બંધ મકાનમાંથી એક ચોરે મીટરની ચોરીને અન્ય વ્યક્તિને 1 લાખ રૂપિયામાં વેચ્યું હતું. મીટર ખરીદનારે 1 વર્ષ સુધી મફતમાં વીજળી વાપરી. ડીજીવીસીએલની ટીમે તપાસ કરતાં આખી ઘટનાનો ભાંડો ભૂટ્યો હતો. જેમના ઘરેથી મીટર ચોરાયું તેમણે પણ ડીજીવીસીએલને જાણ કરી ન હતી. જેથી ઘરમાલિક, વીજ મીટર ચોરનાર અને ખરીદનાર એમ ત્રણેય સામે વીજ કંપનીએ કીમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
આખો ખેલ આ રીતે કરવામાં આવ્યો હતો
કામરેજ-કીમ વચ્ચે આવેલા કુડસદની ઓમ રેસિડેન્સીમાં કલ્પેશ વાઘાણી ઘર ધરાવે છે. જ્યાંથી 1 વર્ષ પહેલા ધ્રુવ પટેલે વીજમીટરની ચોરી કરી હતી. ત્યાર બાદ હસમુખે પટેલને મીટરની જરૂર હોવાથી તેમણે ઘ્રુવ પટેલને વાત કરી હતી. ધ્રુવે જે મીટરની ચોરી કરી હતી તેને હસમુખના ઘરે લગાવી આપ્યું હતું. આ મીટર થ્રી ફેઝ હતું. મીટર ખરીદવા માટે ધ્રુવે 1,08,354 રૂપિયા હસમુખ પાસેથી લીધા હતા. આ ખેલ 1 વર્ષ પહેલા થયો હતો. ડીજીવીસીએલે ચેકિંગ કરતાં હસમુખ પાસે બિલ ન હોવાથી ભાંડો ફૂટ્યો હતો.
ચોરી છૂપીથી વીજ મીટર ખરીદવું પણ ગુનો ગણાય છે
ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું કે, આ મીટર ખરીદનારે પણ ગુનો કર્યો છે. વળી, તેમના ઘરે લાઈટ બિલ પણ આવતું ન હતું. તેમ છતાં તેમણે ડીજીવીસીએલને જાણ સુદ્ધા કરી ન હતી. જેથી તેમની સામે પણ કાર્યવાહી કરાશે.
મીટરની ચોરી થાય તો વીજ કંપનીને જાણ કરવી જરૂરી
ડીજીવીસીએલે કીમ પોલીસને કરેલી અરજી મુજબ, કુડસદમાં અધિકૃત વીજજોડાણ પરથી મીટર ચોરી કરી ધ્રુવ જયંતી પટેલે હસમુખ અંબુભાઈ પટેલને વેચ્યું હતું. જેથી તેમની સામે ફરિયાદ દાખલ કરાય. ગામમાં ઘર ધરાવતા કલ્પેશ ભરત વાઘાણીના ઘરેથી આ મીટરની ચોરી થઈ હોવા છતાં તેમણે ડીજીવીએલને જાણ કરી ન હતી. એટલા માટે તેમની સામે પણ ફરિયાદ નોંધવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.