સુરત શહેરમાં પાંડેસરા પોલીસે અપહરણ કરાયેલા બાળકના માતા-પિતા વિરુદ્ધ જ અપહરણની ખોટી ફરિયાદ બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બિહારમાં ભાઈ સાથે ચાલતા જમીન વિવાદમાં એક પિતાએ પોતાના જ દસ વર્ષના બાળકના અપહરણ-ગુમ થવાનું નાટક કરી સગા ભાઈ ને ફસાવવા નો તખ્તો ગોઠવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ અપહરણ-ગુમ બાળક પણ મળી આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસે જુદી જુદી ટીમને કામે લગાડી હતી
પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે, ગત 6 જુલાઈના રોજ પાંડેસરા ગોકુળધામ સોસાયટી બીલ્ડીંગ નં. 36/એ રૂમ નં.1માં રહેતા સીમાદેવી ચંદનસીંગ મહેન્દ્રસીંગનો 10 વર્ષનો દિકરો દિપક અચાનક પોતાના ઘર નજીકથી ગુમ થઈ ગયો હોવાની કે કોઇ અજાણ્યો ઇસમ અપહરણ કરી લઇ ગયો હોવાની ફરીયાદ મળી હતી. પાંડેસરા પોલીસે આ બાબતે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસ ઇન્સ્પેકટર એ.પી.ચૌધરીએ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ ગુમ થનાર બાળકને ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સિસ મારફતે શોધી કાઢવા પોલીસ જુદી જુદી ટીમને કામે લગાડી હતી.
ભાઈને જ દિકરાના અપહરણમાં ફસાવી ષડયંત્ર કર્યું
વધુમાં જણાવ્યું હતું કે તપાસ દરમિયાન બાળકના પિતાજી ચંદનસિંગ પર શંકા આધારે સઘન પૂછપરછ કરતા અનેક હકીકત બહાર આવી હતી. ચંદનસિંગનો તેમના ભાઇ લવકુશસિંગ સાથે મુળ વતન બિહારમાં જમીનને લઇને ઝઘડો ચાલી રહ્યો છે. ભાઇ લવકુશને પોતાના જ દીકરાના અપહરણમાં ફસાવી દેવા આવું ષડયંત્ર કરવામાં આવ્યું હતું.
માતાએ દિકરાને સાથે કામ કરતી મહિલાને ઘરે મોકલી આપ્યો
આ ષડયંત્રમાં પત્ની સીમાદેવીએ પોતાના 10 વર્ષના દિકરા દીપકને પોતાની સાથે કામ કરતી મહિલા જ્યોતિ વિલાસ ખડસે (રહે-પ્લોટ નં-193, ત્રિકમનગર,લિંબાયત,સુરત) ના ઘરે એક દિવસ માટે મોકલી આપી પોલીસ સ્ટેશનમાં પોતાનો દિકરો ગુમ-અપહરણ થયો હોવાનું નાટક કર્યો હતો જોજે પોલીસ તપાસમાં બાળક મળી આવતા અપહરણ અને ગુમ બાળકના ગુનાનો ભેદ ઉકેલી બાળકને શોધી કાઢવામાં પોલીસ સફળ રહી છે. એટલું જ નહીં પણ આ ગુનામાં બાળકના માતા પિતા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.