વેક્સિનેશનની રફ્તાર:દેશમાં કોરોના રસીકરણમાં ગુજરાત ત્રીજા સ્થાને, પુરુષોની સરખામણીએ 7 ટકા મહિલાઓએ ઓછી વેક્સિન લીધી

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં એકમાત્ર નવસારીમાં પુરુષો કરતાં મહિલાઓનું વધુ રસીકરણ થયું

ગુજરાતમાં વેક્સિનેશનમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. અત્યારસુધીમાં ગુજરાતમાં 18684286 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે, જેમાં 7741000 એટલે કે 54 ટકા પુરુષોએ રસી લીધી છે, જેની સામે 6583000 એટલે કે 46 ટકા મહિલાઓએ રસી મુકાવી છે, જેથી પુરુષો કરતાં 7 ટકા મહિલાઓનું રસીકરણ ઓછું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં વેક્સિનેશનમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે.

ગુજરાતમાં કેટલી ઉંમરના કેટલા લોકોને વેક્સિન લગાવી
ગુજરાતમાં અત્યારસુધીમાં 1.86(7 જૂન સુધી) કરોડ લોકોને વેક્સિન મૂકવામાં આવી છે, જેમાં સૌથી વધુ 57.56 લાખ 45થી વધુ ઉંમરનાને રસી મૂકવામાં આવી છે. ત્યાર બાદ 44.10 લાખ 60થી વધુ ઉંમરનાને રસી આપવામાં આવી છે. જ્યારે 42.71 લાખ 18થી વધુ ઉંમરનાને રસી મૂકવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા 18થી વધુ ઉંમરના લોકોને ઝડપથી વેક્સિન આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

છેલ્લા ત્રણ દિવસથી 2.50 લાખથી વધુ વેક્સિનેશન થયું
ગુજરાતમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં 11 મેના રોજ સૌથી વધુ 2.68 લાખ લોકોને વેક્સિન મૂકવામાં આવી હતી. જોકે, હવે સરકાર દ્વારા વેક્સિનેશનનો વધારો કરી એક જ દિવસમાં 3 લાખથી વધુ લોકોને વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી 2.50 લાખથી વધુ લોકોને રસી મૂકવામાં આવી રહી છે.

બંને ડોઝના વેક્સિનેશનમાં ગુજરાત દેશમાં બીજા સ્થાને
દેશના જે રાજ્યોમાં વેક્સિનેશનનું સૌથી વધુ પ્રમાણ હોય તેમાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં 2.44 કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.બીજા સ્થાને ઉત્તર પ્રદેશમાં 2.07 કરોડ અને ત્રીજા સ્થાને ગુજરાત છે. જ્યારે બંને ડોઝ પ્રમાણે પહેલા સ્થાને 48.5 લાખ લોકોનું રસીકરણ થયું છે. જ્યારે બીજી સ્થાને ગુજરાતમાં 43.26 લાખ લોકોનું રસીકરણ થયું છે.

ડાંગમાં સૌથી ઓછું રસીકરણ
ગુજરાતમાં અત્યારસુધી કુલ જે વેક્સિનેશન થયું છે તેમાં કોવિશીલ્ડનું પ્રમાણ સૌથી વધુ 1.65 કરોડ જ્યારે કોવેક્સિનનું પ્રમાણ 21.16 લાખ છે. ગુજરાતમાંથી સૌથી વધુ વેક્સિનેશન થયું હોય તેમાં અમદાવાદ શહેર 26.69 લાખ સાથે મોખરે, સુરત શહેર 18.59 લાખ સાથે બીજા અને વડોદરા શહેર 14.37 લાખ સાથે ત્રીજા સ્થાને છે. અત્યારસુધી ડાંગમાંથી સૌથી ઓછા 47569નું રસીકરણ થયું છે.