સુરતના પુણાના રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવીને ટોળકીએ નકલી પોલીસની મદદથી 3 લાખ રૂપિયા પડાવી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો.
પુણા તિરૂપતિ સોસાયટીમાં રહેતો રત્નકલાકાર વૈભવ ચંદુ નાવડિયા બે વર્ષ પહેલાં સીતાનગર પાસે ઉભો હતો ત્યારે મંજુ નામની મહિલાએ તેને શરીર સુખ માણવાની વાત કરી ફોનનંબરની આપ-લે કરી હતી. 5મી ઓગષ્ટે મંજુએ વૈભવને ફોન કરીને શરીરસુખ માણવા પુણાની વિક્રમનગર સોસાયટી-1માં બોલાવ્યો હતો.
વૈભવ મંજુએ બતાવેલી જગ્યા પર પહોંચ્યો હતો. એ જગ્યા પર મંજુની સાથે બીજી બે મહિલા પણ હતી. એક હજાર રૂપિયા નક્કી કરીને એક મહિલા તેની સાથે રૂમમાં ગઇ એટલી જ વારમાં અચાનક 4 લોકો આવી પોતાની ઓળખ પોલીસની આપી હતી. ટોળકીએ કંટ્રોલમાંથી ફોન આવતા તેઓ પુણા પોલીસમાંથી આવ્યાનું કહીને અહીં સેક્સ રેકેટ ચાલતું હોવાની કહી પતાવટ પેટે 5 લાખ માંગ્યા હતા.
વૈભવે પોતે આટલી મોટી રકમ આપી શકે તેમ ન હોવાથી અને 50 હજાર રૂપિયામાં પતાવટ કરવાનું કહ્યું હતું. જેથી ટોળકીએ પિસ્તોલ બતાવીને વૈભવને બે-ચાર તમાચા મારી કોઇક પણ રીતે 5 લાખ લાવવાનું કહ્યું હતું. વૈભવે તેના મિત્રો પાસેથી 3 લાખની વ્યવસ્થા કરી હતી. જેમાં વરાછામાં કોહિનૂર સોસાયટી પાસે મયુર કુંભાણી પાસેથી 50 હજાર, કતારગામ જીઆઇડીસીમાં હર્ષદ અણધણ પાસેથી 50 હજાર અને સણિયાગામેથી અજય ગોરાસિયા પાસેથી 2 લાખ લઇને ટોળકીને સીમાડા ચોક પોસ્ટ પર આપ્યા હતાં. ધમકી આપીને ટોળકી ભાગી છૂટી હતી.
આ ઘટનાથી હતપ્રભ થઇ ગયેલા વૈભવે નાવડિયાએ બીજા દિવસે તેના મિત્રોને આ વાત કરી હતી. મિત્રોએ ફરિયાદ કરવાની હિંમત આપતા વૈભવ નાવડિયાએ પુણા પોલીસ સ્ટેશનમાં આરોપી મંજુ, હિરલ ઝાલા, ભારતી તથા ચાર અજાણ્યા નકલી પોલીસવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વૈભવે મંજુને પૂછ્યું મકાન કોનું છે ?
ફરિયાદી વૈભવ જ્યારે શરીરસુખ માણવા માટે મંજુને મળવા ગયો ત્યારે પુછ્યું આ મકાન કોનું છે. ત્યારે મંજુએ કહ્યું કે આ મકાન દિલીપ ઝાલાનું છે અને સામે બેસેલી બે પૈકી એક મહિલા દિલીપની પત્ની હિરલ ઝાલા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.