પાલિકામાં 73 ડી હેઠળ ટેન્ડર વગર થયેલા ખર્ચ મંજૂરીના કામોમાં ફરી એકવાર વિવાદ થયો છે. ગુરુવારે પાલિકામાં મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં 73 ડી હેઠળ રૂ.14.16 લાખનું એક જ કામ બે વાર એજન્ડા પર મૂકાતા હોબાળો થયો હતો. જનસંપર્ક વિભાગનું આ કામ હતું. સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલના ધ્યાન પર આવતા જનસંપર્ક વિભાગનો કારભાર સંભાળનાર ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક અને પબ્લીક રિલેશન ઓફિસર પ્રતિમા રાઠોડને બરાબર ખખડાવ્યા હતા.
ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક હાલમાં જ મ્યુ.કમિશનર સહિતના અધિકારીઓ સાથે તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે નેધરલેન્ડ-સ્પેન સ્ટડી ટૂર કરીને પરત આવ્યા છે. ત્યારે સ્ટેન્ડીંગ ચેરમેને કમલેશ નાયકને એમ પણ ટકોર કરી કે, ફરીને આવી ગયા છો તો હવે કામમાં ધ્યાન આપો. એટલું જ નહીં કમલેશ નાયક તરફ ફાઇલ ફેંકી પહેલા ફાઇલ વાંચો પછી કામ લાવો કહી ચેરમેને આક્રોશ ઠાલવ્યો હોવાની માહિતી સાંપડી છે. બીજી તરફ પબ્લિક રિલેશન ઓફિસર પ્રતિમા રાઠોડ પણ ગોળગોળ જવાબ આપતા ચેરમેન અને સભ્યો અકળાયા હતા.
કોરોનામાં બનાવેલી ડોક્યુમેન્ટ્રીનું બિલ પણ વિવાદિત
જનસંપર્ક વિભાગે 73 ડી હેઠળ શ્રીજી ફિલ્મસને કોરોનાને નિયંત્રણ કરવા માટે વિવિધ વિસ્તારમાં વધુ સંક્રમણ ન ફેલાય તેની જનજાગૃતિ માટેની કુલ 8 ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી હતી. જેનું બિલ રૂ.14.16 લાખનું હતું. આ ખર્ચની રકમની જાણ લેવા માટે 73 ડી હેઠળ સ્ટેન્ડીંગમાં 4 નંબરના કામમાં કુલ 6 કામો કુલ રૂ.23.38 લાખ અને કામ નં 38માં કુલ 17 કામો રૂ.43.21 લાખના જાણ લેવાના કામ હતા. આ બંને કામોમાં રૂ.14.16 લાખનું કામ મુકાતા હોબાળો થયો હતો. જેથી અભ્યાસ માટે કામ મુલતવી રખાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.