સુરતના રીંગરોડ સ્થિત કિન્નરી સિનેમા પાસે આવેલા શ્રી સોમોલાઈ હનુમાનજી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હતી. અજાણ્યો ઇસમ મંદિરમાંથી ચાંદીનું મુંગટ અને દાન પેટી મળી કુલ 66 હજારથી વધુની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હવે ભગવાન પણ નથી રહ્યા સુરક્ષિત
આપણે પોતાની સુરક્ષા માટે અને જીવનમાં પ્રગતિ માટે જે ભગવાનની પ્રાર્થના કરવા મંદિરમાં જઈએ છીએ તે ભગવાનના મંદિર પણ સુરતમાં સુરક્ષિત રહ્યા નથી. જીવનના સંકટ નિવારવા જે ભગવાન પાસે આપણે પ્રાર્થના કરવા જઈએ છીએ તેવા સંકટ મોચન હનુમાનજીનું મંદિર પણ સુરક્ષિત નથી.હવે તો તસ્કરો ભગવાનના મંદિરને પણ પોતાનું નિશાન બનાવી રહ્યા છે. સુરતમાં સંકટ મોચન હનુમાનજીના મંદિરને અજાણ્યા તસ્કરે નિશાન બનાવી મંદિરમાંથી ભગવાનનો ચાંદીનો મુગટ અને દાનપેટી માંથી ચોરી કરી ફરાર થઈ ગયો છે.
ભગવાનના મંદિરમાં ચોરી
સુરતમાં તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે, હવે તેઓ ભગવાનના મંદિરમાં પણ હાથફેરો કરી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં સામે આવી હતી. સુરતના રીંગરોડ સ્થિત કિન્નરી સિનેમા સામે આવેલા સુપર ટેક્સ ટાવરના કમ્પાઉન્ડમાં શ્રી સોમોલઈ હનુમાનજીનું મંદિર આવેલું છે. 10 ડીસેમ્બરના રોજ વહેલી સવારે મંદિરમાં ચોરીની ઘટના બની હતી. અજાણ્યો ચોર ઇસમ મંદિરમાં ગર્ભગૃહનું દરવાજાનું સાકળ સાથેનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ કર્યો હતો. અને મંદિરમાંથી ૨૫૦ ગ્રામનું ચાંદીનું મુગટ ઉપરાંત બે દાન પેટીના લોક તોડી તેમાંથી દાનની રકમ મળી કુલ રૂ. 66 હજારની મત્તા ચોરીને ભાગી ગયો હતો.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
મંદિરના પુજારી સવારે પૂજા કરવા આવ્યા ત્યારે મંદિરમાં ચોરી થઇ હોવાની જાણ ટ્રસ્ટીઓને કરી હતી. જેથી ટ્રસ્ટીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા એક ઇસમ ચોરી કરતા નજરે ચડ્યો હતો. જેથી આ સમગ્ર મામલે મંદિરનો વહીવટ કરતા અને વેપારી મુકેશભાઈ પ્રજાપતિએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.