કોરોનાને કારણે પાર્ટ્સ ઈમ્પોર્ટ થઈ શક્યા ન હોવાથી દેશભરના વિન્ડ પાવર પ્રોજેક્ટને અસર થઈ હતી, જો કે, હવે સરકાર દ્વારા વિન્ડ પાવર પોલિસી લંબાવવામાં આવી હોવાના કારણે અટકી પડેલા વિન્ડ પાવર પ્રોજેક્ટો હવે પૂરા થઈ શકશે.
ગ્રીન એનર્જી ક્લિન તરફ લોકો વધે અને પ્રદૂષણ ઓછું થાય તે માટે સરકાર દ્વારા સોલાર અને વિન્ડ એનર્જી તરફ વાળવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. તે અંતર્ગત વિન્ડ પાવર પોલિસી બનાવવામાં આવી હતી. એક અંદાજ પ્રમાણે શહેરના 10 જેટલાં ઉદ્યોગકારો દ્વારા વિન્ડ પાવર એનર્જી પ્રોજેક્ટ નાંખવાનું આયોજન કર્યુ હતું. વિન્ડ પાવરમાં પવન ચક્કી દ્વારા વિજળી ઉત્પન્ન કરીને ઉદ્યોગમાં ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. એક પવન ચક્કી લગાવવા માટે કુલ 10 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે.
સુરતના ટેક્સટાઈલ સહિતના ઉદ્યોગકારો દ્વારા વિન્ડ પાવર પ્રોજેક્ટ પર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેમાં અમુક સ્પેરપાર્ટ્સ વિદેશમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. કોરોનાને કારણે સ્પેરપાર્ટ્સ ઈમ્પોર્ટ કરી થઈ શક્યા ન હતાં. હતાં જેના કારણે વિન્ડ પાવર પ્રોજેક્ટ અટકી પડ્યા હતાં. ઉદ્યોગકારો દ્વારા વિન્ડ પાવર પોલિસી લંબાવવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી.
જેથી સરકાર દ્વારા વિન્ડ પાવર પોલિસી ૩૧મી જૂલાઈ સુધી લંબાવવામાં આવી છે. જેનાથી સુરતના ઉદ્યોગકારોને ફાયદો થશે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઘણાખરા ઉદ્યોગોમાં પોતપોતાના વિસ્તારમાં આ વિન્ડ પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી હતી. જો કે, કોરોના કાળમાં વિદેશી પાર્ટ્સના અભાવે છેલ્લા દોઢેક વર્ષથી કોઈ નોંધપાત્ર કામગીરી આગળ ધપી શકી ન હતી.
... તો અનેક પ્રોજેક્ટ બંધ થઈ ગયા હોત
લક્ષ્મીપતિ સાડીના ઓનર સંજય સરાઉગી કહે છે કે, ‘સુરતમાં અમે 2 વિન્ડ પાવર પ્રોજેક્ટ શરૂ કરવાના છીએ. તેના અમુક પાર્ટ્સ વિદેશમાંથી ઈમ્પોર્ટ કરવા પડે છે. જો કે, કોરોનાને કારણે આ પાર્ટ્સ આવી શક્યા ન હતાં જેથી રાજ્યના અનેક પ્રોજેક્ટ બંધ થઈ જવાની શક્યતા હતી. હવે સરકારે પોલીસી લંબાવતા આ પ્રોજેક્ટ પૂરા થઈ શકશે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.