છે તે જોખમ ઓછું થશે.