ધરપકડ:વિધવા દીકરીએ પિતાને સાચવવા આપેલા ઘરેણાં-રોકડ મળી 3 લાખની લૂંટ, 2 ઝબ્બે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જમાઈની અંતિમવિધિમાંથી આવતાં વરાછાના વૃદ્ધને રિક્ષાસવાર ગેંગે લૂંટ્યા

વરાછામાં રહેતા વૃદ્ધ પિતાને વિધવા દીકરીએ ઘરેણાં અને રોકડા 50 હજાર સાચવવા આપ્યા હતા. જે રિક્ષા ચાલક સહિતનાએ વૃદ્ધ પાસેથી લૂંટી લીધા હતા. વરાછામાં લક્ષ્મીનગર પાસે ઇશ્વરકૃપા સોસાયટી વિભાગ-2 માં રહેતા હસમુખ ઉકાભાઈ કાનાણી(62) મૂળ સાવરકુંડલાના વતની છે. તેમની દીકરી બીનાના લગ્ન અમરેલીના કમીગઢના વતની લલિત સાથે થયા હતા. લલિતનું અવસાન થતા હસમુખભાઈ કમીગઢ વિધિમાં ગયા હતા. ત્યાંથી પરત આવતી વેળા બીનાએ તેની પાસે ધ્યાન રાખવાવાળું કોઈ નથી એમ કહી રોકડા 50 હજાર અને ઘરેણાં સાચવવા પિતાને આપ્યા હતા.

ઘરેણાંની કિંમત 2.57 લાખ હતી. હસમુખભાઈ બુધવારે સવારે બસમાંથી હીરાબાગ પાસે ઉતર્યા હતા. ત્યાંથી રિક્ષામાં બેસી ઘરે જવા નીકળ્યા ત્યારે ડ્રાયવર ઉપરાંત 3 પેસેન્જર હતા. તેમાં એક મહિલા હતી. રિક્ષા કાળીદાસ નગર ચોકડી પાસે પહોંચી ત્યારે એકએ હસમુખભાઈને ગાળ આપી ‘તારી પાસે જે કંઈ હોય તે આપી દે નહીંતર જાનથી મારી નાખીશ’ એવી ધમકી આપી હતી. તેથી હસમુખભાઈ ગભરાયા હતા. તેઓએ ડ્રાઇવરને રિક્ષા ઉભી રાખવા કહ્યું પણ ડ્રાઈવરે ઉભી ન રાખતા હસમુખભાઈએ ચાલું રિક્ષામાંથી ઉતારવાની કોશિશ કરી હતી.

ત્યારે બીજા આરોપીએ તેમને પકડી લઈ મોઢું દબાવી માર માર્યો હતાે. મહિલાએ થેલો ખેંચી તેમાંથી ઘરેણાનું બોક્સ અને રોકડ લૂંટી લીધી હતી. બોક્સમાં 6 તોલાથી વધુ વજનનો સોનાનો હાર અને કાનની બુટ્ટી હતી. ઘરેણાં અને રોકડા મળી કુલ 3.07 લાખનો મુદ્દામાલ હતો. ત્યાર બાદ લૂંટારૂઓએ ધમકી આપી હતી કે, જો પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખશે. બીજા દિવસે હસમુખભાઈએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 4 લૂંટારું પૈકી નુરા ગોલ્ડન કાદર શેખ અને રાજા હકીમ શેખની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કરી લીધો છે.

અન્ય સમાચારો પણ છે...