રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રવિવારે શહેરમાં નવનિર્મિત પાંડેસરા પોલીસ સ્ટેશનનું લોકાપર્ણ કર્યું હતું. આ તબકકે તેમણે આગામી દિવસોમાં શહેરમાં નવા 5 પોલીસ સ્ટેશન બનાવવાની મંજૂરી આપી હતી સાથે શહેર પોલીસ વિભાગમાં મહેકમ વધારવા કોન્સ્ટેબલથી લઇને ઉચ્ચ અધિકારી માટેની 856 નવી ભરતી કરવા અને વિશ્વાસ-2 પ્રોજેક્ટ હેઠળ નવા 590 સીસીટીવી કેમેરા લગાવવાની જાહેરાત કરી હતી.
ગૃહમંત્રીએ કરેલી જાહેરાત મુજબ નવા 5 પોલીસ સ્ટેશનમાં વેસુ, સારોલી, અડાજણમાંથી પાલ અને અમરોલીમાંથી ઉત્રાણ અને ખટોદરામાંથી અલથાણ પોલીસ સ્ટેશન બનાવાશે. શહેરમાં હાલ હયાત 786 સીસીટીવી છે જેમાં હવે વિશ્વાસ-2 પ્રોજેકટ હેઠળ નવા 590 સીસીટીવી લગાવવાથી કુલ 1376 કેમેરા થકી શહેરની સુરક્ષા કરાશે. તેમજ બોડી વોર્ન કેમેરા પણ ફાળવાશે. પોલીસ વાહનો માટે 3 કરોડ અને ઇક્વિપમેન્ટ માટે 1.23 કરોડ મંજૂર કરાયા છે.
પોલીસકર્મીઓને ઇનામ, ટ્રોફી એનાયત કરાઇ
રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નવ નિર્મિત પાંડેસરા પોલીસ સ્ટેશન અને સહાયતા કેન્દ્ર તેમજ પોલીસ હેડ કવાર્ટર ખાતે નવી કેન્ટીનમાં ડાઈનિંગ શેડનું લોકાપર્ણ કર્યું હતું. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પોલીસ કમિશનર અજય તોમર, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ધારાસભ્યો હાજરીમાં પોલીસ કમિશનર કચેરીના કોન્ફરન્સ હોલમાં પોલીસ કર્મીઓને સારી કામગીરી બદલ ઈનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.